રાજપાલ યાદવને જામીન ન મળ્યા:દિલ્હી હાઇકોર્ટે એક્ટરને ઠપકો આપ્યો; સામા પક્ષકારને નોટિસ પાઠવી, આગામી સુનાવણી સોમવારે યોજાશે
બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસમાં ગુરુવારે દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. આજે તેની જામીન અરજી પર સુનાવણી યોજાઈ હતી. દિલ્હી હાઇકોર્ટે રાજપાલ યાદવને ઠપકો આપ્યો આજે યોજાયેલી સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે એક્ટર રાજપાલ યાદવને ઠપકો આપતા જણાવ્યું હતું કે, તેણે ફરિયાદ કરનાર કંપનીને ચૂકવવાના બાકી નાણાંમાં વર્ષો સુધી વિલંબ કર્યો છે અને પેમેન્ટના સેટલમેન્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. જસ્ટિસ સ્વર્ણ કાંતાની સિંગલ જજની બેન્ચે નોંધ્યું હતું કે, રાજપાલ યાદવે અગાઉ દેવું સ્વીકાર્યું હતું અને નાણાં ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જામીન અરજી નામંજૂર રાખી, સોમવારે સુનાવણી યોજાશે રાજપાલ યાદવના વકીલે પરિવારમાં લગ્ન હોવાના આધારે સજા સ્થગિત કરવાની માંગ કરી હતી. વકીલે જણાવ્યું હતું કે, આશરે ₹2 કરોડ જેટલી રકમ હજુ પતાવવાની બાકી છે અને તેની વ્યવસ્થા કરી દેવામાં આવશે. કોર્ટે એક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સામા પક્ષને નોટિસ પાઠવી છે અને વધુ સુનાવણી સોમવાર પર મુલતવી રાખી છે. રાજપાલ યાદવ આ દિવસોમાં માત્ર આત્મસમર્પણ કર્યા પછી દિલ્હીની તિહાડ જેલમાં બંધ નથી, પરંતુ તે આર્થિક સંકડામણનો પણ સામનો કરી રહ્યા છે અને તેમની પાસે આટલી મોટી રકમ પાછી ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. આવી સ્થિતિમાં સલમાન ખાન, સોનુ સૂદ, અજય દેવગન અને મીકા સિંહ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેની મદદ માટે આગળ આવ્યા છે. હવે રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે બધાનો આભાર માન્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં રાધાએ જણાવ્યું કે, બધાએ તેમનો સાથ આપ્યો છે. ઇન્ડસ્ટ્રીએ ખૂબ સપોર્ટ કર્યો છે. જે પણ લોકો આગળ આવીને મદદ કરી રહ્યા છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા સોનુ સૂદે મદદ કરી સોનુ સૂદે X અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ શેર કરતા લખ્યું, રાજપાલ યાદવ એક ખૂબ જ પ્રતિભાશાળી એક્ટર છે, જેમણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા યાદગાર અને અવિસ્મરણીય કામ આપ્યા છે. ક્યારેક-ક્યારેક જિંદગી અન્યાયી બની જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, કોઈમાં ટેલેન્ટની કમી છે, પરંતુ સમય ક્યારેક ખૂબ કઠોર હોઈ શકે છે. તેઓ મારી ફિલ્મનો ભાગ હશે અને મારું માનવું છે કે આ એ સમય છે, જ્યારે આપણે બધા પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સહયોગી એકસાથે ઊભા રહીએ. જે નાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવશે, જેને ભવિષ્યના કામના હિસાબે એડજસ્ટ કરી શકાય છે, તે કોઈ દાન નથી, પરંતુ આ તેમનું સન્માન અને ગરિમા છે. સલમાન, અજય અને મીકા સિંહે પણ મદદ કરી ધ સ્ક્રીન સાથેની વાતચીતમાં રાજપાલ યાદવના મેનેજર ગોલ્ડીએ કહ્યું હતું કે, બુધવારે સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન અને ડેવિડ ધવન જેવા ઘણા સેલેબ્સે તેમનો સંપર્ક કરીને આર્થિક સહાય આપી હતી. રતન નૈન, વરુણ ધવન સહિત આ વખતે ઘણા લોકો