'વર્લ્ડ કપ બાદ જીવન બદલાયું, લોકો મહિલા ક્રિકેટરોને ઓળખતા થયા':હાર્દિક પંડ્યા-વિરાટ કોહલી GGની ખેલાડીઓના રોલ મોડલ, અનુષ્કાએ કહ્યું- રજત પાટીદારે બેટિંગમાં ખૂબ મદદ કરી

Last Updated: January 20, 2026By

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો હાલ વડોદરામાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત જાયન્ટ્સ(GG) ટીમ પણ વડોદરાની મહેમાન બની છે. ગઈકાલે(20 જાન્યુઆરીએ) ટીમના કેપ્ટન એશ્લે ગાર્ડનર કેપ્ટન પ્લેયર સોફી ડિવાઇન, રેણુકા ઠાકુર, અનુષ્કા શર્મા, કાશ્વી ગૌતમ, ⁠ભારતી ફુલમાલી, હેડ કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડિંગ કોચ સારાહ ટેલર અને બોલિંગ કોચ પ્રવિણ તાંબેએ મીડિયા સાથે વાત કરી હતી અને આગામી મેચો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત જાયન્ટ્સ ટીમની બોલર રેણુકા ઠાકુરે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ બાદ જીવન બદલાયું, લોકો મહિલા ક્રિકેટરોને ઓળખતા થયા. હવે દરેક પ્લેયરને રિસ્પેક્ટ મળે છે અને લોકો સામેથી આવીને અભિનંદન આપે છે. ઓલરાઉન્ડર અનુષ્કા શર્માએ કહ્યું, મારા સૌથી પહેલા રોલ મોડલ વિરાટ કોહલી છે, રજત પાટીદારે બેટિંગમાં ખૂબ મદદ કરી છે. જ્યારે ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમે જણાવ્યું હતું કે, મારા રોલ મોડેલ હાર્દિક પંડ્યા છે, તેઓ આ વડોદરાથી જ છે. ‘જે મેચો હાર્યા છીએ,તેના પર ટીમમાં ચર્ચા થઈ રહી છે’
ગુજરાત જાયન્ટ્સ ટીમની બોલર રેણુકા ઠાકુરે જણાવ્યું હતું કે, અમે હાલ બહુ લાંબુ વિચારી રહ્યા નથી. જે મેચો હાર્યા છીએ, તેમાં કઈ કઈ ભૂલો થઈ છે તેના પર ટીમમાં ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં અમે સારું ક્રિકેટ રમ્યા છીએ, તેથી પોઝિટિવ માઈન્ડસેટ સાથે આગળ વધવું જરૂરી છે. અલગ-અલગ પિચ પર રમવાની રણનીતિ બદલાતી હોય છે, એક મેચ રમ્યા પછી હવે અમને અહીંની પિચનો થોડો અંદાજ આવી ગયો છે. ‘મારી સફળતા પાછળ મારી મમ્મીનો સૌથી મોટો સપોર્ટ’
તેઓએ કહ્યું કે, મારી સફળતા પાછળ મારી મમ્મીનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. તેમની મહેનત અને આશીર્વાદથી જ હું આજે અહીં છું. આ ઉપરાંત અલગ-અલગ જગ્યાએ મને જે કોચ અને લોકોનો સાથ મળ્યો છે, તે બધાનો આમાં મહત્વનો ફાળો છે. કોઈ એક વ્યક્તિને કારણે નહીં પણ અનેક લોકોના સપોર્ટથી હું આ સ્તરે પહોંચી શકી છું. ‘ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ વચ્ચેના અંતરને આ લીગ પૂરે છે’
ગુજરાત જાયન્ટ્સ ટીમની યુવા ક્રિકેટર ઓલરાઉન્ડર અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે, WPL યુવા ખેલાડીઓ માટે એક શાનદાર પ્લેટફોર્મ છે. ખાસ કરીને એવા ખેલાડીઓ માટે જેમને સીધી ભારતીય ટીમમાં તક નથી મળતી. ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ વચ્ચેના અંતરને આ લીગ પૂરે છે. હું ગુજરાત જાયન્ટ્સના મેનેજમેન્ટની ખૂબ આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને આ તક આપી છે. જોકે, છેલ્લી બે ઇનિંગ્સમાં હું મોટો સ્કોર નથી કરી શકી, પણ હવે પછીની મેચોમાં ટીમ માટે વધુમાં વધુ યોગદાન આપવાનો મારો પ્રયત્ન રહેશે. ‘બધું જ તમારા ‘માઈન્ડસેટ’ પર નિર્ભર છે’
હું મારી જાતને ક્રિકેટના ત્રણેય ફોર્મેટની ખેલાડી માનું છું. રમત તો એક જ હોય છે, બોલર બોલ ફેંકે છે અને બેટર બેટિંગ કરે છે. બધું જ તમારી ‘માઈન્ડસેટ’ (માનસિકતા) પર નિર્ભર છે. ટેસ્ટમાં તમારે લાંબો સમય ટકીને રમવાનું હોય છે, વન-ડેમાં બંનેનું મિશ્રણ હોય છે અને T20 થોડી ઝડપી રમત છે. એટલે બધો ખેલ માઈન્ડસેટનો જ છે. મારું અત્યારનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે અમારી જે બાકીની ત્રણ મેચો છે, તે અમે સારા માર્જિનથી જીતીએ અને ગુજરાત જાયન્ટ્સને ટ્રોફી જીતાડીએ. ‘લોકો એકંદરે ‘વુમન્સ ક્રિકેટ’ને ઘણો સપોર્ટ આપી રહ્યા છે’
