સની દેઓલ અને અક્ષય ખન્ના વચ્ચે ખરાખરીનો જંગ જામશે!:નેટફ્લિક્સની લીગલ ડ્રામા સિરીઝ 'IKKA'માં સિદ્ધાંતો અને મજબૂરી વચ્ચે માઈન્ડ ગેમ ખેલાશે
નેટફ્લિક્સે તેની આગામી ઓરિજિનલ લીગલ ડ્રામા સિરીઝ ‘IKKA’ની જાહેરાત કરી છે. આ સિરીઝમાં સની દેઓલ અને અક્ષય ખન્ના પહેલીવાર એકબીજાની આમને-સામને જોવા મળશે. વાર્તા એક એવા પ્રખ્યાત અને પ્રામાણિક વકીલની આસપાસ ફરે છે, જેને મજબૂરીમાં એક મર્ડર કેસના આરોપીનો બચાવ કરવો પડે છે. ખાસ વાત એ છે કે, આ જ આરોપી તે વ્યક્તિ છે, જેનું કરિયર વકીલે ભૂતકાળમાં બરબાદ કરી દીધું હતું. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે આ વકીલ સંજોગોના દબાણમાં પોતાના જ સિદ્ધાંતો સાથે સમાધાન કરવા મજબૂર થઈ જાય છે. કેસ હારવાની કિંમત એટલી ભારે છે કે, તેને પોતાની પ્રતિષ્ઠા, પરિવાર અને જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવાનો ડર સતાવવા લાગે છે. આવા સંજોગોમાં તે કાયદાની દરેક યુક્તિનો ઉપયોગ કરે છે, ભલે તે નૈતિક હોય કે ન હોય. આ સિરીઝનું ડિરેક્શન સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ કર્યું છે, જ્યારે તેની સ્ક્રિપ્ટ અલ્થિયા કૌશલ અને મયંક તિવારીએ લખી છે. ‘IKKA’નું નિર્માણ Alchemy Filmsના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ પહેલા આ જ ટીમે નેટફ્લિક્સની સિરીઝ ‘મહારાજ’ પર પણ કામ કર્યું છે. કાસ્ટની વાત કરીએ તો, સની દેઓલ અને અક્ષય ખન્ના ઉપરાંત, આ સિરીઝમાં દિયા મિર્ઝા, તિલોત્તમા શોમ, સંજીદા શેખ, શિશિર શર્મા અને આકાંક્ષા રંજન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. વાર્તા માત્ર કોર્ટરૂમની દલીલો સુધી સીમિત નથી, પરંતુ તેમાં અંગત સંબંધો, જૂના ઘા અને વૈચારિક સંઘર્ષને પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝનું ટીઝર પહેલાથી જ રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં કોર્ટરૂમની સખત દલીલો, પાત્રો વચ્ચે તણાવ અને ભાવનાત્મક સંઘર્ષની ઝલક જોવા મળે છે. ‘IKKA’માં એક પિતાની પોતાના પરિવારને બચાવવાની જહેમત પણ દર્શાવવામાં આવી છે, જ્યાં દરેક નિર્ણય તેને સાચા અને ખોટા વચ્ચે ઊભો કરી દે છે. નેટફ્લિક્સની આ સિરીઝ લીગલ ડ્રામા પસંદ કરતા દર્શકો માટે એક તીવ્ર અને ગંભીર વાર્તા લઈને આવી રહી છે, જેમાં દરેક વળાંક પર નવો પ્રશ્ન ઊભો થતો જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

