મહિલા સાથે અન્ડરવેરમાં જોવા મળ્યા પૂર્વ બ્રિટિશ રાજદૂત:એપસ્ટીન ફાઇલ્સમાં ફોટો બહાર આવ્યો; PM સ્ટાર્મરની પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

Last Updated: February 2, 2026By

પૂર્વ બ્રિટિશ રાજદૂત પીટર મેન્ડેલસનની જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી નવી ફાઇલોમાં એક તસવીર સામે આવી છે. જેમાં મેન્ડેલસન એક મહિલા સાથે માત્ર અન્ડરવેર અને શર્ટમાં જોવા મળી રહ્યા છે, મહિલા બાથરોબમાં છે. તસવીર સામે આવ્યા બાદ મેન્ડેલસને પીએમ કીર સ્ટાર્મરની લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મેન્ડેલસને કહ્યું કે તેઓ પાર્ટીને વધુ શરમજનક સ્થિતિમાં મૂકવા નથી માંગતા, તેથી તેઓ પાર્ટીનું સભ્યપદ છોડી રહ્યા છે. નવા દસ્તાવેજોમાં બેંક રેકોર્ડ્સ બતાવવામાં આવ્યા છે, જેમાં 2003 અને 2004માં એપસ્ટીને મેન્ડેલસન સાથે જોડાયેલા ખાતાઓમાં કુલ 75,000 અમેરિકી ડોલરની ત્રણ અલગ-અલગ ચૂકવણી કરી હતી, દરેક ચૂકવણી 25,000 ડોલરની હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એપસ્ટીન સાથેના તેમના જૂના સંપર્કો સામે આવ્યા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સ્ટાર્મરે મેન્ડેલસન પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમને ગયા વર્ષે જ રાજદૂત પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે તેઓ આ બાબતે કંઈ કહેવા માંગતા નથી. અમેરિકી ન્યાય વિભાગે 30 જાન્યુઆરીએ જેફ્રી એપસ્ટીન તપાસ સાથે જોડાયેલા અંદાજે 30 લાખ પાનાના દસ્તાવેજો, 2,000 વીડિયો અને 1.8 લાખ તસવીરો જાહેર કરી છે. એપસ્ટીનના કહેવા પર મેન્ડેલસને નાણા વિભાગ પર દબાણ કર્યું હતું
જાહેર થયેલા દસ્તાવેજોમાં એક ઈમેલ સામે આવ્યો છે, જેમાં 2009માં મેન્ડેલસને એપસ્ટીનને જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ સરકાર પર બેન્કર્સના બોનસ પરના ટેક્સને લઈને લોબિંગ કરી રહ્યા છે. ડિસેમ્બર 2009ના એક ઈમેલમાં એપસ્ટીને મેન્ડેલસનને પૂછ્યું હતું કે શું બેન્કરોના બોનસ પરનો ટેક્સ માત્ર કેશ હિસ્સા પર લગાવી શકાય છે. તેના જવાબમાં મેન્ડેલસને લખ્યું કે તેઓ આ બાબત પર ભાર મૂકી રહ્યા છે કે આવું જ થાય, પરંતુ ટ્રેઝરી તેનો વિરોધ કરી રહી છે. આ તે સમયની વાત છે જ્યારે મેન્ડેલસન બિઝનેસ સેક્રેટરી હતા અને નાણામંત્રી અલિસ્ટર ડાર્લિંગે નાણાકીય કટોકટી પછી બેંકોના મોટા બોનસ પર ‘સુપર ટેક્સ’ લગાવ્યો હતો. વૈશ્વિક નાણાકીય કટોકટી પછી ડાર્લિંગે 9 ડિસેમ્બર 2009ના રોજ બેંકો તરફથી મળતા મોટા બોનસ (જે બોનસ £25,000થી વધુ હોય) પર 50% સુપર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેક્સ બેંકોએ જ ચૂકવવો પડતો હતો. આ ઈમેલ દર્શાવે છે કે 2009માં એપસ્ટીને મેન્ડેલસનને વિનંતી કરી હતી કે તેઓ સરકાર પાસેથી બેન્કર બોનસ ટેક્સને નબળો પાડવાનો પ્રયાસ કરે અને મેન્ડેલસને કહ્યું કે તેઓ નાણા વિભાગ પર દબાણ કરી રહ્યા છે. વિપક્ષે મેન્ડેલસન પર તપાસની માંગ કરી
મેન્ડેલસનના રાજીનામા બાદ લેબર પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી તમામ ફરિયાદોને ગંભીરતાથી લે છે અને નિયમો અનુસાર તપાસ થશે. બીજી તરફ, વિરોધ પક્ષે મેન્ડેલસનની અમેરિકામાં રાજદૂત તરીકેની નિમણૂક પર સ્વતંત્ર તપાસની માંગ કરી છે. કન્ઝર્વેટિવ પ્રવક્તાએ કહ્યું કે મેન્ડેલસન પૂરી રીતે બદનામ થઈ ચૂક્યા છે, પરંતુ કીર સ્ટાર્મરે તેમને પાર્ટીમાંથી કાઢવાની હિંમત બતાવી નથી અને તેમને જાતે રાજીનામું આપવા દીધું. તેમણે કહ્યું કે સ્ટાર્મર અને તેમના ચીફ ઓફ સ્ટાફે એપસ્ટીન સાથે સંબંધ હોવા છતાં મેન્ડેલસનને રાજદૂત બનાવ્યા અને પુરાવા વધ્યા પછી પણ કોઈ કાર્યવાહી કરી નહીં. હવે વડાપ્રધાનની નબળી નિર્ણય ક્ષમતાને જોતા સ્વતંત્ર તપાસ જરૂરી છે. મેન્ડેલસનના પતિનું નામ પણ એપસ્ટીન ફાઇલ્સમાં સામે આવ્યું
