સુપ્રીમ કોર્ટે કહ્યું-અનિલ અંબાણી દેશ છોડીને જઈ શકશે નહીં:વિદેશ ભાગી જવાની આશંકા, બેંક ફ્રોડ કેસમાં ED-CBIને ફટકાર; કહ્યું- તપાસમાં મોડું કેમ કર્યુ, આવી ઢીલાશ સાખીશું નહીં

Last Updated: February 5, 2026By

સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સાથે સંકળાયેલા ₹40 હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- CBI અને ED તપાસમાં વિલંબનું કારણ જણાવી શક્યા નથી. બંને એજન્સીઓ પહેલેથી જ ઘણો સમય લઈ ચૂકી છે. આગળ આવી ઢીલાશ સહન કરવામાં આવશે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે CBI અને ED ને ચાર અઠવાડિયામાં હાલનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે નોંધ્યું કે અનિલ અંબાણી તેની પૂર્વ મંજુરી વિના દેશ છોડી શકશે નહીં. ખરેખરમાં, અરજદાર અને પૂર્વ IAS અધિકારી ઈ.એ.એસ. શર્માએ અનિલના દેશ છોડવાની આશંકા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ તેમના વકીલ મુકુલ રોહતગી મારફતે કોર્ટને ખાતરી આપી કે તેઓ કોર્ટની મંજુરી વિના દેશ છોડશે નહીં. EDએ કહ્યું- 40 હજાર કરોડ સાયફન, ગુનાની કમાણી ₹20 હજાર કરોડ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે અનિલ અંબાણી વિરુદ્ધ પહેલાથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે. મહેતાએ કોર્ટને જણાવ્યું- અનિલ ગ્રુપની કંપનીઓ દ્વારા લગભગ ₹40 હજાર કરોડ સાયફન કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આના પર કોર્ટે મૌખિક ટિપ્પણી કરી- આટલી મોટી રકમ સાયફન થવાનો આ મામલો છે. કોર્ટે EDના સોગંદનામાને રેકોર્ડ પર લીધું કે ગુનાથી કમાયેલી આવક ₹20 હજાર કરોડથી વધુ આંકવામાં આવી છે. એજન્સી ₹8,078 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી ચૂકી છે. અનિલ બોલ્યા- વ્યવસાયિક નુકસાન, લોન ચૂકવવામાં નિષ્ફળતા પર ફોજદારી કેસ ન બને અનિલ અંબાણી વતી હાજર રહેલા વકીલ શ્યામ દીવાને જાહેર ભંડોળની ઉચાપત કરવાના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું- રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે લગભગ ₹20 હજાર કરોડ ચૂકવી દીધા છે. વ્યવસાયિક નુકસાન અને લોન ડિફોલ્ટને ફોજદારી કેસ ન બનાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ પહેલા 23 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે CBI અને EDને સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું અને અનિલ અંબાણી તથા ADAGને નોટિસ જારી કરી હતી. અરજીમાં આરોપ છે કે 2007-08થી છેતરપિંડી ચાલી રહી હતી, પરંતુ FIR 2025માં નોંધાઈ. અરજી મુજબ 2013-17 દરમિયાન RCOM, રિલાયન્સ ઇન્ફ્રાટેલ (RITL) અને રિલાયન્સ ટેલિકોમ (RTL)એ SBI અને અન્ય બેંકો પાસેથી ₹40 હજાર કરોડથી વધુની લોન લીધી હતી. બાદમાં લોનની રકમનો નિર્ધારિત હેતુને બદલે અન્ય જગ્યાએ ઉપયોગ થયો. કેટલાક કિસ્સાઓમાં ગ્રુપની અન્ય કંપનીઓને ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું. સમયસર લોન ચૂકવવામાં પણ ચૂક (NPA) થઈ. તપાસમાં ભંડોળના ખોટા ઉપયોગનો ખુલાસો EDએ તેની તપાસમાં જાણ્યું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCFL)માં મોટા પાયે ભંડોળનો દુરુપયોગ થયો હતો. 2017 થી 2019ની વચ્ચે, યસ બેંકે RHFL માં 2,965 કરોડ અને RCFL માં 2,045 કરોડનું રોકાણ કર્યું હતું. ડિસેમ્બર 2019 સુધીમાં, આ રકમ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) બની ગઈ. RHFLના 1,353 કરોડ અને RCFLના 1,984 કરોડ હજુ પણ બાકી છે. કુલ મળીને, યસ બેંકને 2,700 કરોડથી વધુનું નુકસાન થયું. ED અનુસાર, આ ભંડોળ રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. લોન મંજૂરી પ્રક્રિયામાં પણ ઘણી ગડબડીઓ મળી. જેમ કે, કેટલાક લોન તે જ દિવસે અરજી, મંજૂરી અને વિતરિત થઈ ગયા. ફિલ્ડ ચેક અને મીટિંગ્સ છોડી દેવામાં આવી. દસ્તાવેજો ખાલી અથવા તારીખ વગરના મળ્યા. EDએ તેને ‘ઇન્ટેન્શનલ કંટ્રોલ ફેલ્યોર’ ગણાવ્યું છે. તપાસ PMLAની કલમ 5(1) હેઠળ ચાલી રહી છે અને 31 ઓક્ટોબર 2025ના રોજ એટેચમેન્ટ ઓર્ડર જારી થયા. ———————————- અનિલ અંબાણી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… કોંગ્રેસનો દાવો- અનિલ અંબાણીએ એપસ્ટીન પાસેથી મદદ માંગી: મોદી-ટ્રમ્પની મુલાકાત કરાવવાની હતી; કહ્યું હતું- ટ્રમ્પ માટે મોદી ઇઝરાયેલમાં નાચ્યા કોંગ્રેસે 1 ફેબ્રુઆરીના રોજ અનિલ અંબાણી અને અમેરિકાના યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન વચ્ચે 16 માર્ચ 2017ના રોજ થયેલી ચેટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અનિલ અંબાણી ચેટમાં એપસ્ટીન પાસેથી કુશનર અને બેનન (ટ્રમ્પના નજીકના) સાથે મુલાકાતમાં તેની મદદ માંગતા જોવા મળી રહ્યા છે. સાથે જ ટ્રમ્પ-મોદીની મુલાકાતમાં પણ એપસ્ટીનની મદદ માંગી રહ્યા છે.