'શું ખેલાડીઓને ખબર હતી કે તેમણે વંદા-માખીઓવાળી નોન-વેજ ચા પીધી?':મુંબઈ ક્રિકેટ એસોસિયેશન સામે મુંબઈ હાઈકોર્ટ લાલચોળ, રેસ્ટોરન્ટમાં ગંદકીનો આરોપ

Last Updated: August 25, 2026By

શું ખેલાડીઓને ખબર હતી કે તેઓ વંદા અને માખીઓવાળી ‘નોન-વેજ’ ચા પી રહ્યા છે? આ સવાલ મુંબઈ હાઈકોર્ટે મંગળવારે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ને પૂછ્યો. MCA મુંબઈ શહેરમાં ક્રિકેટની સૌથી મોટી સંસ્થા છે. તેની ઑફિસ પરિસરમાં પાંચ રેસ્ટોરન્ટ છે, જે ખેલાડીઓ માટે છે. હાઈકોર્ટ આ રેસ્ટોરન્ટ્સમાં સ્વચ્છતા ન હોવાની ફરિયાદ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ને આ રેસ્ટોરન્ટ્સનું ફરીથી નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. લાયસન્સ MCAનું, રસોડું ચલાવી રહી હતી બીજી કંપની 20 ઑગસ્ટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના નિરીક્ષણમાં MCAના રસોડામાં વંદા અને માખીઓ, ગંદો ફ્લોર અને સ્વચ્છતા સંબંધિત ગંભીર ખામીઓ મળી હતી. FDAએ MCAના 5 રેસ્ટોરન્ટ્સના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. આ રેસ્ટોરન્ટ્સના લાયસન્સ MCAના નામે હતા, જ્યારે સંચાલન એક ખાનગી કંપની શિર્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહી હતી. MCAએ FDAની કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી છે. MCAએ કહ્યું- સુધારાનો મોકો મળવો જોઈતો હતો MCA વતી વરિષ્ઠ વકીલ વિક્રમ નાનકાણીએ કહ્યું કે લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા FDAએ ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ આપવી જોઈતી હતી. આનાથી ખામીઓ દૂર કરવાની તક મળતી. કોર્ટે આ દલીલ સ્વીકારી નહીં. બેન્ચે કહ્યું કે જ્યારે નિરીક્ષણમાં ગંભીર બેદરકારી સામે આવે છે ત્યારે FDA તાત્કાલિક લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે. વંદા-માખીઓ હોય તો આ ‘નોન-વેજ ચા’- કોર્ટ MCAના વકીલે કહ્યું કે રેસ્ટોરન્ટ બંધ થવાથી ક્રિકેટરોને ચા પણ મળી રહી નથી. આના પર કાર્યકારી ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગેએ કહ્યું કે જ્યારે રસોડામાં માખીઓ અને વંદાઓ હોય તો આ ‘નોન-વેજિટેરિયન ચા’ થઈ. શું ખેલાડીઓને ખબર છે કે તેઓ કેવી ચા પી રહ્યા છે? કોર્ટે ખેલાડીઓ માટે અસ્થાયી ધોરણે ચા અને કોફીની વેન્ડિંગ મશીન લગાવવાની મંજૂરી આપી દીધી. FDAની કાર્યવાહીની કોર્ટે પ્રશંસા કરી હાઈકોર્ટે FDAની કાર્યવાહીની પ્રશંસા પણ કરી. કોર્ટે કહ્યું કે ફૂડ સેફ્ટીને લઈને આવી કાર્યવાહી ચાલુ રહેવી જોઈએ. જોકે, બેન્ચે એમ પણ કહ્યું કે રેસ્ટોરન્ટ્સ પોતાની ખામીઓ દૂર કરી લે તો લાયસન્સ સસ્પેન્શનને આગળ લંબાવવું ન જોઈએ. 29 ઑગસ્ટે થશે આગામી સુનાવણી કોર્ટે FDAને MCA અને ખાનગી કંપની વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટની કાયદેસરતા પર પણ વિચાર કરવા જણાવ્યું છે. FDAને રેસ્ટોરન્ટ્સની ફરીથી તપાસ કરવી પડશે. કેસની આગામી સુનાવણી 29 ઑગસ્ટે થશે.