મેન્ડેલસનના (સમલૈંગિક) બ્રાઝિલિયન પતિ રેનાલ્ડો અવિલા દા સિલ્વા (બંનેએ 2023માં લગ્ન કર્યા)નું નામ પણ આ ફાઇલોમાં આવ્યું છે. 2009માં, જ્યારે એપસ્ટીન જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા હતા, ત્યારે દા સિલ્વાએ એપસ્ટીનને ઈમેલ કરીને ઓસ્ટિયોપેથી કોર્સની ફી માટે પૈસા માંગ્યા હતા. તે સમયે મેન્ડેલસન બિઝનેસ સેક્રેટરી હતા અને દા સિલ્વા સાથે સંબંધમાં હતા. દા સિલ્વાએ £3,225ની ફી અને અન્ય ખર્ચ માટે બેંક વિગતો મોકલી હતી. એપસ્ટીને તરત જ પૈસા મોકલવાનું વચન આપ્યું હતું. મેન્ડેલસને એપસ્ટીનને ઈમેલ કરીને કહ્યું હતું કે ગિફ્ટ ટેક્સથી બચવા માટે તેને લોન તરીકે બતાવવામાં આવે. થોડા દિવસો પછી દા સિલ્વાએ આભાર માન્યો કે પૈસા તેમના ખાતામાં આવી ગયા છે. 2010માં પણ એપસ્ટીને દા સિલ્વાને 13,000 ડોલર અને દર મહિને 2,000 ડોલર મોકલવાનું કહ્યું હતું. મેન્ડેલસને પીડિત મહિલાઓ અને યુવતીઓની માફી માંગી
મેન્ડેલસન અને એપસ્ટીનની મિત્રતા 2002થી શરૂ થઈને 2011 સુધી ચાલી હતી. આ દરમિયાન મેન્ડેલસન ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનની સરકારોમાં કેબિનેટ મંત્રી રહ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમને એપસ્ટીન માટે લખેલા એક ‘બર્થડે બુક’ મેસેજને કારણે રાજદૂત પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જેમાં તેમણે એપસ્ટીનને ‘માય બેસ્ટ પાલ’ કહ્યા હતા અને જેલમાંથી વહેલી મુક્તિ માટે લડવાની સલાહ આપી હતી. ફ્લાઇટ રેકોર્ડ દર્શાવે છે કે મેન્ડેલસન એપસ્ટીનના પ્રાઇવેટ જેટ ‘લોલિતા એક્સપ્રેસ’માં મુસાફરી કરી ચૂક્યા છે અને ન્યૂયોર્ક, પામ બીચ અને કેરેબિયન ટાપુ પર તેમના ઘરે રોકાઈ ચૂક્યા છે. કેટલીક જૂની તસવીરોમાં તેઓ બાથરોબ અને સ્વિમિંગ ટ્રંક્સમાં પણ જોવા મળ્યા છે. મેન્ડેલસને શુક્રવારે નિવેદન જારી કરીને કહ્યું કે એપસ્ટીનની સજા પછી પણ તેમના પર ભરોસો કરવો ખોટો હતો અને મિત્રતા ચાલુ રાખવી પણ ખોટી હતી. તેમણે પીડિત મહિલાઓ અને યુવતીઓની બિનશરતી માફી માંગી. તેમણે કહ્યું કે તેઓ એપસ્ટીનના ગુનાઓમાં ક્યારેય સામેલ કે દોષિત નહોતા અને અસલી સત્ય તેમના મૃત્યુ પછી ખબર પડી. એપસ્ટીન કેસની આખી કહાની શું છે?
આની શરૂઆત 2005માં થઈ જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેમાં કહેવામાં આવ્યું કે એપસ્ટીનના આલીશાન ઘરમાં તેની દીકરીને ‘મસાજ’ ના બહાને બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેના પર સેક્સ માટે દબાણ કરવામાં આવ્યું. જ્યારે તેણે ઘરે પરત ફરીને આ વાત તેના માતા-પિતાને કહી, તો તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી. ત્યારે પહેલીવાર જેફ્રી એપસ્ટીન વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ એકમાત્ર કિસ્સો નથી. ધીરે ધીરે અંદાજે 50 સગીર યુવતીઓની ઓળખ થઈ, જેમણે એપસ્ટીન પર આવા જ આક્ષેપો કર્યા હતા. પામ બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને મહિનાઓ સુધી તપાસ કરી. ત્યારબાદ એપસ્ટીન વિરુદ્ધ ક્રિમિનલ તપાસ શરૂ થઈ.

Leave A Comment