શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત!:₹150 કરોડના બિટકોઈન સ્કેમમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે આપ્યા જામીન, EDએ કસ્યો હતો ગાળિયો
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાયા હતા, પરંતુ આ વખતે તેમને કોર્ટમાંથી રાહત મળી છે. ₹150 કરોડના બિટકોઈન પોન્ઝી સ્કેમમાં મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટે રાજ કુન્દ્રાને જામીન આપ્યા છે. ગતરોજ જ કોર્ટે ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લઈને કુન્દ્રા વિરુદ્ધ સમન્સ જારી કર્યું હતું. શું છે સમગ્ર મામલો? અમિત ભારદ્વાજ નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતા કુખ્યાત ‘ગેન બિટકોઈન પોન્ઝી સ્કેમ’માં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. તપાસ એજન્સી ED મુજબ, રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપવા માટે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા. જોકે, આ ડીલ ક્યારેય પૂરી થઈ નહોતી, પરંતુ EDનો દાવો છે કે આ 285 બિટકોઈન હજુ પણ રાજ કુન્દ્રા પાસે જ છે, જેની વર્તમાન કિંમત ₹150 કરોડથી વધુ થાય છે. EDના ગંભીર દાવાઓ EDએ સપ્ટેમ્બર 2025માં દાખલ કરેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં રાજ કુન્દ્રા અને દુબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજેશ સતીજાને આરોપી બનાવ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રાએ પોતાને માત્ર એક મધ્યસ્થી (મીડિયેટર) ગણાવ્યા હતા, પરંતુ તે આ બાબતે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા નથી. એજન્સીનો દાવો છે કે સાત વર્ષ વીતી ગયા હોવા છતાં કુન્દ્રાને પાંચ હપ્તામાં મળેલા બિટકોઈનની ચોક્કસ સંખ્યા યાદ છે, જે સાબિત કરે છે કે તેઓ આ વ્યવહારના વાસ્તવિક લાભાર્થી છે. ‘ટર્મ શીટ’ નામના કરાર પરથી સ્પષ્ટ થાય છે કે આ વ્યવહાર સીધો અમિત ભારદ્વાજ અને રાજ કુન્દ્રા વચ્ચે જ હતો. કોર્ટની કાર્યવાહી સ્પેશિયલ કોર્ટે બંને આરોપીઓને 19 જાન્યુઆરીએ હાજર થવા સૂચના આપી હતી. જોકે, હવે આ મામલે રાજ કુન્દ્રાને જામીન મળી જતાં તેમને હાલ પૂરતી મોટી રાહત મળી છે. રાજ કુન્દ્રા અગાઉ પણ પોર્નોગ્રાફી કેસમાં જેલ જઈ ચૂક્યા છે, જેના કારણે આ નવો કેસ તેના માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરી શકે તેમ હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

