સાઉથ આફ્રિકા સામેની છેલ્લી વન-ડેમાંથી નાથન એલિસ બહાર:ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફરશે; જોએલ ડેવિસ પણ પ્રવાસમાંથી બહાર

Last Updated: September 29, 2026By

ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર નાથન એલિસના ડાબા ભાગની માંસપેશીઓમાં ખેંચાણ આવ્યું છે. તેના કારણે તે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાંથી બહાર થઈ ગયો છે. તે આગળની તપાસ અને રિહેબિલિટેશન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. ડાબોડી સ્પિનર જોએલ ડેવિસ પણ ઈજાના કારણે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડશે. તેને બીજી વન-ડે દરમિયાન સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડિંગ કરતી વખતે જમણી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ડેવિસે આ પ્રવાસમાં કોઈ મેચ રમી નથી. સાઉથ આફ્રિકા ત્રણ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. બીજી વન-ડેમાં એલિસ માત્ર 4 ઓવર જ નાખી શક્યો જોહાનિસબર્ગમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં એલિસે માત્ર 4 ઓવર બોલિંગ કરી હતી. ત્યારબાદ તેને સાઇડમાં દુખાવો થયો હતો. તે પોતાનો સ્પેલ પૂરો કરી શક્યો નહોતો. એલિસની ઈજાથી ઓસ્ટ્રેલિયાને મોટું નુકસાન થયું. સાઉથ આફ્રિકાએ 365/9નો સ્કોર બનાવ્યો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 333 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકાએ 32 રને મેચ જીતી અને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી. આ વર્ષે વન-ડેમાં એલિસની 22 વિકેટ એલિસ આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલરોમાંના એક રહ્યો છે. તેણે આ વર્ષે વન-ડેમાં 22 વિકેટ લીધી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર, આ વર્ષે વન-ડેમાં તેમના કરતાં વધુ વિકેટ માત્ર બે બોલરોએ લીધી છે. હવે એલિસ પાસે આગામી આંતરરાષ્ટ્રીય મેચ પહેલાં 6 અઠવાડિયાથી વધુનો સમય છે. ઓસ્ટ્રેલિયાની આગામી વ્હાઇટ-બોલ સિરીઝ નવેમ્બરમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાશે. ત્રીજી વન-ડેમાં કમિન્સનું કમબેક શક્ય સિરીઝની ત્રીજી વન-ડે 30 સપ્ટેમ્બરે પોચેફસ્ટ્રૂમમાં રમાશે. શરૂઆતની બે મેચમાં નહીં રમેલા કેપ્ટન પેટ કમિન્સ પરત ફરી શકે છે. બીજી વન-ડેમાં આરામ કરનાર મિચેલ સ્ટાર્ક પણ પરત ફરી શકે છે. બીજી તરફ, પ્રથમ બંને વન-ડે રમનાર જોશ હેઝલવુડને આરામ આપવામાં આવી શકે છે. ઝેવિયર બાર્ટલેટના ટીમમાં યથાવત રહેવાની શક્યતા છે. ડેવિસને પ્રવાસ દરમિયાન મેચ રમવાની તક મળી નહીં જોયલ ડેવિસને ઓસ્ટ્રેલિયાની ટીમમાં બીજા સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે સામેલ કર્યો હતો. તેને અત્યાર સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. જોહાનિસબર્ગ વન-ડેમાં તે સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતર્યો હતો. આ દરમિયાન તેની જમણી હેમસ્ટ્રિંગમાં ખેંચાણ આવી ગયું. હવે તે ઓસ્ટ્રેલિયા પરત ફરીને રિહેબ કરશે. ત્યારબાદ ન્યૂ સાઉથ વેલ્સ માટે સ્થાનિક ક્રિકેટમાં કમબેક કરશે. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયા માટે આ પ્રવાસમાં ઈજાઓની સમસ્યા યથાવત રહી છે. ઝડપી બોલર બિલી સ્ટેનલેક ઝિમ્બાબ્વે સિરીઝ દરમિયાન સાઇડ સ્ટ્રેનને કારણે બહાર થઈ ગયો હતો. વિકેટકીપર બેટર જોશ ઇંગ્લિસ પણ પ્રથમ વન-ડેમાં આંગળીમાં ફ્રેક્ચર થતાં બાકીની વન-ડેમાંથી બહાર થઈ ગયો છે. 9 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં તેની વાપસી અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ઓસ્ટ્રેલિયા-A ટીમમાં પણ ફેરફાર ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયા-A ટીમમાં પણ ફેરફાર કર્યા છે. બ્રેન્ડન ડોગેટ, ફર્ગસ ઓ’નીલ અને કેમ્પબેલ કેલાવે શેફિલ્ડ શીલ્ડ સિઝન માટે ઓસ્ટ્રેલિયા પરત ફરશે. તેમની જગ્યાએ સેમ હાર્પર, જાય રિચર્ડસન અને લિયમ હેચર પુડુચેરીમાં મંગળવારથી શરૂ થનારી બીજી અન-ઑફિશિયલ ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે. ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે રિલે મેરેડિથ અને વિલ સધરલેન્ડને પણ ઓસ્ટ્રેલિયા-A ટીમમાં સામેલ કર્યા છે. તેઓ જેક એડવર્ડ્સ અને એરોન હાર્ડીની જગ્યાએ લેશે. હાર્ડી ઘૂંટણની સામાન્ય ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થયો છે.

Leave A Comment