સાઉથ આફ્રિકાના પ્લેયરે T-20માં ગેલનો રેકોર્ડ તોડ્યો:પ્રિટોરિયસે 188 રન બનાવ્યા, 79 બોલમાં 15 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા
સાઉથ આફ્રિકાના લુઆન-ડ્રે પ્રિટોરિયસ T-20 ક્રિકેટમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયા છે. તેમણે બ્લોમફોન્ટેઇનમાં સાઉથ આફ્રિકાની ઘરેલુ T-20 સ્પર્ધા CSA T-20 ચેલેન્જમાં ટાઇટન્સ તરફથી રમતા નાઇટ્સ સામે 79 બોલમાં અણનમ 188 રન બનાવ્યા. પ્રિટોરિયસે 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે, T-20 આંતરરાષ્ટ્રીયની એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચના નામે છે. ફિન્ચે 2018માં ઝિમ્બાબ્વે સામે હરારેમાં 76 બોલમાં 172 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 16 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થતો હતો. પ્રિટોરિયસની ઇનિંગ્સની મદદથી ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 267 રન બનાવ્યા. જવાબમાં નાઇટ્સની ટીમ 17.2 ઓવરમાં 143 રને ઓલઆઉટ થઈ ગઈ. ટાઇટન્સે આ મુકાબલો 124 રને જીતી લીધો. ક્રિસ ગેલનો 175* રનનો રેકોર્ડ તોડ્યો પ્રિટોરિયસે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ગેલે 2013ની IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા પુણે વૉરિયર્સ સામે અણનમ 175 રન બનાવ્યા હતા. પ્રિટોરિયસે પોતાનો 176મો રન પૂરો કરતાં જ ગેઈલનો રેકોર્ડ પાછળ છોડી દીધો. હવે પુરુષોના T-20 ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેમના નામે છે. પ્રિટોરિયસની ઇનિંગ્સનો સ્ટ્રાઈક રેટ 237.97 રહ્યો. તેમણે પોતાની ઇનિંગ્સમાં માત્ર બાઉન્ડ્રીથી જ 138 રન બનાવ્યા. 24 બોલમાં ફિફ્ટી, 40 બોલમાં સદી પ્રિટોરિયસે માત્ર 24 બોલમાં ફિફ્ટી પૂરી કરી. ત્યારબાદના 16 બોલમાં 50 રન બનાવીને 40 બોલમાં સદી પૂરી કરી. તેમણે 58 બોલમાં 150 રનનો આંકડો પાર કરી લીધો હતો. તેઓ T-20 ક્રિકેટમાં બેવડી સદી ફટકારવાથી માત્ર 12 રન દૂર રહી ગયા. 20 ઓવર પૂરી થઈ જવાને કારણે તેમને 188 રન પર અણનમ પરત ફરવું પડ્યું. મેન્સ T-20 ક્રિકેટમાં 79 બોલની તેમની ઇનિંગ્સ સૌથી વધુ બોલ રમાયેલી ઇનિંગ્સમાં સામેલ થઈ ગઈ. આ મામલે તેમણે એરોન ફિન્ચ અને માર્કસ સ્ટોઇનિસની બરાબરી કરી. ટાઇટન્સનો બીજો સૌથી મોટો સ્કોર પ્રિટોરિયસની ઇનિંગ્સના જોરે ટાઇટન્સે 267/3નો સ્કોર બનાવ્યો. આ CSA T-20 ચેલેન્જના ઇતિહાસનો બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર પણ ટાઇટન્સના નામે છે. તેણે 2022માં નાઇટ્સ સામે 271/3 રન બનાવ્યા હતા. તે મેચમાં ડિવાલ્ડ બ્રેવિસે 162 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધી આ સ્પર્ધાની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ હતી. પ્રિટોરિયસે 188 રન બનાવીને બ્રેવિસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. નાઇટ્સ 143 રન પર ઓલઆઉટ 268 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નાઇટ્સે ઝડપી શરૂઆત કરી. ટીમે પ્રથમ 2 ઓવરમાં 33 રન બનાવ્યા. જેક્સ સ્નાઇમને 12 બોલમાં 32 રન બનાવ્યા, પરંતુ ત્રીજી ઓવરના પ્રથમ બોલે તેમના આઉટ થયા બાદ ટીમની રન બનાવવાની ગતિ ધીમી પડી ગઈ. નાઇટ્સની આખી ટીમ 17.2 ઓવરમાં 143 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટાઇટન્સે 124 રનથી મેચ જીતી લીધી. સળંગ ત્રીજા મોટા સ્કોર સાથે પહોંચ્યા આ પ્રિટોરિયસની 2026-27 CSA T-20 ચેલેન્જ સીઝનની પ્રથમ મેચ હતી. જોકે, તેઓ આ પહેલાં પણ શાનદાર ફોર્મમાં હતા. સપ્ટેમ્બરમાં ઝિમ્બાબ્વે અને નામીબિયા સામે રમાયેલી ટ્રાઇ સિરીઝમાં તેમણે છેલ્લી બે મેચમાં 94 અને 101 રન બનાવ્યા હતા. પ્રિટોરિયસ અત્યાર સુધી 91 T20 મેચ રમી ચૂક્યા છે. આ ફોર્મેટમાં તેમનો સ્ટ્રાઇક રેટ 150.44 છે. તેમણે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં 22 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. લુઆન-ડ્રે પ્રિટોરિયસ કોણ છે? 20 વર્ષના પ્રિટોરિયસ સાઉથ આફ્રિકાના ડાબોડી ઓપનિંગ બેટર અને વિકેટકીપર છે. તેમનો જન્મ 27 માર્ચ 2006ના રોજ થયો હતો. તેમણે 2024ના અંડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ત્યારબાદ 2025ની SA20 સિઝનમાં પાર્લ રોયલ્સ માટે તેમણે 397 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટના ટોચના સ્કોરર રહ્યા. 2025માં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તેમણે પોતાની બીજી ટેસ્ટ ઇનિંગ્સમાં 153 રન બનાવ્યા હતા. CSA T-20 ચેલેન્જ શું છે? CSA T-20 ચેલેન્જ સાઉથ આફ્રિકાની સ્થાનિક T20 સ્પર્ધા છે. તેમાં દેશની સ્થાનિક ટીમો ભાગ લે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


