'લાંબી, ગોરી સ્વીડિશ યુવતી એરેન્જ કરો..':જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને 'મજેદાર' બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે. 9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન અનિલે એપસ્ટીનને પૂછ્યું- “તમારું શું સૂચન છે?” એપસ્ટીને જવાબ આપ્યો, “મિટિંગને ‘મજેદાર’ બનાવવા માટે એક લાંબી સ્વીડિશ ગોરી યુવતી સારી રહેશે.” અંબાણીએ જવાબ આપ્યો, “ઓકે. એરેન્જ કરો.” આ વાતચીત ત્યારની છે. દાવો- અંબાણી એપ્સ્ટીનના ઘરે ગયા હતા આ વાતચીત એ સમયની છે, જ્યારે 2008માં સગીરાઓ સાથેના યૌન ગુનાના આરોપમાં એપ્સટીનને સજા મળી ગઈ હતી. આ છતાં એપ્સટીન વિશ્વભરના ઘણા પ્રભાવશાળી અને દિગ્ગજો સાથે સંપર્કમાં રહ્યા હતા. રેકોર્ડ્સ દર્શાવે છે કે બંનેએ પેરિસ અને ન્યૂયોર્કમાં મળવાનું આયોજન કર્યું હતું. મે 2019માં અનિલ અંબાણીની ન્યૂયોર્ક મુલાકાત દરમિયાન એપ્સટીને તેમને તેમના મેનહટન ઘરે આમંત્રણ આપ્યું, જ્યાં તેઓ મળ્યા હતા. અન્ય ઇ-મેલ્સમાં અંબાણી અને એપ્સ્ટીન વચ્ચે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ, બિઝનેસ મિટિંગ્સ અને વૈશ્વિક પ્લેટફોર્મ પરના કાર્યક્રમો અંગે ચર્ચાઓ પણ જાહેર કરવામાં આવી છે. આમાં પેરિસ, ન્યૂયોર્ક અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંભવિત બેઠકોનો ઉલ્લેખ સામેલ છે. 2019માં ફેડરલ સેક્સ ટ્રાફિકિંગના આરોપસર એપસ્ટીનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેની ટ્રાયલ શરૂ થાય એ પહેલાં જ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું. આ પછી વિશ્વભરમાં વિવાદ ઊભો થયો અને તેના નેટવર્ક અંગે અનેક પ્રકારની તપાસ શરૂ કરવામાં આવી. એપ્સટીને અંબાણીને પૂછ્યું, “તમારી ફેવરીટ હિરોઇન કઈ છે?” ચેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હોલિવૂડના સંદર્ભો પણ છે. એક વાતચીતમાં એપ્સટીને અંબાણીને તેમની ફેવરિટ મહિલા વિશે પૂછ્યું, જેમાં અંબાણીએ હોલિવૂડ અભિનેત્રી સ્કારલેટ જોન્સનનો ઉલ્લેખ કર્યો. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ એ સમયે તેમની ફિલ્મ “ઘોસ્ટ ઇન ધ શેલ”નું સહ-નિર્માણ કરી રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન એપ્સટીને અંબાણી પરિવારને લગતાં પુસ્તકોનું કામ શરૂ કર્યું. બ્લૂમબર્ગના મતે, અનિલ અંબાણીના પ્રતિનિધિએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અનિલ અંબાણી રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન છે. 2008માં તેમની સંપત્તિ આશરે 42 અબજ ડોલર હોવાનો અંદાજ હતો. એ સમયે તેઓ ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતા. અંબાણી ઉપરાંત ફિલ્મ-નિર્માતા મીરા નાયર, દિગ્દર્શક અનુરાગ કશ્યપ, અભિનેત્રી નંદિતા દાસ અને વેલનેસ ગુરુ દીપક ચોપરા સહિત અનેક અન્ય ભારતીય અને ભારતીય મૂળના સેલિબ્રિટીઓ એપસ્ટીનના સંપર્કમાં હતાં, જોકે ફાઇલમાં નામ હોવું એ ગુનાનો પુરાવો નથી. એ ફક્ત સામાજિક અથવા વ્યાવસાયિક સંબંધો સૂચવે છે. મીરા નાયરની ફિલ્મની ઉજવણીમાં મેક્સવેલે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. મીરા