સિનર ઘૂંટણની ઈજાને કારણે US ઓપનમાંથી ખસી ગયો:વર્લ્ડ નંબર-1એ કહ્યું- જમણા ઘૂંટણને સાજા થવામાં હજુ વધુ સમય લાગશે

Last Updated: August 21, 2026By

વર્લ્ડ નંબર 1 ટેનિસ ખેલાડી જેનિક સિનરે જમણા ઘૂંટણની ઈજાને કારણે આ મહિને યોજાનાર US ઓપનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. તે સીઝનના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં નહીં રમે. 25 વર્ષીય સિનરે જમણા ઘૂંટણની ઈજાને કારણે સિનસિનાટી ઓપનમાંથી પણ નામ પાછું ખેંચી લીધું હતું. સિનરે કહ્યું હતું કે તેનું ધ્યાન ન્યૂયોર્કમાં રમવા માટે તૈયાર થવા પર રહેશે. સિનરે આ પોસ્ટથી ગ્રાન્ડસ્લેમમાંથી હટવાની જાણકારી આપી… સોશિયલ પોસ્ટ પર લખ્યું- ‘ખૂબ દુઃખી અને નિરાશ છું’ સિનરે સોશિયલ મીડિયા પર લખ્યું- ‘હું મારી ટીમ અને મેડિકલ સ્ટાફ સાથે સખત મહેનત કરી રહ્યો હતો, પરંતુ હવે અમારે આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે કે હું આ વર્ષે યુએસ ઓપનમાં રમી શકીશ નહીં.’ તેણે કહ્યું- ‘છેલ્લા કેટલાક દિવસોથી અમે મોન્ટે કાર્લોમાં ફરીથી કોર્ટ પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન અમને જાણવા મળ્યું કે જમણા ઘૂંટણની સમસ્યામાંથી બહાર આવવા માટે મને હજુ વધુ સમય જોઈશે.’ સિનરે લખ્યું, ‘હું સ્વાભાવિક રીતે ખૂબ જ દુઃખી અને નિરાશ છું, કારણ કે ન્યૂયોર્ક મારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હું ત્યાં પાછા ફરીને અદ્ભુત ચાહકો સામે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.’ સિનરે ગયા મહિને વિમ્બલ્ડન જીત્યું હતું સિનરે ગયા મહિને વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-7(7), 7-6(2), 6-3, 6-4થી હરાવ્યો હતો. સિનર સતત બીજી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો હતો. તે ઓપન એરામાં આ ચેમ્પિયનશીપનું ટાઇટલને ડિફેન્ડ કરનાર ઇતિહાસના માત્ર 10મો ખેલાડી છે.