રણજીમાં બે બેવડી સદી ફટકારનાર વડોદરાના ક્રિકેટરને દુલીપ ટ્રોફિમાં સ્થાન:અમિત ભાટેવારે કહ્યું- પિતાએ બસ કંડક્ટરી કરી અહીં સુધી પહોંચાડ્યો, કૃણાલ પંડ્યાએ મને બેટ મોકલ્યું

Last Updated: August 3, 2026By

રણજી ટ્રોફીની એક જ સિઝનમાં બે ડબલ સેન્ચ્યુરી સાથે 900 જેટલા રન બનાવનાર વડોદરાના અર્પિત ભાટેવારાની દુલીપ ટ્રોફીની ટીમમાં પસંદગી થઈ છે. મૂળ મધ્યપ્રદેશના થાંદલા ગામના અને સામાન્ય મધ્યમવર્ગીય પરિબળમાંથી આવતા અર્પિતના પિતા બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. અર્પિતના સંઘર્ષના સાક્ષી પંડ્યા બ્રધર્સ (હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા) અને પઠાણ બ્રધર્સ (ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ) પણ રહ્યા છે. અર્પિતે વડોદરાથી ક્રિકેટની શરૂઆત કરી હતી અને હાલમાં મેઘાલયની ટીમ તરફથી રમીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. ‘હું છેલ્લા 8 વર્ષથી રણજી ટ્રોફી રમી રહ્યો છું’
ક્રિકેટર અર્પિત ભાટેવારાએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે મારું દુલીપ ટ્રોફીમાં સિલેક્શન થયું છે એટલે મને ખૂબ જ આનંદ અને ખુશી અનુભવાઈ રહી છે. આ વર્ષે મારી રણજી ટ્રોફીની સિઝન પણ સારી રહી હતી. મેં રણજી સિઝનની કુલ 5 મેચમાં 2 સેન્ચ્યુરી ફટાકરી છે. આ સરસ પ્રદર્શનના લીધે જ મને દુલીપ ટ્રોફીમાં તક મળી છે. અત્યારે મેઘાલયની ટીમમાંથી બધું ખૂબ સારું ચાલી રહ્યું છે. હું છેલ્લા 7થી 8 વર્ષથી રણજી ટ્રોફી રમી રહ્યો છું. વચ્ચે ઇન્જરી થઈ હતી. મારી શરૂઆત ત્રિપુરાથી થઈ હતી, ત્યારબાદ મારા અંકલ મેઘાલયમાં રહે છે, એટલે ત્યાં જઈને 8 વર્ષ સખત મહેનત કરી અને રમવાની તક મેળવી છે. મને મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો ખૂબ સપોર્ટ મળ્યો છે. હું તેમનો ખૂબ આભાર માનું છું. ‘મેં ક્રિકેટની શરૂઆત વડોદરાથી કરી હતી’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારું મૂળ વતન મધ્યપ્રદેશ છે, મારું ગામ થાંદલા ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે. મેં ક્રિકેટની શરૂઆત વડોદરાથી કરી હતી. વર્ષ 2010માં હું વડોદરા શિફ્ટ થયો હતો. મારા પિતાજી સુરત રૂટ પર બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા, તેથી વડોદરા આવવા-જવાનું અનુકૂળ રહેતું હતું. વડોદરા આવ્યા પછી મેં ગંભીરતાથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ‘કપરા સમયમાં પઠાણ બ્રધર્સે મને ઘણો સપોર્ટ કર્યો’
શરૂઆતમાં જ મને નયન મોંગીયા સરે મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને મિલાપ મેવાડા સરે મને ક્રિકેટની ટેકનીક અને બારીકાઈઓ શીખવી. આ સિવાય મારા કપરા સમયમાં ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ ભાઈઓએ પણ મને ઘણો સપોર્ટ કર્યો હતો. 2011થી 2016 સુધી હું વડોદરાથી રમ્યો. ત્યારબાદ સત્યજીત પરબ સરે પણ મને ખૂબ જ માર્ગદર્શન અને સપોર્ટ આપ્યો. આજે પણ સપોર્ટ કરે છે. ‘મેં ગુજરાન ચલાવવા માટે નાની-મોટી જોબ કરી’
