રેપો રેટ ફરી યથાવત્, લોન મોંઘી નહીં થાય:RBIએ વ્યાજદર 5.25% પર રાખ્યો; 2025માં ચાર વખતમાં 1.25%નો ઘટાડો કર્યો હતો

Last Updated: February 6, 2026By

આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એને 5.25% પર યથાવત્ રાખવામાં આવ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને તમારો EMI પણ વધશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 ફેબ્રુઆરીના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે RBIએ ડિસેમ્બરમાં વ્યાજદર 0.25% ઘટાડીને 5.25% કર્યા હતા. RBI જે દરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. 2025માં ચારવારમાં 1.25%નો ઘટાડો રેપો રેટ શું છે, એનાથી લોન કેવી રીતે સસ્તી થાય છે? RBI જે વ્યાજદરે બેંકોને લોન આપે છે એને રેપો રેટ કહેવાય છે. રેપો રેટમાં ઘટાડાને કારણે બેંકને ઓછા વ્યાજદરે લોન મળશે. બેંકોને લોન સસ્તી મળે છે, તો તેઓ ઘણીવાર એનો ફાયદો ગ્રાહકોને આપે છે, એટલે કે બેંકો પણ તેમના વ્યાજદરો ઘટાડે છે. FY26માં મોંઘવારી દર 2.1% રહી શકે છે RBIના મતે, મોંઘવારી અંગે સ્થિતિ હાલમાં રાહતભરી રહી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026 માટે રિટેલ મોંઘવારી 2.1% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1)માં મોંઘવારી દર 4% રહેવાનો અંદાજ છે. બીજા ત્રિમાસિક ગાળા (Q2)માં મોંઘવારી દર 4.2% રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળા (Q4) માટે, એ 3.2% રહેવાનો અંદાજ છે. આ આંકડા દર્શાવે છે કે ટૂંકા ગાળામાં ભાવમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ એકંદર ફુગાવો RBIની નિર્ધારિત મર્યાદામાં રહેશે. મલ્હોત્રાએ એ વાત પર ભાર મૂક્યો કે મોંઘવારીનું દબાણ હાલમાં ઓછું છે. ફક્ત કીમતી ધાતુઓ પર જ થોડી અસર જોવા મળી રહી છે, કારણ કે એના વૈશ્વિક ભાવ અસ્થિર રહે છે. મોટાભાગની અન્ય ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં છે. ભવિષ્યની યોજના અંગે તેમણે કહ્યું હતું કે RBI એપ્રિલમાં તેના આગામી પોલિસી સ્ટેટમેન્ટમાં તેના સંપૂર્ણ વર્ષના CPI મોંઘવારી દરનો અંદાજ રજૂ કરશે, ત્યાં સુધી નવી સિરીઝમાંથી વધુ ડેટા પણ મળી થશે. દર બે મહિને થાય છે RBIની મિટિંગ મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્ય હોય છે. એમાંથી 3 RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની મિટિંગ દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2025-26માં મોનેટરી પોલિસી કમિટીની કુલ 6 બેઠક યોજાઈ હતી. પ્રથમ બેઠક 7-9 એપ્રિલ 2025ના રોજ થઈ હતી. રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે? કોઈપણ સેન્ટ્રલ બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ છે. જ્યારે મોંઘવારી ખૂબ વધારે હોય છે ત્યારે સેન્ટ્રલ બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે. પોલિસી રેટ વધુ હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો પોતાના ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટે છે. નાણાંનો પ્રવાહ ઓછો થાય છે તો માગમાં ઘટાડો થાય છે અને મોંઘવારી ઘટી જાય છે. આ જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડી દે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.