નાયર સંબંધિત ઇ-મેલ 21 ઓક્ટોબર, 2009ના રોજ અમેરિકન પબ્લિસિટી મેનેજર પેગી સીગલે એપસ્ટીનને મોકલ્યો હતો. એમાં સીગલે લખ્યું હતું કે તે ગિસ્લીન મેક્સવેલ (એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને દોષિત ગુનેગાર)ના મેનહટન ટાઉનહાઉસમાં પાર્ટી પછી હમણાં જ પાછી આવી હતી. મીરા નાયર ન્યૂયોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીની માતા છે. મેક્સવેલના ઘરે યોજાયેલી પાર્ટી મીરા નાયરની 2009ની ફિલ્મ “અમેલિયા” સાથે જોડાયેલી હતી, જેમાં હિલેરી સ્વેન્કે એવિએટર એમેલિયા ઇયરહાર્ટ અને રિચાર્ડ ગેરે તેના પતિ જ્યોર્જ પુટનમ તરીકે અભિનય કર્યો હતો. જેફરી એપસ્ટીન કોણ હતા? જેફરી એપસ્ટીન ન્યૂયોર્કના કરોડપતિ ફાઇનાન્સર હતા. તેમની અગ્રણી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે મિત્રતા હતી. 2005માં તેમના પર એક સગીર છોકરીનું યૌનશોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 2008માં તેને સગીરાનું યૌનશોષણ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેણે 13 મહિના જેલમાં વિતાવ્યા હતા. 2019માં જેફરીની સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે તેણે ટ્રાયલ શરૂ થાય એ પહેલાં જ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની પાર્ટનર, ગિસ્લીન મેક્સવેલને 2021માં તેને મદદ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે. એપસ્ટીન કેસની સંપૂર્ણ કહાની શું છે? તેની શરુઆત 2005માં થઈ હતી, જ્યારે ફ્લોરિડામાં 14 વર્ષની છોકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. એમાં કહેવામાં આવ્યું છે કે એપસ્ટીનના વૈભવી ઘરમાં તેની પુત્રીને ‘મસાજ’ કરવાના બહાને બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી સંબંધ બાંધવા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે છોકરી ઘરે પાછી આવી અને તેનાં માતાપિતાને કહ્યું, ત્યારે તેમણે તરત જ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો. જેફરી એપસ્ટીન સામે આ પહેલી સત્તાવાર ફરિયાદ હતી. પોલીસ તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે આ કોઈ અલગ ઘટના નથી. ધીમે ધીમે લગભગ 50 સગીર છોકરીની ઓળખ કરવામાં આવી, જેમણે એપસ્ટીન સામે સમાન આરોપો લગાવ્યા હતા. પામ બીચ પોલીસ વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી અને ઘણા મહિનાઓ સુધી તપાસ કરી. એપસ્ટીન સામે ગુનાહિત તપાસ શરૂ થઈ. એપસ્ટીન સગીર છોકરીઓને તેના ખાનગી જેટ, “લોલિતા એક્સપ્રેસ” માં પાર્ટીઓમાં લઈ જતો હતો. તે તેમને પૈસા અને ઘરેણાંની લાલચ આપીને તેમજ ધમકી આપીને દબાણ કરતો હતો. આ પ્રયાસમાં એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર, ગિસ્લીન મેક્સવેલે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જોકે શરૂઆતની તપાસ છતાં એપસ્ટીન જેલમાં લાંબા સમય સુધી રહ્યો નહીં. તેનો દબદબો એટલો હતો કે 2008માં તેને ફક્ત 13 મહિનાની સજા ફટકારવામાં આવી, જે દરમિયાન તે જેલની બહાર પણ કામ કરી શકતો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

