'મહાભારત'ના 'અશ્વત્થામા'ના આજે અંતિમ સંસ્કાર:પ્રદીપ રાવતનું ગઈકાલે કેન્સરથી નિધન થયું હતું, 'ગજની'માં વિલનની ભૂમિકા ભજવી લોકપ્રિય બન્યા હતા

Last Updated: August 5, 2026By

‘મહાભારત’ ટીવી સિરિયલ અને ‘ગજની’ ફિલ્મ ફેમ એક્ટ્રેસ પ્રદીપ રાવતનો અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈની બેસ્ટ કોલોની પાસે ગોરેગાંવ (પશ્ચિમ)માં થશે. અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનેક ફિલ્મોમાં જોવા મળેલા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે મંગળવારે સાંજે નિધન થયું. તસવીરો જુઓ- ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રિપોર્ટ અનુસાર, પ્રદીપ રાવતના મેનેજર સિદ્ધાર્થ તિવારીએ જણાવ્યું હતું કે, એક્ટર કેન્સરથી પીડિત હતા. તેમને આ બીમારી ફરીથી થઈ હતી. છેલ્લા એક મહિનાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મહાભારતમાં ‘અશ્વત્થામા’નો રોલ ભજવ્યો હતો પ્રદીપ રાવતે એક્ટિંગ કરિયરની શરૂઆત બીઆર. ચોપરાના ટીવી શો ‘મહાભારત’થી કરી હતી. તેઓ અશ્વત્થામાના રોલમાં જોવા મળ્યા હતા. પ્રદીપે આ પછી હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી સિનેમામાં તેઓ ‘લગાન’, ‘સરફરોશ’, ‘ગજની’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં દેખાયા હતા. તેલુગુ ફિલ્મ ‘સઈ’ (Sye)થી તેમણે દક્ષિણ ભારતીય સિનેમામાં પગ મૂક્યો અને વિલન તરીકે ઘણા યાદગાર પાત્રો ભજવ્યા. તમિલ ફિલ્મ ‘ગજની’ (2005)માં તેમના ડબલ રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમણે આ જ ભૂમિકા હિન્દી રિમેક ‘ગજની’માં પણ ભજવી હતી. આ ઉપરાંત તેમણે કન્નડ ફિલ્મ ‘પેરોડી’, મલયાલમ ફિલ્મ ‘ચાઈના ટાઉન’, બંગાળી ફિલ્મ ‘હીરો 420’ અને ભોજપુરી ફિલ્મ ‘ક્રેક ફાઈટર’માં પણ અભિનય કર્યો હતો. આમિર ખાનને પ્રદીપની બહેને ઠપકો આપ્યો હતો ફિલ્મ ‘લગાન’માં દેવાની ભૂમિકા પહેલા એક્ટર મુકેશ ઋષિને ઓફર થયો હતો, પરંતુ સાઉથની ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે આ ફિલ્મ ન કરી. ત્યારબાદ આ રોલ પ્રદીપ રાવતને મળ્યો હતો. ખરેખર, ફિલ્મ ‘સરફરોશ’માં પ્રદીપ રાવતનું કામ જોઈને આમિર ખાન ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે અડધી રાત્રે લગભગ 12 વાગ્યે પ્રદીપના ઘરના લેન્ડલાઈન પર ફોન કર્યો. તે સમયે પ્રદીપ ઘરે નહોતા. તેમની બહેને ફોન ઉપાડ્યો. ‘હું આમિર ખાન બોલું છું’ સાંભળીને તેમણે તેને પ્રૅન્ક કૉલ સમજ્યો. તેમણે ઠપકો આપતા કહ્યું, ‘કેમ બદમાશી કરી રહ્યા છો?’ બાદમાં આમિરે લેખક ઉમાશંકર પાઠક સાથે વાત કરાવી, જેમને પરિવાર ઓળખતો હતો. ત્યારે બધાને ખાતરી થઈ કે ફોન ખરેખર આમિર ખાનનો છે. આમિરે પ્રદીપને બીજા દિવસે ઓફિસ બોલાવીને ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો અને સાઈનિંગ અમાઉન્ટનો ચેક આપ્યો. પછી આ રીતે તેમને ફિલ્મ ‘લગાન’માં કામ મળ્યું હતું. પ્રદીપ રાવતના કારણે સલમાનને ન મળી ‘ગજની’ 27 માર્ચ 2025ના રોજ મુંબઈમાં ફિલ્મ ‘સિકંદર’ની પ્રેસ મીટ દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું ખરેખર આમિર પહેલા તમને ‘ગજની’ મળી હતી?’ આના પર એક્ટરે કહ્યું હતું, ‘મેં પણ સાંભળ્યું છે. મેં આ પ્રદીપ પાસેથી સાંભળ્યું છે. અમે તેને ‘ગજની’ કહીએ છીએ. તે મારા મિત્ર છે. અમે 4-5 ફિલ્મો સાથે કરી છે. તેણે એકવાર કહ્યું હતું, મુરુગદાસ (‘ગજની’ના ડિરેક્ટર) ખૂબ જ શિસ્તબદ્ધ છે, એટલા સિન્સિયર છે, સલમાન તેમની સાથે કેવી રીતે કામ કરી શકશે, સલમાનને ખૂબ ગુસ્સો આવે છે.’ સલમાને આગળ કહ્યું, ‘એટલે કે તે મારી સાથે 5 ફિલ્મો કરી ચૂક્યો છે, તે પછી તે આવું બોલે છે. તે પછી હું બિચારાને મળ્યો જ નથી. મળીશ તો તેને પૂછીશ કે હું ક્યારે ગુસ્સે થયો તારા પર.’ સોનુ સૂદે પ્રદીપ રાવતને શ્રદ્ધાંજલિ આપી એક્ટર સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને લખ્યું, ‘પ્રદીપ રાવત ભાઈ, તમારી ખોટ હંમેશા વર્તાશે. તમે હંમેશા યાદ આવશો.’ પ્રદીપ રાવતે બે લગ્ન કર્યા હતા પ્રદીપ રાવતની પર્સનલ લાઇફની વાત કરીએ, તો તેમના બે લગ્ન થયા હતા. NBTના રિપોર્ટ અનુસાર, તેમના પહેલા લગ્ન લાંબો સમય ટક્યા ન હતા અને લગભગ સાડા પાંચ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. પ્રદીપ રાવતે જણાવ્યું હતું કે, પહેલી પત્નીએ તેમના પર અને તેમના પરિવાર પર ખોટા આરોપો લગાવ્યા હતા. જોકે, બાદમાં મામલો પૂરો થઈ ગયો હતો. આ પછી તેમની મુલાકાત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કલ્યાણી રાવત સાથે થઈ. બંનેએ થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને વર્ષ 2006માં લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને એક દીકરો છે, જેનું નામ વિક્રમાદિત્ય રાવત છે.

Leave A Comment