તેઓએ કહ્યું હતું કે, મેં ક્રિકેટ રમવાનું ક્યારેય છોડ્યું નહોતું. 2016માં વડોદરામાં રમવાની તક ઓછી મળતા હું મેઘાલય શિફ્ટ થયો, જ્યાં મારા અંકલ-આંટી રહેતા હતા. વચ્ચે 2 થી 2.5 વર્ષ કોવિડનો સમયગાળો હતો. એ દરમિયાન મેં ગુજરાન ચલાવવા માટે નાની-મોટી જોબ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે બિઝનેસ પણ શરૂ કર્યો હતો. સામાન્ય રીતે 25 વર્ષની ઉંમર પછી પરિવાર તરફથી સેટલ થવાનું કે કાયમી નોકરી કરવાનું દબાણ આવતું હોય છે. ‘હું BCCIની ઓફિશિયલ ટુર્નામેન્ટ નહોતો રમી શકતો’
આ બાબતમાં મારા માતા-પિતા અને ખાસ કરીને મારી મમ્મીએ મને અભૂતપૂર્વ સપોર્ટ આપ્યો. તેમણે ક્યારેય રમવાનું છોડીને નોકરી કરવા દબાણ ન કર્યું અને ઘરનો ખર્ચ ઉઠાવ્યો. વર્ષ 2017થી 2024 સુધીના 8 વર્ષ દરમિયાન હું રોજ પ્રેક્ટિસ કરતો હતો અને રમતો રહ્યો. હું બીસીસીઆઈની ઓફિશિયલ ટુર્નામેન્ટ નહોતો રમી શકતો, પરંતુ મને અંદરથી વિશ્વાસ હતો કે, જો હું સખત મહેનત ચાલુ રાખીશ તો એક દિવસ તક જરૂર મળશે. ‘રણજી અને અન્ય ટૂર્નામેન્ટ્સમાં પરફોર્મન્સ જાળવી રાખીશ’
આખરે મેઘાલયથી મને રમવાની તક મળી, જ્યાં દીપાંકર સર, બિશાલ સર અને નાવા સર જેવા ઓફિશિયલ્સે મને ખૂબ મદદ કરી છે. સતત હાર્ડ વર્ક કરતો રહીશ અને મેદાન પર સારું પરફોર્મન્સ આપીશ અને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. જો હું રણજી ટ્રોફી અને અન્ય ટૂર્નામેન્ટ્સમાં આવું જ સારું પરફોર્મન્સ જાળવી રાખીશ, તો આગળ IPLમાં પણ રમવાની તક મળી શકે છે. બસ મહેનત ચાલુ રાખવી છે અને માતા-પિતાનું નામ રોશન કરવું છે. ‘મારા પિતાએ બસ કંડક્ટરી કરીને અમારું પાલન-પોષણ કર્યું’
મારા પિતાજી બસ કંડક્ટર છે અને તેમણે ઘણા વર્ષો સુધી બસ કંડક્ટરી કરીને અમારું પાલન-પોષણ કર્યું છે. અમે ખૂબ જ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીએ છીએ. તેથી મારી ઈચ્છા છે કે હું સારું પરફોર્મ કરી શકું જેથી મારા પરિવાર માટે અને મારા પોતાના માટે બધું વધુ સારું બને. ‘દેશ માટે રમવાનો મારું લક્ષ્ય છે’
તેમના ગોલ વિશે તેઓએ કહ્યું હતું કે, કોઈપણ ક્રિકેટર જ્યારે નાનપણથી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે ત્યારે તેનો એક જ મુખ્ય લક્ષ્ય હોય છે ટીમ ઇન્ડિયા માટે રમવું. મારો લક્ષ્ય પણ એ જ છે કે આવનારા સમયમાં હું દેશ માટે રમું. દેશ અને IPL રમીને સારું પ્રદર્શન કરીને મારા વતનનું, મારા ગામનું, પરિવારનું અને મેઘાલયનું નામ રોશન કરું. ‘મારી ડબલ સેન્ચ્યુરી પછી કુણાલ પંડ્યાએ બેટ મોકલ્યું’
તેમના સાથી ક્રિકેટરના સપોર્ટ અંગે તેઓએ કહ્યું કે, હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ જેવા ખેલાડીઓ સાથેનો અનુભવ ખૂબ જ સારો અને પ્રેરણાદાયી રહ્યો છે. આજે હાર્દિક અને કુણાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટા પ્લેયર્સ છે. અમે ભૂતકાળમાં 5-6 વર્ષ સાથે ક્રિકેટ રમ્યા છીએ. મારી ડબલ સેન્ચ્યુરી પછી કુણાલ પંડ્યાએ મારા માટે બેટ મોકલ્યું હતું. ઇરફાન ભાઈ અને યુસુફ ભાઈ સાથે પણ મારે ખૂબ સારો સંબંધ છે. કપરા સમયમાં તેમણે મને ઘણો સપોર્ટ કર્યો છે અને ક્યારેય કોઈ વસ્તુ માટે ના નથી પાડી. હાલ હું વડોદરા આવ્યો છું અને એમ. એમ. ચૌધરી હોસ્ટેલમાં રોકાયેલ છું. ‘દુલીપ ટ્રોફીમાં સિલેક્શન થતા બંને ભાઈઓએ શુભેચ્છા પાઠવી’
હું આટલા વર્ષોના સંઘર્ષ પછી પણ હાર માન્યા વગર ટકી રહ્યો તે જોઈને તેઓ પણ ખૂબ ગર્વ અનુભવે છે. તાજેતરમાં જ્યારે મારૂં સિલેક્શન દુલીપ ટ્રોફીમાં થયું, ત્યારે બંને ભાઈઓએ સામેથી મેસેજ કરીને મને શુભેચ્છા આપી હતી. ઇરફાનભાઈ સાથે અવારનવાર વાત થાય છે. હાર્દિક સાથે પણ થોડી ઘણી વાત થાય છે, કારણ કે હાર્દિક થોડો વ્યસ્ત રહેતો હોય છે, પણ એવું નથી, જ્યારે પણ સમય મળે ત્યારે વાત થાય છે. નિયમિત નહિ પણ અવારનવાર વાત થતી રહે છે. ‘મારા સંઘર્ષ પાછળ પેરેન્ટ્સનો મોટો ફાળો છે’
તેઓએ ઉમેર્યું હતું કે, મને મારા પરિવાર તરફથી પૂરો સપોર્ટ મળ્યો છે. મેં બસ સખત મહેનત કરી છે. મેં નોકરી પણ કરી છે અને અત્યારે પણ કરું છું, એટલે સંઘર્ષ તો ઘણો રહ્યો છે. પણ એમાં મારા પેરેન્ટ્સનો મોટો ફાળો રહ્યો છે. ઘણીવાર એવું બનતું હોય છે કે છોકરો બહુ સમયથી કંઈ ખાસ સફળ ન થઈ રહ્યો હોય તો સગા-સંબંધીઓ કે આસપાસના લોકો માતા-પિતાને પૂછતા હોય છે કે ‘છોકરો શું કરે છે? કેટલું કમાય છે?’. મારા માતા-પિતાએ ક્યારેય મારા પર શંકા નથી કરી. આજે હું જ્યાં પણ છું, તે બધું મારા પપ્પા અને મમ્મીના લીધે છે. તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. ‘મારું કામ બસ સારું પરફોર્મન્સ આપવાનું છે’
IPLમાં રમવા તૈયાર છે, તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, હજુ સુધી તો કોઈ ફ્રેન્ચાઇઝી સાથે સીધી વાત નથી થઈ, પણ જો આ વર્ષે સારું પ્રદર્શન રહેશે તો ચોક્કસપણે કોઈને કોઈ સારી તક મળશે. મારું કામ બસ મેદાન પર સારું પરફોર્મન્સ આપવાનું છે. જો મારું પરફોર્મન્સ સારું રહેશે તો જે પણ તક મળશે એનો લાભ લઈશ. આઈપીએલ એક ખૂબ જ મોટું પ્લેટફોર્મ છે. ‘યુવા ખેલાડીઓ માટે IPL એક બહુ જ સારું મંચ છે’
ચેતન સાકરિયા, સિરાજ કે મયંક યાદવ જેવા ખેલાડીઓ, જેમણે આ વર્ષે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું અને સીધા ઇન્ડિયન ટીમમાં રમવાની તક મળી છે. દેશ માટે રમવું એ બહુ મોટી વાત છે. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરો અને આઈપીએલમાં સિલેક્ટ થઈને ત્યાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરો, તો ઇન્ડિયન ટીમ સુધી પહોંચવાના રસ્તા ખુલી જાય છે. આપણા જેવા યુવા ખેલાડીઓ માટે આઈપીએલ એક બહુ જ સારું મંચ છે.

Leave A Comment