વિદર્ભે પહેલીવાર વિજય હઝારે ટ્રોફી જીતી:સૌરાષ્ટ્રને 38 રનથી ફાઈનલમાં હરાવ્યું, અથર્વ તાયડેની સદી; યશ ઠાકુરને 4 વિકેટ

Last Updated: January 18, 2026By

વિદર્ભે પહેલીવાર વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. ટીમે રવિવારે બેંગલુરુમાં સૌરાષ્ટ્રને 38 રનથી ફાઈનલમાં હરાવ્યું. વિદર્ભ તરફથી અથર્વ તાયડેએ સદી ફટકારી, તેણે 128 રન બનાવ્યા. જ્યારે યશ ઠાકુરે 4 વિકેટ લીધી. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડ અને ચિરાગ જાનીએ ફિફ્ટી ફટકારી. સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડમાં પહેલા બેટિંગ કરતા વિદર્ભે 317 રન બનાવ્યા. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 279 રન જ બનાવી શકી અને 38 રનથી મેચ ગુમાવી દીધી. વિદર્ભ વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ જીતનારી 13મી ટીમ બની. ટીમ ગયા વર્ષે કર્ણાટક સામે ફાઈનલ હારી ગઈ હતી. 97 બોલમાં અથર્વએ સદી ફટકારી પહેલા બેટિંગ કરતા વિદર્ભે 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા. ટીમ માટે અથર્વ તાયડેએ શાનદાર સદી ફટકારી, જ્યારે યશ રાઠોડે 54 રનની ઇનિંગ રમી. તાયડેએ 97 બોલમાં સદી પૂરી કરી, તેણે 118 બોલમાં 128 રનની ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ આ વર્ષની ટુર્નામેન્ટમાં તેની પ્રથમ સદી હતી, જ્યારે લિસ્ટ-A ક્રિકેટમાં તેણે ત્રીજી વખત સદી ફટકારી. તાયડેએ 42 લિસ્ટ A મેચ રમી છે અને તેના નામે 9 અડધી સદી પણ નોંધાયેલી છે. સેમિફાઇનલમાં સદી ફટકારનાર અમન મોખાડેએ 33 રન બનાવ્યા. રવિકુમાર સમર્થે 25, મોહમ્મદ ફૈઝે 19, કેપ્ટન હર્ષ દુબેએ 17 અને દર્શન નાલકંડેએ 14 રન બનાવ્યા. સૌરાષ્ટ્રની બોલિંગમાં અંકુર પંવાર સૌથી સફળ રહ્યો, તેણે 4 વિકેટ ઝડપી. ચેતન સાકરિયા અને ચિરાગ જાનીને 2-2 વિકેટ મળી.
સૌરાષ્ટ્રની ખરાબ શરૂઆત મોટા ટાર્ગેટ સામે સૌરાષ્ટ્રની શરૂઆત ખરાબ રહી. ટીમે 30 રન પર 2 વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન હાર્વિક દેસાઈ 20 અને વિશ્વરાજ જાડેજા 9 રન બનાવીને આઉટ થઈ ગયા. પ્રેરક માંકડએ ફરી ફિફ્ટી ફટકારી અને ટીમને સંભાળી લીધી. જોકે, તેની સામે સમ્માર ગજ્જર 25, અને પાર્શ્વરાજ રાણા 7 રન બનાવીને આઉટ થઈ ગયા. માંકડએ ફરી ચિરાગ જાની સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરી અને ટીમને 200 રનના પાર પહોંચાડી દીધી. માંકડ 88 રન બનાવીને આઉટ થયા. તેમના પછી ચિરાગ પણ 64 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ટીમે 260 રન સુધી 8 વિકેટ પણ ગુમાવી દીધી. રુચિત આહિર 21 અને જયદેવ ઉનડકટ 6 રન બનાવીને આઉટ થયા. યશ ઠાકુરને 3 વિકેટ વિદર્ભ માટે ફાસ્ટ બોલર યશ ઠાકુરે 48 રન આપીને 3 વિકેટ લીધી. નચિકેત ભૂતે 35 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે દર્શન નાલકંડેએ 48 રન આપીને 2 વિકેટ ઝડપી. હર્ષ દુબેને 1 વિકેટ મળી, તેણે 59 રન આપ્યા. પાર્થ રેખાડે કોઈ વિકેટ લઈ શક્યો નહીં. વિજય હઝારે ટ્રોફીની 13મી ચેમ્પિયન વિદર્ભ વિદર્ભે પહેલીવાર વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ જીત્યો, ટીમ આ ખિતાબ જીતનારી 13મી ટીમ બની. તમિલનાડુ અને કર્ણાટકે સૌથી વધુ 5-5 ટાઇટલ જીત્યા છે. મુંબઈના નામે 4 અને સૌરાષ્ટ્રના નામે 2 ખિતાબ છે. આ ઉપરાંત 8 ટીમ 1-1 વાર ચેમ્પિયન બની ચૂકી છે. વિદર્ભે સતત બીજી સિઝનમાં ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું, ટીમને છેલ્લી વાર કર્ણાટક સામે ખિતાબી મુકાબલો ગુમાવવો પડ્યો હતો. આ વખતે વિદર્ભે ઇતિહાસ બદલ્યો અને સૌરાષ્ટ્રને તેમની બીજી ફાઇનલ હરાવીને પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો. વિદર્ભે સેમિફાઇનલમાં કર્ણાટકને હરાવ્યું હતું વિદર્ભની ટીમ બીજી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. ગુરુવારે રમાયેલી પહેલી સેમિફાઇનલ મેચમાં વિદર્ભે કર્ણાટકને 6 વિકેટે હરાવીને ફાઈનલ મુકાબલામાં સ્થાન બનાવ્યું. આ પહેલા ટીમ 2024-25 સીઝનમાં પણ ફાઇનલ સુધી પહોંચી ચૂકી હતી. પાંચ વખતની ચેમ્પિયન કર્ણાટકની ટીમ 49.4 ઓવરમાં 280 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. 281 રનના ટાર્ગેટને ચેઝ કરતા વિદર્ભે અમન મોખડેની સદીની મદદથી 46.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા અને મુકાબલો પોતાના નામે કરી લીધો. સૌરાષ્ટ્રએ પંજાબને 9 વિકેટે હરાવ્યું હતું સૌરાષ્ટ્રએ પંજાબને 9 વિકેટે હરાવીને ચોથી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં પંજાબે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા. તેના જવાબમાં સૌરાષ્ટ્રે શાનદાર બેટિંગ કરતા માત્ર 39.3 ઓવરમાં ટાર્ગેટ કરી લીધો અને એકતરફી અંદાજમાં મુકાબલો પોતાના નામે કર્યો. વિશ્વરાજ જાડેજાએ સદી ફટકારી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સૌરાષ્ટ્ર: હાર્વિક દેસાઈ (વિકેટકીપર/કેપ્ટન), વિશ્વરાજ જાડેજા, પ્રેરક માંકડ, સમ્મર ગજ્જર, ચિરાગ જાની, રુચિત આહીર, પાર્શ્વરાજ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અંકુર પંવાર, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા. વિદર્ભ: હર્ષ દુબે (કેપ્ટન), અથર્વ તાયડે, અમન મોખડે, ફૈઝ મોહમ્મદ શેખ, રવિકુમાર સમર્થ, રોહિત બિંકર (વિકેટકીપર), યશ રાઠોડ, નચિકેત ભુટે, પાર્થ રેખાડે, યશ ઠાકુર અને દર્શન નાલકંડે.