મરણપથારીએ પડેલી માતાને પાણી ન આપ્યું, 14 વર્ષે અનાથ થયો:અરશદે ઘરે ઘરે જઈ લિપસ્ટિક વેચી, જયા બચ્ચને ફિલ્મોમાં તક આપી; 'સર્કિટ'એ સ્ટાર બનાવ્યો

Last Updated: July 10, 2026By

14 વર્ષની ઉંમરે અરશદ વારસીએ એવી પીડા વેઠી, જેણે તેમને સમય પહેલાં મોટા બનાવી દીધા. ડૉક્ટરની સલાહ પર તેમણે માતાને પાણી નહોતું આપ્યું અને થોડા કલાકો પછી તેમનું નિધન થઈ ગયું. આ વાતનો અફસોસ તેમને આજે પણ છે. માતા-પિતાના નિધન પછી ઘરની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ અને તેમને સ્કૂલ છોડવી પડી. તેમણે બસમાં અને ઘરે-ઘરે જઈને લિપસ્ટિક વેચી, ફોટો લેબમાં નોકરી કરી અને નાના-નાના કામ કરીને ગુજરાન ચલાવ્યું. પરિસ્થિતિ એટલી મુશ્કેલ હતી કે, ઘણી વાર ભવિષ્ય અંધકારમય લાગતું હતું. પરંતુ આ જ સંઘર્ષે તેમને એવા કલાકાર બનાવ્યા, જેમણે ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ના ‘સર્કિટ’ બનીને કરોડો લોકોના દિલ જીત્યા. તેમને પણ આ પાત્રની આટલી મોટી સફળતાની અપેક્ષા નહોતી. આજની સક્સેસ સ્ટોરીમાં જાણીએ અરશદ વારસીના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો… બાળપણમાં સુખી જીવન, પછી બધું બદલાઈ ગયું 19 એપ્રિલ 1968ના રોજ મુંબઈમાં જન્મેલા અરશદ વારસીનું શરૂઆતનું બાળપણ આર્થિક રીતે સારું હતું. તેમના પિતા અહેમદ અલી ખાન વારસી શાયર અને ગાયક હતા. પરિવારનું જીવન આરામદાયક હતું, પરંતુ સમય જતાં પરિસ્થિતિ બગડવા લાગી. કાનૂની વિવાદો અને આર્થિક નુકસાનને કારણે પરિવારની સંપત્તિ જતી રહી. મોટું ઘર છોડીને તેમને નાના ઘરોમાં રહેવું પડ્યું. 14 વર્ષની ઉંમરે અનાથ થઈ ગયા અરશદના જીવનનો સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો, જ્યારે તેમણે નાની ઉંમરે પોતાના માતા-પિતાને ગુમાવ્યા. રાજ શમાણીના પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું કે, તેઓ માત્ર 14 વર્ષના હતા, જ્યારે તેમના માથેથી માતા-પિતાની છત્રછાયા ઉઠી ગઈ. આ ઘટનાએ તેમને ઉંમર પહેલા જવાબદાર બનાવી દીધા. અરશદે કહ્યું હતું- ‘હું મારી ઉંમર પ્રમાણે ઘણો પરિપક્વ થઈ ગયો હતો. પિતાજીના ગયા પછી પરિસ્થિતિ સતત ખરાબ થતી ગઈ. માતાના નિધન પછી હું તરત રડી પણ ન શક્યો, કારણ કે મને લાગ્યું કે હવે બધું મારે જ સંભાળવાનું છે. ઘણા અઠવાડિયા પછી હું ધ્રુસકે ધ્રુસકે રડ્યો.’ માતાની છેલ્લી યાદ આજે પણ ભૂલ્યો નથી અરશદે જણાવ્યું કે, તેમના માતા એક સામાન્ય ગૃહિણી હતાં અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતા હતાં. તેમની કિડની ફેલ થઈ ગઈ હતી, તેથી નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. સારવાર દરમિયાન ડોકટરોએ સખત સૂચના આપી હતી કે, તેમને પાણી આપવું નહીં. પરંતુ તેમના માતા વારંવાર પાણી માંગતાં હતાં અને અરશદે ડોકટરોની સલાહ માનીને દરેક વખતે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, અવસાનની બરાબર આગલી રાત્રે માતાએ તેમને બોલાવીને પાણી માંગ્યું હતું, પરંતુ તેમણે પાણી આપ્યું ન હતું. તે જ રાત્રે તેમની માતાનું અવસાન થયું. અરશદના મતે, આ ઘટના આજે પણ તેમને અંદરથી હચમચાવી દે છે. તેમણે કહ્યું કે, તે સમયે તેમને લાગતું હતું કે જો તેમણે માતાને પાણી પીવડાવ્યું હોત અને ત્યારબાદ તેમનું અવસાન થયું હોત, તો આખી જિંદગી પોતાને જવાબદાર માનતા. હવે તેમને લાગે છે કે કદાચ માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવી જોઈતી હતી. તેમનું માનવું છે કે, ઘણીવાર પરિવારના સભ્યો દર્દીની ઈચ્છા કરતાં પોતાના અપરાધભાવના આધારે નિર્ણયો લે છે. આર્થિક તંગીના કારણે અભ્યાસ છોડવો પડ્યો, લિપસ્ટિક વેચી માતા-પિતાના અવસાન પછી ઘર ચલાવવાની જવાબદારી અરશદના ખભા પર આવી ગઈ. આર્થિક સંકટ એટલું ઊંડું હતું કે તેમને દસમા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. ગુજરાન ચલાવવા માટે તેમણે ઘણા નાના-મોટા કામ કર્યા. તેમણે કોસ્મેટિક્સ કંપનીમાં ડોર-ટુ-ડોર સેલ્સમેન તરીકે કામ કર્યું. ઘણા અહેવાલો અનુસાર, તેઓ મુંબઈની બસોમાં લિપસ્ટિક અને કોસ્મેટિક ઉત્પાદનો પણ વેચતા હતા. અરશદ વારસી કહે છે, ‘હું ઘરે-ઘરે જઈને લિપસ્ટિક વેચતો હતો. ઘણા લોકો દરવાજો બંધ કરી દેતા હતા, પરંતુ તે જ સમયગાળાએ મને લોકો સાથે વાત કરવાનું અને જીવનનો સામનો કરવાનું શીખવ્યું.’ તેમણે જણાવ્યું કે તે સમયગાળામાં તે આખા અઠવાડિયાની મહેનત કરીને થોડાક સો રૂપિયા જ કમાઈ શકતા હતા, જ્યારે માતાની સારવાર પર દર અઠવાડિયે લગભગ 800 રૂપિયા ખર્ચ થઈ જતા હતા. તેમણે કહ્યું, ‘હું વીકએન્ડ પર મ્યુઝિકલ શો કરતો હતો, જેના 175 રૂપિયા મળતા હતા. ત્યારે જ મને સમજાયું કે, જીવનમાં આર્થિક રીતે મજબૂત હોવું કેટલું જરૂરી છે.’ ડાન્સે બદલી જિંદગી સંઘર્ષની વચ્ચે અરશદનો ડાન્સનો શોખ ક્યારેય છૂટ્યો નહીં. તેમને બાળપણથી જ ડાન્સમાં રુચિ હતી. ધીમે ધીમે તેમણે ડાન્સને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. ડાન્સ પ્રત્યેના જુસ્સાએ તેમનું જીવન બદલી નાખ્યું. તેઓ અકબર સામીના ડાન્સ ગ્રુપ સાથે જોડાયા. 1991માં ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધા જીતી અને 1992માં લંડનમાં આયોજિત વર્લ્ડ ડાન્સ ચેમ્પિયનશિપના મોડર્ન જાઝ વર્ગમાં ચોથું સ્થાન મેળવ્યું. આ પછી તેમણે ડાન્સ સ્ટુડિયો શરૂ કર્યો અને ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરવા લાગ્યા. તેમણે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ના ટાઇટલ ટ્રેક ઉપરાંત ‘ઠિકાના’ અને ‘કાશ’ જેવી ફિલ્મોમાં પણ કોરિયોગ્રાફી કરી. અહીંથી જ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. જયા બચ્ચનની નજર પડી, પહેલી તક મળી કોરિયોગ્રાફર તરીકે કામ કરતી વખતે તેમની મુલાકાત ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે થઈ. આ દરમિયાન જયા બચ્ચને તેમની પ્રતિભા જોઈને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (ABCL)ની ફિલ્મ ‘તેરે મેરે સપને’માં અભિનયની તક આપી. 1996માં રિલીઝ થયેલી ‘તેરે મેરે સપને’થી અરશદ વારસીએ એક્ટર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ફિલ્મ અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (ABCL)ના બેનર હેઠળ બની હતી અને ડિરેક્ટર જોય ઓગસ્ટિન હતા. આ પહેલા તેઓ કોરિયોગ્રાફર તરીકે ઓળખ બનાવી ચૂક્યા હતા. તેમની એન્ટ્રી કોઈ ફિલ્મી પરિવારને કારણે નહીં, પરંતુ પ્રતિભાના જોરે થઈ હતી. અરશદે કહ્યું હતું કે, તેઓ અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને જોય ઓગસ્ટિનના આભારી રહેશે, જેમણે તેમના પર વિશ્વાસ કર્યો. પહેલી ફિલ્મ પછી મનપસંદ કામ ન મળ્યું ‘તેરે મેરે સપને’ પછી અરશદને લાગ્યું હતું કે, તેમની કારકિર્દીની ગતિ તેજ થશે, પરંતુ એવું ન થયું. આગળના કેટલાક વર્ષોમાં તેમણે ‘હીરો હિન્દુસ્તાની’, ‘હોગી પ્યાર કી જીત’, ‘મુજે મેરી બીવી સે બચાઓ’, ‘જાની દુશ્મન: એક અનોખી કહાની’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નહીં. આ દરમિયાન સારા પાત્રો પણ ઓછા મળ્યા અને તેમને લાગ્યું કે ઇન્ડસ્ટ્રીમાં પોતાને ફરીથી સાબિત કરવું પડી રહ્યું છે. આઉટસાઇડર હોવાની કિંમત ચૂકવવી પડી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા ઇન્ટરવ્યુમાં અરશદ વારસીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહારના કલાકારોના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે- ‘ઇન્ડસ્ટ્રીનો એક વર્ગ એવો છે, જેને હિટ ફિલ્મ આપવા માટે ઘણી તકો મળે છે. પરંતુ જેઓ ફિલ્મી પરિવારમાંથી નથી આવતા, તેમના માટે એક ફ્લોપ પછી ફરીથી સંઘર્ષ શરૂ થઈ જાય છે.’ અરશદે કહ્યું કે, સમય જતાં તેમણે આ સત્ય સ્વીકારી લીધું અને ફરિયાદ કરવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપવાનું પસંદ કર્યું. લાગ્યું હતું કે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ છેલ્લી ફિલ્મ સાબિત થશે 2003માં જ્યારે ડિરેક્ટર રાજકુમાર હિરાણીએ તેમને ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં ‘સર્કિટ’નો રોલ ઓફર કર્યો, ત્યારે અરશદને લાગ્યું કે, આ તેમના કરિયરની છેલ્લી ફિલ્મ સાબિત થઈ શકે છે. તેમને ખાતરી નહોતી કે ‘સર્કિટ’નું પાત્ર આટલું લોકપ્રિય થઈ જશે. અરશદ વારસી કહે છે- ‘મને પૂરો વિશ્વાસ હતો કે ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ પછી મારી કારકિર્દી પૂરી થઈ જશે. મને લાગતું હતું કે, આ રોલ બહુ નાનો છે અને તેનાથી મને કોઈ ફાયદો નહીં થાય.’ તેમણે જણાવ્યું કે, તે સમયે સંજય દત્ત પણ ફિલ્મની સફળતાને લઈને સંપૂર્ણપણે આશ્વસ્ત નહોતા. ‘સર્કિટ’નો રોલ શરૂઆતમાં પસંદ નહોતો આવ્યો અરશદ વારસી કહે છે, ‘જો તમે ફક્ત પાત્રને જુઓ, તો તે બહુ મોટો રોલ નહોતો. જો ફિલ્મ ન ચાલી હોત, તો તે પાત્રનો કોઈ અર્થ ન રહેત.’ તેમણે ‘સર્કિટ’ને “ભગવાન દ્વારા અપાયેલ રોલ” ગણાવતા કહ્યું કે, તેમની કિસ્મત સારી હતી કે ફિલ્મ સુપરહિટ થઈ અને દર્શકોએ સર્કિટ અને મુન્ના ભાઈની જોડીને દિલથી અપનાવી. ‘સર્કિટ’નું નામ પહેલાં ‘ખુજલી’ હતું ઓછા લોકો જાણે છે કે ‘મુન્ના ભાઈ એમબીબીએસ’માં સર્કિટનું પાત્ર પહેલાં અલગ હતું. તેનું નામ ‘ખુજલી’ રાખવામાં આવ્યું હતું. અરશદ વારસીએ રાજકુમાર હિરાણીને નામ બદલવાનું સૂચન કર્યું. તેમણે પાત્રના કપડાં, હેરસ્ટાઇલ અને ઘણા દ્રશ્યોમાં પણ પોતાના સૂચનો આપ્યા. આ જ ફેરફારો આગળ જતાં ‘સર્કિટ’ની ઓળખ બની ગયા. લોકો નામ નહીં, ‘સર્કિટ’ કહીને બોલાવવા લાગ્યા ‘મુન્નાભાઈ એમબીબીએસ’ની સફળતા પછી લોકો અરશદ વારસીને તેમના અસલી નામથી ઓછું અને ‘સર્કિટ’ના નામથી વધુ ઓળખવા લાગ્યા. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, લદ્દાખમાં બાઇક ટ્રિપ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું કે, તેમનો ચહેરો અરશદ વારસી જેવો લાગે છે અને તેમણે તેમની મિમિક્રી કરીને પૈસા કમાવવા જોઈએ. અરશદે પોતાની ઓળખ ન જણાવી અને આ ઘટનાનો આનંદ લીધો. ‘લગે રહો મુન્નાભાઈ’એ બનાવી કાયમી ઓળખ 2006માં આવેલી ‘લગે રહો મુન્નાભાઈ’ એ સર્કિટના પાત્રને વધુ લોકપ્રિય બનાવ્યું. આ પછી અરશદ વારસી માત્ર કોમેડી એક્ટર જ ન રહ્યા, પરંતુ બહુમુખી કલાકાર તરીકે ઓળખ બનાવી. તેમણે ‘ગોલમાલ’ સિરીઝ, ‘ધમાલ’, ‘ઇશ્કિયા’ અને ‘જોલી એલએલબી’ જેવી ફિલ્મોથી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી. ‘ગોલમાલ’ એ બનાવ્યો કોમેડીનો મોટો ચહેરો રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ સિરીઝમાં અરશદ વારસીએ માધવનું પાત્ર ભજવ્યું. અજય દેવગન, તુષાર કપૂર અને શ્રેયસ તલપડે જેવા કલાકારો વચ્ચે પણ તેમની કોમિક ટાઈમિંગે દર્શકોનું ધ્યાન ખેંચ્યું. આ પછી ‘ધમાલ’, ‘ડબલ ધમાલ’ અને ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મોએ તેમને હિન્દી સિનેમાના ભરોસાપાત્ર કોમેડી એક્ટરમાં સામેલ કરી દીધા. જોકે, અરશદ હંમેશા કહેતા રહ્યા કે, તેઓ માત્ર કોમેડી એક્ટર બનીને રહેવા માંગતા નથી. ‘ઇશ્કિયા’ અને ‘જોલી એલએલબી’માં બતાવ્યો અલગ રંગ વિશાલ ભારદ્વાજની ‘ઇશ્કિયા’માં ‘બબ્બન’ અને ‘જૉલી એલએલબી’માં સંઘર્ષરત વકીલ જગદીશ (જૉલી) ત્યાગીના પાત્રે સાબિત કરી દીધું કે, અરશદ માત્ર હસાવનારા અભિનેતા નથી. આ ફિલ્મોમાં તેમના ગંભીર અભિનયને વિવેચકોએ વખાણ્યો. પાછળથી તેમણે કહ્યું કે, તેમને એવા પાત્રો ગમે છે, જેમાં ઘણી પરતો હોય અને એક્ટર તરીકે કંઈક નવું કરવાની તક મળે. વેબ સિરીઝ ‘અસુર’થી મળી નવી ઓળખ 2020માં આવેલી વેબ સિરીઝ ‘અસુર’ અરશદ વારસીના કરિયરનો મોટો વળાંક સાબિત થઈ. તેમાં તેમણે ફોરેન્સિક નિષ્ણાત ધનંજય રાજપૂતનું પાત્ર ભજવ્યું. આ ભૂમિકા તેમના અગાઉના કોમિક પાત્રોથી તદ્દન અલગ હતી. આ સિરીઝ વિશે અરશદે જણાવ્યું હતું કે, ‘મેં ‘અસુર’ બે કારણોસર કરી. પહેલું, તેની વાર્તા ખૂબ જ શાનદાર અને અણધારી હતી. બીજું, આ કોમિક પાત્ર નહોતું. આ એક ગંભીર, જટિલ અને અનેક સ્તરોવાળું પાત્ર હતું, જેવું કામ મને ઓછું મળે છે.’ સિરીઝની સફળતા પછી દર્શકોએ તેમને ગંભીર એક્ટર તરીકે પણ સ્વીકાર્યા. અરશદ વારસી માને છે કે, OTT પ્લેટફોર્મે તેમની છબી બદલવામાં મોટી ભૂમિકા ભજવી. તેઓ કહે છે કે, ‘મને ખુશી છે કે હવે લોકો મને માત્ર કોમેડિયન નથી માનતા. મેં હંમેશા અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો અને હવે લોકો તેને ઓળખી રહ્યા છે.’ તાજેતરમાં અરશદ વારસીની વેબ સિરીઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. તેમની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ તાજેતરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ઉપરાંત તેઓ શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ અને ‘ગોલમાલ 5’માં જોવા મળશે. ત્રણ દાયકા પછી પણ સતત સક્રિય લગભગ ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં અરશદ વારસીએ 50થી વધુ ફિલ્મો અને ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેમણે ક્યારેય ફિલ્મોની સંખ્યા પાછળ ભાગવાને બદલે પોતાની પસંદની સ્ક્રિપ્ટને પ્રાધાન્ય આપ્યું. અરશદ વારસી કહે છે કે, તેમને ઓછું કામ કરવું મંજૂર છે, પરંતુ એવું કામ કરવા માંગતા નથી, જેમાં તેમને પોતાને વિશ્વાસ ન હોય. પરિવાર બન્યો સૌથી મોટી તાકાત અરશદ વારસીનું અંગત જીવન પણ સંતુલિત રહ્યું છે. તેમણે 1999માં મારિયા ગોરેટી સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત ડાન્સના દિવસોમાં થઈ હતી. અરશદ ઘણીવાર કહી ચૂક્યા છે કે, સંઘર્ષના દિવસોથી લઈને સફળતા સુધી મારિયાએ હંમેશા તેમનો સાથ આપ્યો છે. તેઓ લાઈમલાઈટથી દૂર રહીને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે અને અંગત જીવનને મીડિયાની હેડલાઈન્સથી અલગ રાખે છે.

Leave A Comment