રશ્મિકા મંદાનાની પ્રાઈવેટ ઓડિયો ક્લિપ લીક!:સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં એક્ટ્રેસનો પિત્તો છટક્યો, 8 વર્ષ જૂના કન્ટેન્ટ હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
રશ્મિકા મંદાનાની એક જૂની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી હવે એક્ટ્રેસે આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. રશ્મિકાએ તેને પોતાની પ્રાઈવસીનું ગંભીર ઉલ્લંઘન ગણાવતા કન્ટેન્ટ ફેલાવનારાઓને સખત ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે જો 24 કલાકની અંદર આ ઓડિયોને હટાવવામાં નહીં આવે, તો તે કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂર થશે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી નોટ શેર કરતા જણાવ્યું કે જે ઓડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે, તે લગભગ આઠ વર્ષ જૂની એક ખાનગી વાતચીતનો ભાગ લાગે છે. રશ્મિકા મુજબ, આ વાતચીત કદાચ તેમાં સામેલ લોકોની જાણકારી કે સહમતિ વિના રેકોર્ડ કરવામાં આવી હતી અને હવે તેને ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહી છે. પોતાના નિવેદનમાં રશ્મિકાએ એમ પણ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તે મીડિયાના એક ભાગ અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી,ટ્રોલ અને ટાર્ગેટેડ એટેકનો સામનો કરી રહી છે. તેણે લખ્યું કે ઘણીવાર તેની વાતોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી, જ્યારે કેટલાક નિવેદનો એવા પણ તેના નામથી ફેલાવવામાં આવ્યા જે તેણે ક્યારેય આપ્યા જ નહોતા. રશ્મિકાએ જણાવ્યું કે અત્યાર સુધી તેમણે આ બધી વાતોને અવગણવી જ વધુ સારી સમજી હતી અને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ છેલ્લા 24 કલાકમાં જે બન્યું તેણે તેમની સહનશીલતાની સીમા પાર કરી દીધી. તેણે કહ્યું કે આ વિવાદને કારણે તેના પરિવાર અને નજીકના લોકોને પણ બિનજરૂરી પરેશાની ભોગવવી પડી રહી છે, જ્યારે તેનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. એક્ટ્રેસે વાઈરલ ઓડિયોને ભ્રામક અને બદનક્ષીભર્યો ગણાવતા મીડિયા પ્લેટફોર્મ્સ, ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી છે કે તે આ કન્ટેન્ટને તરત જ હટાવી દે અને આગળ શેર ન કરે. તેણે સ્પષ્ટ કહ્યું કે જો 24 કલાકની અંદર આવું કરવામાં નહીં આવે તો તેઓ આ મામલે કાયદેસરના પગલાં ભરવાથી પાછળ નહીં હટે. પોતાની પોસ્ટના અંતમાં રશ્મિકાએ પોતાના ફેન્સ અને સપોર્ટર્સનો આભાર માન્યો. તેણે લખ્યું કે જે લોકોએ મુશ્કેલ સમયમાં તેને સમજણ, પ્રેમ અને સમર્થન આપ્યું છે, તેના માટે તે હંમેશા આભારી રહેશે. રશ્મિકાએ એમ પણ કહ્યું કે પોતાની ગરિમા, પ્રાઇવસી અને માનસિક શાંતિની રક્ષા માટે અવાજ ઉઠાવવો હવે જરૂરી બની ગયો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

