રણવીર સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ:ચાવુંડી દેવી પરંપરા અને હિંદુ ભાવનાઓના અપમાનનો આરોપ; 'કાંતારા'ની દેવીને ભૂત કહીને મજાક ઉડાવી હતી

Last Updated: January 29, 2026By

બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં બુધવારે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ વિરુદ્ધ હિંદુ ધાર્મિક ભાવનાઓ અને કર્ણાટકની ચાવુંડી દેવી પરંપરાનું અપમાન કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. NDTVના રિપોર્ટ અનુસાર, આ મામલો 28 નવેમ્બર 2025ના રોજ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) સાથે સંબંધિત છે. રણવીર સિંહ વિરુદ્ધ આ FIR બેંગલુરુના વકીલ પ્રશાંત મેથલે નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે રણવીર સિંહે મંચ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી અને એવું અભિનય કર્યું, જેનાથી દેવી પરંપરાના પવિત્ર તત્વોની મજાક ઉડાવવામાં આવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રણવીરે પંજુરલી અને ગુલિગા દેવી સાથે સંકળાયેલા ભાવ-હાવભાવની નકલ કરી અને તેમને અશ્લીલ, હાસ્યાસ્પદ અને અપમાનજનક રીતે રજૂ કર્યા. આ ઉપરાંત એક્ટર પર ચાવુંડી દેવીને ‘મહિલા ભૂત’ કહેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, ચાવુંડી દેવી કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂજનીય રક્ષક દેવી માનવામાં આવે છે અને તેઓ દિવ્ય સ્ત્રી શક્તિનું પ્રતીક છે. તેમને ‘ભૂત’ કહેવું ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવવામાં આવ્યું છે. હવે આ મામલો બેંગલુરુની પ્રથમ વધારાની મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (CMM) કોર્ટને મોકલી દેવામાં આવ્યો છે અને 8 એપ્રિલે આ મામલે સુનાવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે, વકીલ પ્રશાંત મેથલે 27 ડિસેમ્બર 2025ના રોજ બેંગલુરુમાં અપર ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ એક ખાનગી ફરિયાદ દાખલ કરી હતી, જેના પછી 23 જાન્યુઆરી 2026ના રોજ કોર્ટે BNSની કલમ 175, પેટાકલમ 3 હેઠળ હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસને FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શા માટે થયો વિવાદ? રણવીર સિંહ તાજેતરમાં IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા)નો ભાગ બન્યા હતા. આ દરમિયાન મંચ પર અભિનેતાએ ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવવામાં આવેલી ચાવુંડી (ચામુંડા) દેવીની મજાક ઉડાવી હતી. ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીર સિંહે ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટર રિષભ શેટ્ટીને કહ્યું- ‘ઋષભ મેં એને (કાંતારા) થિયેટરમાં જોઈ હતી. એ એક અદ્ભુત પર્ફોર્મન્સ હતું, ખાસ કરીને જ્યારે ફીમેલ ઘોસ્ટ (ભૂત) તમારા શરીરમાં આવે છે. એ પર્ફોર્મન્સ, એ એક શોટ અદ્ભુત હતો.’ આગળ રણવીર સિંહે કહ્યું, ‘શું તમે ‘કાંતારા’ જોઈ છે. જ્યારે એ શોટ આવે છે’. આગળ રણવીર સિંહે પોતે એ પાત્રની નકલ કરતાં મજાક ઉડાવી. આગળ રણવીરે કહ્યું- ‘શું અહીં કોઈ એવું છે, જે મને ‘કાંતારા 3’માં જોવા માગે છે.’ ફિલ્મ ફેસ્ટિવલમાંથી રણવીર સિંહનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્ટેજ પરથી ઊતર્યા પછી પણ રિષભ શેટ્ટી સામે ચાવુંડી દેવીની નકલ કરતા જોવા મળ્યો, જોકે રિષભ શેટ્ટી સતત ઈશારા કરીને તેને રોકતા જોવા મળ્યો. પણજીમાં પણ ફરિયાદ નોંધાઈ હતી, માફી માંગી હતી બેંગલુરુમાં નોંધાયેલી આ ફરિયાદ પહેલા પણ રણવીર સિંહ વિરુદ્ધ પણજીમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. 2 ડિસેમ્બરે હિંદુ જનજાગૃતિ સમિતિએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં રણવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે કાનૂની કાર્યવાહી સાથે માફીની પણ માંગ કરી હતી, જેના પછી એક્ટરે સાર્વજનિક રીતે માફીપત્ર જાહેર કર્યું હતું. રણવીર સિંહે માફીપત્ર જાહેર કરીને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું છે- મારો ઇરાદો ફિલ્મ (કાંતારા)માં રિષભના શાનદાર પર્ફોર્મન્સને ઉજાગર કરવાનો હતો. એક એક્ટર હોવાને નાતે, હું જાણું છું કે તે ખાસ સીનને જે રીતે તેમણે ભજવ્યો, તેના માટે કેટલી મહેનત લાગે છે અને તેના માટે હું તેમનો અત્યંત આદર કરું છું. મેં હંમેશા આપણા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું ઊંડું સન્માન કર્યું છે. જો મારી કોઈ વાતથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું દિલથી માફી માંગુ છું.