સિંગર જેસ્મિન સેંડલસનો 'ધુરંધર' અવતાર:છેડતી કરતા યુવકોને કોન્સર્ટમાંથી બહાર કઢાવ્યા, અધવચ્ચે ગાવાનું રોકી કહ્યું- 'છોકરીઓની સુરક્ષા પહેલાં જરૂરી'

Last Updated: February 11, 2026By

‘ધુરંધર’ ફિલ્મમાં ‘શરારત’ ગીત પર સૌને ડાન્સ કરવા મજબૂર કરનાર સિંગર જેસ્મિન સેંડલસનો રિયલ લાઇફ ‘ધુરંધર’ અવતાર જોવા મળ્યો છે. તાજેતરમાં તેના કોન્સર્ટમાં કેટલાક યુવકો યુવતીઓના એક ગ્રુપને પરેશાન કરી રહ્યા હતા, ત્યારે સિંગરે અધવચ્ચે ગાવાનું રોકી દીધું હતું અને છેડતી કરતા યુવકોને બહાર કઢાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ‘છોકરીઓ સુરક્ષિત નહીં અનુભવે, ત્યાં સુધી હું પરફોર્મ નહીં કરું’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા જેસ્મિન સેંડલસના કોન્સર્ટનો છે. વીડિયોમાં જેસ્મિન પહેલા ગીત શરૂ કરે છે, પછી અચાનક કહે છે, ‘સિક્યોરિટી, મહેરબાની કરીને આ બે છોકરાઓને બહાર કાઢો. આ છોકરીઓને પરેશાન કરી રહ્યા છે.’ આ પછી તેણે પંજાબીમાં ભીડને કહ્યું, ‘હું ત્યાં સુધી પરફોર્મ નહીં કરું, જ્યાં સુધી છોકરીઓ મારા કોન્સર્ટમાં સુરક્ષિત મહેસૂસ નહીં કરે.’ પ્રેક્ષકોએ સિંગની બહાદુરીને તાળીઓથી વધાવી લીધી તેણે આગળ કહ્યું, ‘હું આમ જ સ્ટેજ પર ફરતી રહીશ, જ્યાં સુધી સમસ્યા ઉકેલાઈ ન જાય.’ આના પર પ્રેક્ષકોએ જોરદાર તાળીઓ પાડી અને ચીયર સાથે તેને સપોર્ટ કર્યો. સોશિયલ મીડિયા યુઝર્સે સિંગરને ‘સિંહણ’ ગણાવી વીડિયો વાયરલ થયા પછી ઘણા લોકોએ મહિલાઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવા બદલ જેસ્મિનની પ્રશંસા કરી. ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે લખ્યું – ‘જબરદસ્ત… સાચી સિંહણ, મહિલા સશક્તિકરણ.’ બીજાએ કહ્યું – ‘તમારા માટે ખૂબ આદર છે.’ એક અન્ય યુઝરે લખ્યું – ‘જેસ્મિન સેંડલસ, ખૂબ જ સરસ.’ જ્યારે, એક યુઝરે એમ પણ કહ્યું – ‘ભાઈ, તે ખરેખર ક્વીન છે.’ નોંધનીય છે કે, જેસ્મિને તાજેતરમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં બે ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. જેસ્મિને ફિલ્મ ‘ધુરંધર’માં બે મુખ્ય ગીતો, એક ફિલ્મનું ટાઇટલ ટ્રેક (હનુમાનકાઇન્ડ સાથે) અને બીજું ટ્રેક ‘શરારત’ ગાયા છે. આ ઉપરાંત તેણે ‘નશા’, ‘ઇલ-લીગલ વેપન 2.0’, ‘યાર ના મિલે’, ‘સિપ સિપ’, ‘લાવણ’, ‘ગુલાબી ક્વીન’ સહિતના ફેમસ ગીતો ગાયા છે. આ કોન્સર્ટમાં ‘ધુરંધર’ના ‘શરારત’ ગીતમાં ધમાકેદાર પરફોર્મન્સ આપનાર એક્ટ્રેસ આયેશા ખાન પણ હાજર હતી. આયેશા ખાને સ્ટેજ પર કહ્યું, ‘સ્ટેજ પર આવીને હું બધા સ્ટેપ્સ ભૂલી ગઈ, પરંતુ અહીં આવીને ખૂબ ખુશી થઈ રહી છે. હું હંમેશા જેસ્મિનને કહું છું, તે ભગવાનનું ખાસ બાળક છે.’