આગળ આવ્યા છે. રાજપાલે આ માટે આભાર વ્યક્ત કર્યો છે. જ્યારે ગોલ્ડીને પૂછવામાં આવ્યું કે શું રાજપાલે તિહારમાં આત્મસમર્પણ કરતા પહેલા મદદ માંગી હતી, તો તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. તેણે કહ્યું, હું આના પર કંઈ કહેવા માંગીશ નહીં. જોકે, તેણે કહ્યું કે, સારી વાત એ છે કે પરિસ્થિતિ બગડ્યા પછી ઇન્ડસ્ટ્રી મજબૂતીથી તેમની સાથે ઊભી છે. બધાએ કમિટમેન્ટ કર્યા છે, પરંતુ આવા વ્યવહારો તરત થતા નથી. સિંગર મીકા સિંહે પણ રાજપાલ યાદવને 11 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા લખ્યું કે, ફક્ત પોસ્ટ કરવાથી કંઈ નહીં થાય, પરંતુ આગળ આવીને એક્ટરની મદદ કરો. ફિલ્મ ફેડરેશને પ્રોડ્યુસર્સને મદદની અપીલ કરી FWICE (ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) એ બુધવારે તમામ પ્રોડ્યુસરોને અપીલ કરી હતી કે તે જલદીથી રાજપાલ યાદવને મદદ કરે. ફેડરેશન દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, રાજપાલ યાદવ માત્ર એવા પ્રખ્યાત અભિનેતા જ નથી જેમણે પોતાની અભિનય પ્રતિભાથી લાખો લોકોને ખુશી અને હાસ્ય આપ્યું છે, પરંતુ તેઓ ઇન્ડસ્ટ્રીના એક સમર્પિત સભ્ય પણ છે, જેમણે દાયકાઓની મહેનત અને યાદગાર ભૂમિકાઓ દ્વારા ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી રાજપાલ યાદવ આ સમયે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં વધતી જવાબદારીઓ અને કારાવાસ પણ સામેલ છે. આ સ્થિતિ તેમના ચારિત્ર્ય કે ઇમાનદારીને દર્શાવતી નથી, પરંતુ તે એવી પરિસ્થિતિઓનું પરિણામ છે જે નિયંત્રણ બહાર થઈ ગઈ. આગળ લખ્યું, આ નિર્ણાયક ઘડીમાં FWICE માને છે કે આ સમય છે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના એક સાથી પ્રત્યે એકતા, કરુણા અને સામૂહિક જવાબદારીનો પરિચય આપે. આર્થિક સંકટ કોઈને પણ અસર કરી શકે છે, ભલે તેનું કદ કે સફળતા ગમે તે હોય. એક બિરાદરી તરીકે આપણી ઓળખ એ વાતથી નક્કી થાય છે કે આપણે જરૂરિયાતના સમયે આપણા સહયોગીઓ સાથે કેવી રીતે ઊભા રહીએ છીએ.
ગુરમીત ચૌધરીએ પણ કરી અપીલ એક્ટર ગુરમીત ચૌધરીએ રાજપાલ યાદવનું સમર્થન કરતા લખ્યું, મને એ જોઈને ખૂબ દુઃખ થાય છે કે આટલા સિનિયર અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર રાજપાલ યાદવ આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે આપણને અગણિત સ્મિત, હાસ્ય અને યાદગાર પળો આપી છે. આજે તેમને આપણી જરૂર છે.
રાજપાલ યાદવ જેલમાં કેમ બંધ છે? વર્ષ 2010માં રાજપાલ યાદવે ‘અતા પતા લાપતા’ ફિલ્મ બનાવવા માટે પ્રાઈવેટ કંપની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી અને રાજપાલ યાદવને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો. રાજપાલ યાદવ સમયસર લોનની રકમ ચૂકવી શક્યા નહીં. લોન લેતી વખતે રાજપાલ યાદવે કંપનીને જે ચેક આપ્યા હતા તે બાઉન્સ થયા, ત્યારબાદ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. બંને પક્ષો વચ્ચે સમાધાન છતાં સંપૂર્ણ ચુકવણી થઈ ન હતી અને સમય જતાં વ્યાજ ઉમેરાતું ગયું, જેના કારણે કુલ લોન ઘણી વધી ગઈ. વર્ષ 2018માં દિલ્હીની કોર્ટે રાજપાલ યાદવને દોષિત ઠેરવ્યા અને તેમને છ મહિનાની જેલની સજા સંભળાવી. આ પછી તેમણે ઉચ્ચ અદાલતમાં અપીલ કરી, જ્યાં તેમને ઘણી વખત રાહત મળી, કારણ કે તેમણે ચુકવણી અને સમાધાનનો ભરોસો આપ્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

