'મુસ્લિમ નામ હોવા છતાં 'રામાયણ'માં કોઈ મુશ્કેલી ન આવી':એ. આર. રહેમાને કહ્યું, 'હું બ્રાહ્મણ શાળામાં ભણ્યો છું, 'રામાયણ' આદર્શોની વાત છે'

Last Updated: January 16, 2026By

મ્યુઝિક કમ્પોઝર એ. આર. રહેમાને ફિલ્મ ‘રામાયણ’ માટે સંગીત તૈયાર કરવા અંગે તાજેતરમાં જણાવ્યું કે, ‘રામાયણ’ માનવીય મૂલ્યો અને આદર્શોની વાર્તા છે. ધર્મથી પરે જ્ઞાન દરેક જગ્યાએ મળે છે. આ પ્રોજેક્ટને લઈને તેમના મુસ્લિમ નામની કારણે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ નથી. ‘હું બ્રાહ્મણ શાળામાં ભણ્યો છું’ વાસ્તવમાં ‘બીબીસી’ને આપેલા ઇન્ટરવ્યુમાં રહેમાનને પૂછવામાં આવ્યું કે, ‘તમે આ સમયે ફિલ્મ ‘રામાયણ’ માટે સંગીત બનાવી રહ્યા છો. તમારું નામ મુસ્લિમ છે અને શું તમારા મનમાં ક્યારેય એવો વિચાર આવે છે કે કેટલાક લોકો કદાચ નહીં ઇચ્છે કે તમે આવા પ્રોજેક્ટ સાથે જોડાયેલા હો?’ જેના પર રહેમાને કહ્યું કે, ‘ના, મને એવું નથી લાગતું. મેં બ્રાહ્મણ શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યાં દર વર્ષે રામાયણ અને મહાભારત ભણાવવામાં આવતી હતી, એટલે મને તેની વાર્તા સારી રીતે ખબર છે. આ વાર્તા એક સારા માણસ, તેના ચારિત્ર્ય, ઉચ્ચ આદર્શો અને મૂલ્યો વિશે છે. લોકો આના પર ચર્ચા કરી શકે છે, પરંતુ હું આ બધી સારી વાતોને મહત્વ આપું છું.’ ‘જ્ઞાનની કોઈ કિંમત આંકી શકાતી નથી’ તેમણે એમ પણ કહ્યું કે, ‘સારી વાતો આપણે દરેક વસ્તુમાંથી શીખવી જોઈએ. પયગંબરે પણ કહ્યું છે કે, જ્ઞાન ખૂબ કિંમતી હોય છે. મને હદીસનો પૂરો અર્થ ખબર નથી, પણ એટલું જાણું છું કે જ્ઞાન ખૂબ મૂલ્યવાન છે. આપણે રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિ પાસેથી શીખી શકીએ છીએ, પછી ભલે તે ભિખારી હોય, રાજા હોય, નેતા હોય અથવા કોઈની ખોટી હરકત હોય કે સારી. જ્ઞાન એક એવી વસ્તુ છે, જેની કોઈ કિંમત આંકી શકાતી નથી. આપણે દરેક જગ્યાએથી શીખવું જોઈએ. તેથી એમ કહેવું યોગ્ય નથી કે, હું અહીંથી કંઈ શીખીશ નહીં અથવા ત્યાંથી સારી વાતો નહીં લઉં.’ ફિલ્મનું સંગીત બે પ્રખ્યાત સંગીતકારો બનાવી રહ્યા છે ફિલ્મ ‘રામાયણ’નું સંગીત બે જાણીતા સંગીતકારો મળીને બનાવી રહ્યા છે. રહેમાન ફિલ્મના ગીતો, સંસ્કૃત શ્લોક અને ભારતીય શાસ્ત્રીય સંગીત પર કામ કરી રહ્યા છે. જ્યારે પ્રખ્યાત હોલિવૂડ કમ્પોઝર હેન્સ ઝિમર બેકગ્રાઉન્ડ સ્કોર અને સાઉન્ડસ્કેપ બનાવી રહ્યા છે. ઝિમરે ‘ધ લાયન કિંગ’, ‘ગ્લેડીયેટર’, ‘ધ ડાર્ક નાઈટ ટ્રિલોજી’ અને ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મો માટે સંગીત આપ્યું છે. જ્યારે, ફિલ્મના ગીતો અને ભજનોના લિરિક્સ કુમાર વિશ્વાસે લખ્યા છે. ‘8 વર્ષમાં પરિસ્થિતિઓ બદલાઈ છે’- રહેમાન આ જ ઇન્ટરવ્યુમાં રહેમાને કહ્યું છે કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો છે.’ જ્યારે રહેમાનને પૂછવામાં આવ્યું કે, ‘શું 1990ના દાયકામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતી વખતે તમને કોઈ પ્રકારના પૂર્વગ્રહનો સામનો કરવો પડ્યો હતો?’ આના પર રહેમાને કહ્યું કે, ‘કદાચ તે સમયે મેં આવું ક્યારેય અનુભવ્યું ન હતું, પરંતુ છેલ્લા 8 વર્ષમાં પરિસ્થિતિઓ બદલાઈ છે. પાવર શિફ્ટ થયો છે. હવે નિર્ણય લેવાની શક્તિ એવા લોકોના હાથમાં છે, જેઓ રચનાત્મક નથી. ઘણી વાર મને બીજાઓ પાસેથી સાંભળવા મળે છે કે, તમને કોઈ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં મ્યુઝિક કંપનીએ પોતાના મનપસંદ કમ્પોઝરને કામ આપી દીધું. શક્ય છે કે આ કોઈ સાંપ્રદાયિક મામલો પણ રહ્યો હોય, પરંતુ મારી સામે આવું ક્યારેય બન્યું નથી.’ સુભાષ ઘાઈની સલાહ પર શીખી હિન્દી-ઉર્દૂ
રહેમાને એ પણ જણાવ્યું કે, તેઓ દક્ષિણ ભારતમાંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનારા પહેલા એવા સંગીતકાર હતા, જેમણે બોલિવૂડમાં જગ્યા બનાવી. તેમણે કહ્યું કે, મણિરત્નમની ‘રોજા’, ‘બોમ્બે’ અને ‘દિલ સે…’ છતાં તેઓ બહારના જ ગણાતા હતા, પરંતુ ડિરેક્ટર સુભાષ ઘાઈની ફિલ્મ ‘તાલ’એ ઉત્તર ભારતમાં તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી. રહેમાને એ પણ જણાવ્યું કે, સુભાષ ઘાઈની સલાહ પર જ તેમણે હિન્દી અને પછી ઉર્દૂ શીખવાનો નિર્ણય કર્યો.