શું ભારત WTCની ફાઇનલમાં પહોંચી શકશે?:100% ગેરંટી માટે તમામ 9 મેચ જીતવા પડશે; શ્રીલંકા સામે હાર્યા તો માર્ગ કઠિન
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સીઝનમાં પોતાની અડધી મેચ રમી ચૂકી છે. ટીમ 48.15% પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ભારતને 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. ભારતના ફાઇનલમાં પહોંચવાના શું સમીકરણો છે અને શ્રીલંકા સામેની સિરીઝની ટીમની આશાઓ પર શું અસર થશે, આગળ વાંચો… ભારત ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે છે? ફાઇનલમાં પહોંચવા માટે ટોપ-2માં રહેવું જરૂરી છે. ભારત જો પોતાની બાકીની 9 મેચ જીતી લે છે તો તેના 74.07 ટકા પોઇન્ટ્સ હશે અને ટોપ-2 ફિનિશ પાક્કું થઈ જશે. એક પણ મેચ હારવા પર ભારતના 68.52 ટકા પોઇન્ટ્સ હશે. આ સ્થિતિમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. 2 મેચ હારવાની સ્થિતિમાં ભારતનું ફાઇનલમાં પહોંચવું લગભગ અશક્ય બની જશે. શ્રીલંકા સામે હારશે તો પાકિસ્તાનથી પણ પાછળ રહી શકે છે શ્રીલંકા પ્રવાસના 5 સંભવિત પરિણામો છે. 2-0થી સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાના 57.58% પોઇન્ટ્સ થઈ જશે. આ દરમિયાન જો ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશને એક પણ મેચ હરાવી દે છે, તો ભારત ચોથા સ્થાને આવી જશે. જ્યારે, 0-2થી હારવાની સ્થિતિમાં ભારતીય ટીમના 36.36 ટકા પોઇન્ટ્સ થઈ જશે અને તે શ્રીલંકાથી પણ નીચે થઈ જશે. અહીંથી ફાઇનલનો રસ્તો અત્યંત મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાં ભારત પોઇન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનથી પણ પાછળ રહી શકે છે. જોકે, આ માટે પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામે 3-0થી જીત નોંધાવવી પડશે. હજુ 9 મેચ બાકી; 3 સિરીઝ રમવાની છે વર્તમાન સાયકલમાં ભારતીય ટીમને 9 મેચ રમવાની છે. જેમાં 2 મેચ શ્રીલંકા, 2 મેચ ન્યૂઝીલેન્ડ અને 5 મેચ ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝમાં રમવાની છે. શ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાને નવેમ્બર મહિનામાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે જવાનું છે. ત્યારબાદ 5 મેચની હોમ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરવાની છે. સાઉથ આફ્રિકાથી ક્લીન સ્વીપથી નુકસાન થયું શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસથી પોતાના અભિયાનની શરૂઆત કરી. ટીમે ત્યાં 5 મેચની સિરીઝ 2-2થી ડ્રો કરી. ઇંગ્લેન્ડથી પરત ફર્યા પછી વેસ્ટ ઇન્ડીઝને ઘરઆંગણે 2-0થી હરાવી દીધું. અહીં સુધી બધું બરાબર હતું. પરંતુ, ગયા વર્ષે તેને વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ 2 મેચની સિરીઝમાં 2-0થી હરાવીને ક્લીન સ્વીપ કર્યું. અહીં જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાછળ રહી ગઈ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

