વિનોદ કાંબલીની અત્યંત કરૂણ પરિસ્થિતિનો વીડિયો:ધ્રુજતા અવાજે વૃદ્ધાશ્રમમાંથી કહ્યું- મારા ઘરમાં પણ મને આટલો પ્રેમ નથી મળ્યો, અહીં ઘણી શાંતિ છે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર વિનોદ કાંબલી હાલમાં સોશિયલ મીડિયા પર એક અલગ જ કારણસર ચર્ચાનો વિષય બન્યા છે. તેમનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક વૃદ્ધાશ્રમમાં હોવાનું જોવા મળે છે. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીની આ સ્થિતિ જોઈને અનેક લોકોને મોટો આઘાત લાગ્યો છે અને તેમના સ્વાસ્થ્ય તથા વર્તમાન સ્થિતિને લઈને ચાહકોને ચિંતા થવા લાગી છે. જોકે વાઇરલ વીડિયોમાં વિનોદ કાંબલી પોતે તે આશ્રમની સુવિધાઓ અને ત્યાંના સરસ વાતાવરણના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વિનોદ કાંબલીએ પોતે વૃદ્ધાશ્રમ અંગે શું કહ્યું? સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં વિનોદ કાંબલી પોતે વૃદ્ધાશ્રમ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિનોદ કાંબલીએ કહ્યું કે, “હું આ સમયે નિદાનમાં છું. હું કહેવા માગીશ કે અહીંની સુવિધાઓ ખૂબ જ સારી છે.” તેમણે આગળ ત્યાંની વ્યવસ્થાના વખાણ કરતા કહ્યું કે, “અહીં સાફ-સફાઈ અને બાકી બધી બાબતો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મને અહીં રહેતા ક્યારેય એવું અનુભવાતું નથી કે હું મારા ઘરે નથી. અહીંના લોકો તરફથી મને ખૂબ જ પ્રેમ અને સન્માન મળી રહ્યું છે.” વિનોદ કાંબલીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ રહી છે કાંબલીનો આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ક્રિકેટ ફેન્સની ચિંતા ખૂબ વધી ગઈ છે. ઘણા લોકો તેમની આવી હાલત જોઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા લોકો તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી બીમારી, પૈસાની તંગી અને પોતાની અંગત જિંદગીની સમસ્યાઓના કારણે સતત સમાચારમાં રહ્યા છે. આ પહેલા પણ તેમના એવા વીડિયો વાઇરલ થયા હતા જેમાં તેઓ કોઈના સહારા વગર ચાલી પણ શકતા નહોતા, જેને જોઈને ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ દુઃખી થયા હતા. નેટિઝન્સમાં ચિંતા વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોએ મોટા પ્રમાણમાં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. કાંબલીની આવી સ્થિતિ જોઈને અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. એક યુઝરે સલાહ આપતાં કહ્યું છે કે, “કાંબલીજીએ પોતાના સ્વાસ્થ્યમાં શક્ય તેટલી વહેલી તકે સુધારો કરીને ક્રિકેટ કોમેન્ટ્રી તરફ વળવું જોઈએ. ભારત માટે 17 ટેસ્ટ મેચ રમ્યા છે વિનોદ કાંબલી સચિન સાથે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું કાંબલી અને સચિન તેંડુલકર બાળપણના મિત્રો છે. બંનેએ મુંબઈની પ્રખ્યાત કાંગા લીગમાં એકસાથે ડેબ્યૂ કર્યું હતું. તેંડુલકર-કાંબલીએ સ્કૂલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. બંનેએ શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા 664 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીમાં કાંબલીએ નોટઆઉટ 349 રન બનાવ્યા હતા. અહીંથી જ બંને ચર્ચામાં આવ્યા. તેંડુલકરે 1988માં રણજીમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે કાંબલીને આ તક એક વર્ષ પછી 1989માં મળી હતી. વિનોદ કાંબલીએ બે લગ્ન કર્યા કાંબલીની અંગત જિંદગી પણ કંઈ ખાસ સફળ ન રહી. તેમણે પ્રથમ લગ્ન નોએલા નામની ક્રિશ્ચિયન છોકરી સાથે કર્યા હતા, પરંતુ તેમના પ્રથમ લગ્ન સફળ થઈ શક્યા નહીં. ત્યાર પછી ફિલ્મી દુનિયા તરફ આકર્ષાયેલા કાંબલીનું દિલ ફેશન મોડેલ એન્ડ્રિયા હેવિટ પર આવ્યું. બંનેએ લગ્ન કર્યા અને અત્યાર સુધી સાથે છે. જૂન 2010માં એન્ડ્રિયાએ કાંબલીના પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોને જન્મ આપ્યો. જ્યારે મેદાન પર રડી પડ્યા હતા કાંબલી 13 માર્ચ 1996ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમાઈ રહી હતી. શ્રીલંકાએ 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ એક સમયે 98 રન પર એક વિકેટ ગુમાવીને સારી સ્થિતિમાં હતી, પરંતુ સચિન તેંડુલકર આઉટ થયા પછી આખી ટીમનું બેટિંગ લાઇન-અપ ખોરવાઈ ગયું. જોતજોતામાં ટીમ ઈન્ડિયાએ 120 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી. 35મી ઓવર થવાની બાકી હતી અને ભારતીય ટીમને જીતવા માટે 156 બોલમાં 132 રનની જરૂર હતી. વિનોદ કાંબલી 10 રન બનાવીને અને અનિલ કુંબલે ખાતું ખોલાવ્યા વગર ક્રિઝ પર હાજર હતા. આ દરમિયાન પ્રેક્ષકોએ મેદાન પર બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું અને સ્ટેડિયમના એક ભાગમાં આગ લગાડી દીધી. હોબાળાના કારણે મેચ રોકી દેવામાં આવી અને શ્રીલંકાને વિજેતા જાહેર કરવામાં આવ્યું. મેચ રદ થયા પછી મેદાનમાંથી ડ્રેસિંગ રૂમ તરફ પાછા ફરતી વખતે કાંબલી રડવા લાગ્યા હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