ગુજરાત જાયન્ટ્સ ટીમના ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમે જણાવ્યું હતું કે, વડોદરાનું ક્રિકેટ સ્ટેડિયમ ખરેખર ખૂબ જ સરસ છે. અહીં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે. કોઈ એક ચોક્કસ ટીમને સમર્થન આપવાને બદલે, લોકો એકંદરે ‘વુમન્સ ક્રિકેટ’ને ઘણો સપોર્ટ આપી રહ્યા છે, જે જોઈને ખૂબ આનંદ થાય છે. ગઈકાલે બધા સ્ટેન્ડ ભરેલા હતા અને લોકો જે રીતે અમને પ્રોત્સાહિત કરે છે તે અદ્ભુત છે. ‘બંને ઇનિંગ્સમાં થોડો ‘સ્વિંગ’ જોવા મળી રહ્યો છે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહજનક છે કારણ કે લોકો મોટી સંખ્યામાં આવે છે. જો પિચની વાત કરીએ તો, હાલમાં અહીંની મેચોમાં બંને ઇનિંગ્સમાં થોડો ‘સ્વિંગ’ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે આ ઠંડા વાતાવરણ અને ઝાકળના કારણે હોઈ શકે છે. આ એક મુખ્ય તફાવત મને અહીં જોવા મળ્યો છે. ‘આપણે વ્યૂહાત્મક થવું પડે છે તો ક્યારેક આક્રમક બનવું પડે’
કાશ્વી ‘એગ્રેસિવ’ પ્લેયર છે કે ‘ટેક્ટિકલ તેના જવાબમાં તેઓએ કહ્યું કે, હું કહીશ કે, બંને તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. ક્યારેક રમત દરમિયાન આપણે વ્યૂહાત્મક થવું પડે છે તો ક્યારેક આક્રમક બનવું પડે છે. એક જ મેચમાં પણ બંને પ્રકારની રમતની જરૂર પડી શકે છે. મારું વિઝન એ છે કે આગામી ઓસ્ટ્રેલિયા સીરીઝમાં હું સારું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન પાકું કરું. મારું મુખ્ય લક્ષ્ય ભારત માટે T20માં ડેબ્યૂ કરવાનું પણ છે. ‘રેણુકા ‘સ્વિંગ ક્વીન’ છે, ભારત માટે ઘણી વિકેટો લીધી’
તેઓએ વધુમાં કહ્યું કે, રેણુકા સિંહ મારી બોલિંગ પાર્ટનર છે. તેઓ પહેલી ઓવર નાખે છે અને હું બીજી ઓવર નાખું છું. તેમની પાસેથી મને ઘણું શીખવા મળે છે, જેમ કે બોલ કેટલો સ્વિંગ થઈ રહ્યો છે, મારે કઈ લાઇન અને લેન્થ પર બોલ નાખવો જોઈએ જેથી વિકેટ મળી શકે. રેણુકા ‘સ્વિંગ ક્વીન’ છે અને ભારત માટે ઘણી વિકેટો લીધી છે, તેથી હું તેમની પાસેથી જેટલું બને એટલું શીખવાનો પ્રયત્ન કરું છું. ‘સેન્ટ્રલ ઝોનની ટુર્નામેન્ટમાં મારી પસંદગી નહોતી થઈ’
ગુજરાત જાયન્ટ્સ ટીમની બેટ્સમેન ભારતી ફુલમાલીએ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ક્રિકેટમાં મને લગભગ 16થી 17 વર્ષ થઈ ગયા છે. મેં ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ લાંબી સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હમણાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાં મેં સારું પ્રદર્શન કર્યું હતું, છતાં સેન્ટ્રલ ઝોનની ટુર્નામેન્ટમાં મારી પસંદગી નહોતી થઈ, જેનાથી મને ઘણું દુઃખ થયું હતું. પરંતુ WPLના માધ્યમથી મને એક પ્લેટફોર્મ મળ્યું અને મારા પ્રદર્શનના આધારે આજે મારી પસંદગી ઇન્ડિયા ટીમમાં થઈ છે. ‘WPL શરૂ થયા પછી છોકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ‘
તેઓએ કહ્યું કે, જો 6-7 વર્ષ પહેલાની વાત કરીએ, તો ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે કોમ્પિટિશન ઓછી હતી, એટલે થોડું સરળ લાગતું હતું. પરંતુ 2017ના વર્લ્ડ કપ પછી મહિલા ક્રિકેટમાં મોટો બદલાવ આવ્યો છે. હવે ઘણી છોકરીઓ આગળ આવી રહી છે અને વાલીઓ પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ખાસ કરીને WPL શરૂ થયા પછી છોકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે ક્રિકેટને પ્રોફેશન તરીકે અપનાવી રહી છે. મારા પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ વર્ષોથી આ જ ઈચ્છતા હતા. હવે તેમની ઈચ્છા છે કે હું દેશ માટે સારું રમીને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરું.