'લસ્ટ સ્ટોરીઝ 3'માં 4 ડિરેક્ટરોના 4 અલગ અંદાજ:ચાર વાર્તાઓ, ચાર રંગો અને સંબંધોની વણકહી વાતો, અદિતી રાવ હૈદરીએ બાજી મારી

Last Updated: September 18, 2026By

અવધિ: 2 કલાક 44 મિનિટ
રેટિંગ: (3.5/5)
સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ: નેટફ્લિક્સ
ડિરેક્ટરો: વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બત્રા, વિશાલ ભારદ્વાજ
કલાકારો: કોંકોના સેન શર્મા, રાધિકા આપ્ટે, વિજય વર્મા, અભિષેક બેનર્જી, ગુરફતેહ પીરઝાદા, સના થમ્પી, રાધિકા મદાન, અલી ફઝલ, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ, ગજરાજ રાવ ‘લસ્ટ સ્ટોરીઝ 3’ જોવા બેસતી વખતે અપેક્ષા એ જ રહે છે કે ચાર અલગ-અલગ ડિરેક્ટરો સંબંધો, આકર્ષણ અને ઇચ્છાઓને પોતાની આગવી શૈલીમાં રજૂ કરશે. સારી વાત એ છે કે, ફિલ્મ આ અપેક્ષાને સંપૂર્ણપણે નિરાશ કરતી નથી. ક્યાંક વાર્તા હસાવે છે, ક્યાંક સંબંધોની ગૂંચવણ દર્શાવે છે અને ક્યાંક તમને ચોંકાવી દે છે. હા, ચારેય વાર્તાઓ સમાન રીતે અસરકારક નથી, પરંતુ બે કલાક 40 મિનિટમાં ફિલ્મ એટલો મસાલો જરૂર પીરસે છે કે દર્શકોનું ધ્યાન જળવાઈ રહે છે. અને આ વખતે સૌથી મોટું સરપ્રાઇઝ અદિતિ રાવ હૈદરી આપે છે. વાર્તા: ચાર કિસ્સા, ચાર અલગ અંદાજ ફિલ્મની પહેલી વાર્તા વિક્રમાદિત્ય મોટવાણીની છે. તેમાં કોંકોના સેન શર્મા અને રાધિકા આપ્ટે બે નજીકની મિત્રો છે, જેઓ પોતપોતાના લગ્નજીવનથી સંપૂર્ણ રીતે ખુશ નથી. ઇન્ટરનેટ પર કંઈક જોયા બાદ બંનેના મનમાં એક એવો વિચાર આવે છે, જે મિત્રતા અને લગ્ન બંનેની કસોટી લઈ શકે છે. અહીં વિજય વર્મા અને અભિષેક બેનર્જી પોતાના-પોતાના અંદાજમાં વાર્તામાં કોમેડીનો તડકો લગાવે છે. કોંકોના અને રાધિકાની મિત્રતાવાળો ભાગ ખાસ કરીને સારો છે. વાર્તા બહુ ઊંડાણમાં જતી નથી, પરંતુ હળવા-ફુલકા અંદાજમાં ઘણું બધું કહી જાય છે. બીજી વાર્તા કિરણ રાવની છે અને અહીંથી ફિલ્મ થોડો અલગ રસ્તો પકડે છે. ગુરફતેહ પીરઝાદા ડબલ રોલમાં છે અને સના થંબી સાથેની તેમની વાર્તા શરૂઆતમાં એક સામાન્ય આકર્ષણ જેવી લાગે છે. પરંતુ ધીમે-ધીમે મામલો સંબંધમાંથી બહાર આવીને ગુના અને છેતરપિંડી સુધી પહોંચી જાય છે. આ ભાગનો ટ્વિસ્ટ વાર્તાને સંભાળી લે છે, જોકે વચ્ચે એવું પણ લાગે છે કે વાર્તા જરૂર કરતાં વધારે બાબતોને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્રીજી વાર્તા શકુન બત્રાની છે અને કદાચ ફિલ્મનો સૌથી મજબૂત ભાગ પણ આ જ છે. રાધિકા મદાન અને અલી ફઝલ એવા કપલની ભૂમિકામાં છે, જે છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યું છે. બંને વચ્ચે ગુસ્સો છે, ફરિયાદો છે અને ઘણી બધી વણકહી વાતો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ બંને મળે છે, ત્યારે તેમની વચ્ચે એ જ જૂની નિકટતા પાછી આવી જાય છે. એટલે કે સંબંધ પૂરો કરવાનો નિર્ણય તો થઈ ચૂક્યો છે, પરંતુ દિલ અને આદતો હજુ પણ જૂની જગ્યાએ જ ઊભાં છે. શકુન બત્રા આ જ મૂંઝવણને પકડી લે છે. વાર્તા માત્ર આકર્ષણની વાત બનીને રહેતી નથી, પરંતુ આ પ્રશ્ન સુધી પહોંચે છે કે શું બે લોકો એકબીજાને પ્રેમ કર્યા વિના પણ એટલા નજીક રહી શકે છે કે અલગ થવું મુશ્કેલ બની જાય? અને પછી આવે છે વિશાલ ભારદ્વાજની વાર્તા, જે ફિલ્મનો સૌથી અલગ અને સૌથી મજેદાર હિસ્સો છે. અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ પતિ-પત્નીની ભૂમિકામાં છે. વાર્તા હૈદરાબાદના જૂના સમયગાળામાં ગોઠવાયેલી છે, જ્યાં અદિતિનું પાત્ર ધીમે-ધીમે રોમેન્ટિક અને કામુક સાહિત્યની દુનિયામાં રસ લેવા લાગે છે. અહીંથી તેની કલ્પના અને વાસ્તવિક જીવન વચ્ચેની સીમા થોડી ધૂંધળી થવા લાગે છે. સિદ્ધાર્થનું પાત્ર પણ આ આખી રમતમાં ઘણું રસપ્રદ છે અને ગજરાજ રાવ પોતાના ખાસ અંદાજમાં વાર્તામાં રંગ ભરી દે છે. વિશાલ ભારદ્વાજે આ હિસ્સાને એટલો હળવો, શરારતી અને મજેદાર રાખ્યો છે કે વાર્તા ક્યાંય પણ અશ્લીલ લાગતી નથી. અભિનય: અદિતિ રાવ હૈદરીએ બાજી મારી ચારેય વાર્તાઓમાં કલાકારોએ સારું કામ કર્યું છે, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચે છે અદિતિ રાવ હૈદરી. તેનું પાત્ર માસૂમ પણ છે, જિજ્ઞાસુ પણ અને અંદરથી ઘણું શરારતી પણ છે. અદિતિએ આ ત્રણેય રંગોને ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે. ખાસ કરીને તેના ચહેરાના હાવભાવ અને ગભરામણભર્યા દૃશ્યો વાર્તાને વધુ મજેદાર બનાવી દે છે. સિદ્ધાર્થ તેની સાથે સારી કેમેસ્ટ્રી ધરાવે છે અને શરૂઆતમાં જેટલા સીધાસાદા લાગે છે, પાત્ર આગળ વધતાં તે એટલા જ રસપ્રદ બનતા જાય છે. રાધિકા મદાન અને અલી ફઝલ પણ ત્રીજી વાર્તામાં શાનદાર છે. બંને વચ્ચેનો ગુસ્સો, પ્રેમ, ચીડ અને જૂની નિકટતા-બધું જ સ્ક્રીન પર સ્પષ્ટ દેખાય છે. કોંકોના સેન શર્મા અને રાધિકા આપ્ટેની મિત્રતા ફિલ્મની પહેલી વાર્તાની જાન છે. બંનેની ટાઇમિંગ સારી છે અને તેમની વાતચીતમાં સ્વાભાવિકતા દેખાય છે. વિજય વર્મા અને અભિષેક બેનર્જી પોતાની નાની-નાની ક્ષણોમાં હાસ્ય પેદા કરવામાં સફળ રહે છે. ડિરેક્શન અને સ્ટોરી ટેલિંગ ચારેય ડિરેક્ટરોની પોતાની અલગ ઓળખ અહીં સ્પષ્ટપણે જોવા મળે છે. વિક્રમાદિત્ય મોટવાણીની વાર્તા ઝડપી અને હળવી છે, પરંતુ તેનો વિચાર જેટલો મજેદાર છે, વાર્તા એટલી ઊંડાણ સુધી પહોંચતી નથી. કિરણ રાવે મુંબઈનો સુંદર રીતે ઉપયોગ કર્યો છે. તેની વાર્તામાં વિઝ્યુઅલ શૈલી અલગ દેખાય છે, પરંતુ ટ્વિસ્ટના ચક્કરમાં વાર્તા થોડી ગૂંચવાઈ જાય છે. શકુન બત્રા સંબંધોની જટિલતાઓને સમજવામાં સૌથી વધુ મજબૂત દેખાય છે. તેમનો હિસ્સો સૌથી વધુ ભાવનાત્મક ભાર લઈને આવે છે. અને વિશાલ ભારદ્વાજ તો અહીં સંપૂર્ણપણે પોતાના રંગમાં છે. જૂના હૈદરાબાદનું વાતાવરણ, સંવાદો, પાત્રો અને હળવી શરારત-બધું મળીને આ વાર્તાને બાકીની ત્રણ વાર્તાઓથી અલગ બનાવી દે છે. મ્યુઝિક અને ટેકનિકલ પાસું કેવું છે ફિલ્મનું મ્યુઝિક વાર્તાના મૂડને સપોર્ટ કરે છે. ખાસ કરીને ‘ઘટ પટ’ ધ્યાન ખેંચે છે અને કેટલાક ભાગોની ઊર્જા વધારે છે. વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ પણ ફિલ્મની મોટી તાકાત છે. ચારેય વાર્તાઓની પોતાની અલગ દુનિયા છે અને કેમેરો એ દુનિયા ઊભી કરવામાં સારી ભૂમિકા ભજવે છે. વિશાલ ભારદ્વાજવાળો હિસ્સો ખાસ કરીને પોતાના રંગ, લોકેશન અને પિરિયડ ફીલને કારણે અલગ નજરે પડે છે. ક્યાં પાછળ રહી જાય છે? સૌથી મોટી મુશ્કેલી એ જ છે કે ચારેય વાર્તાઓનું સ્તર એકસરખું નથી. પહેલી વાર્તાનો વિચાર મજેદાર છે, પરંતુ તેની અસર એટલા લાંબા સમય સુધી રહેતી નથી. બીજી વાર્તામાં ટ્વિસ્ટ તો છે, પરંતુ વાર્તા અનેક વળાંકો પર જરૂર કરતાં વધુ ગૂંચવાયેલી લાગે છે. ત્રીજી વાર્તા મજબૂત છે, પરંતુ કેટલીક જગ્યાએ સંબંધોને સમજાવવાનો પ્રયાસ થોડો વધુ પડતો થઈ જાય છે. ચોથી વાર્તા સૌથી મજેદાર છે, પરંતુ તેનો પેસ થોડો વધુ ઝડપી હોત તો અસર વધુ વધી શકી હોત. એટલે કે ફિલ્મમાં મસાલો ભરપૂર છે, પરંતુ દરેક ડિશનો સ્વાદ એકસરખો નથી. ફિલ્મ અંગેનો અંતિમ નિર્ણય ‘લસ્ટ સ્ટોરીઝ 3’ એક પરફેક્ટ ફિલ્મ નથી, પરંતુ આ એવી એન્થોલોજી છે, જેમાં ઓછામાં ઓછી બે વાર્તાઓ તમને બાંધી રાખે છે અને બાકીની બે તમને આખી ફિલ્મ સાથે જોડાયેલી રાખે છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંબંધો અને ઇચ્છાઓની વાત કરે છે, પરંતુ દરેક વાતને ગૂંચવણભરી બનાવવાનો પ્રયાસ કરતી નથી. ક્યાંક હસાવે છે, ક્યાંક વિચારવા માટે મજબૂર કરે છે અને ક્યાંક બસ વાર્તા સાથે વહેતા જવા દે છે. જો તમને રિલેશનશિપ ડ્રામા, થોડી કોમેડી, થોડી શરારત અને ચાર અલગ-અલગ અંદાજની વાર્તાઓ પસંદ હોય, તો ‘લસ્ટ સ્ટોરીઝ 3’ વીકએન્ડ પર એક સારી વન-ટાઇમ વૉચ છે.