સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન:ઇન્સ્ટાગ્રામ પર પિતાને યાદ કરીને એક્ટરે લખ્યું- પપ્પા, તમારી ઇમાનદારી મારો સૌથી મોટો વારસો છે

Last Updated: February 18, 2026By

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતા સુનીલ મલ્હોત્રાનું નિધન થયું. આ વાતની જાણકારી મંગળવારે સાંજે એક્ટરે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. તેણે પિતા સાથેની જૂની તસવીરો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી અને પિતાને યાદ કર્યા. આજ તકના રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થના પિતાનું શનિવારે, 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નિધન થયું. સિદ્ધાર્થે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પિતાના બાળપણથી લઈને તાજેતરના સમય સુધીની ઘણી તસવીરો શેર કરી, જેમાં પિતા સાથે વિતાવેલી પળો દેખાઈ. તેણે પિતાને શ્રદ્ધાંજલિ આપતા તેને અત્યંત પ્રામાણિક, સિદ્ધાંતવાદી અને સંસ્કારી વ્યક્તિ ગણાવ્યા. પહેલી તસવીરમાં નાના સિદ્ધાર્થ પોતાના પિતાના ખોળામાં જોવા મળ્યા. બીજી તસવીરમાં તે ભાઈ હર્ષદ સાથે જોવા મળ્યો. એક ફોટોમાં પત્ની કિયારા અડવાણી પણ જોવા મળી, જ્યાં સિદ્ધાર્થ પિતાનો હાથ પકડેલા જોવા મળ્યો. પોસ્ટના કેપ્શનમાં સિદ્ધાર્થે લખ્યું કે- તેના પિતા એવા વ્યક્તિ હતા, જે હંમેશા મૂલ્યોને વળગી રહ્યા. તેઓ શિસ્તબદ્ધ હતા, પણ કડક નહીં; મજબૂત હતા, પણ અહંકારી નહીં. જીવનની મુશ્કેલ પરીક્ષાઓ દરમિયાન પણ તેમણે સકારાત્મક વિચારસરણી જાળવી રાખી. તેમણે આગળ લખ્યું, “મર્ચન્ટ નેવી કેપ્ટન તરીકે સમુદ્રોનું નેતૃત્વ કરવાથી લઈને બીમારીનો હિંમતભેર સામનો કરવા સુધી, તેમણે ક્યારેય સમાધાન કર્યું નહીં. સ્ટ્રોક પછી વ્હીલચેર પર હોવા છતાં તેમનો જુસ્સો અડગ રહ્યો.” સિદ્ધાર્થે પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું, “પપ્પા, તમારી ઈમાનદારી મારો સૌથી મોટો વારસો છે. તમારી તાકાત મને દરરોજ પ્રેરિત કરે છે. તમે શાંતિથી ઊંઘમાં અમને છોડી ગયા, પણ તમારી ખોટ અપાર છે. હું જે કંઈ પણ છું, તમારી જ કારણે છું.” સિદ્ધાર્થના પિતા સુનીલ મલ્હોત્રા મર્ચન્ટ નેવીમાં કેપ્ટન હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ છેલ્લે ફિલ્મ ‘પરમ સુંદરી’માં જોવા મળ્યા હતા. પર્સનલ લાઈફની વાત કરીએ તો, સિદ્ધાર્થ અને કિયારા અડવાણીએ 15 જુલાઈ 2025ના રોજ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં તેના પ્રથમ સંતાન, દીકરી સરાયાહ મલ્હોત્રાનું સ્વાગત કર્યું.