સૂટબૂટમાં સાંસદોની ધબધબાટી, VIDEO:તુર્કીની સંસદમાં જ એકબીજા પર તૂટી પડ્યા, નવા ન્યાયમંત્રીને શપથ લેતાં રોક્યા ને બબાલ થઈ

Last Updated: February 12, 2026By

તુર્કીની સંસદમાં બુધવારે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ હોબાળો મચી ગયો. કેબિનેટ ફેરબદલ વચ્ચે ન્યાય મંત્રાલયમાં એક વિવાદાસ્પદ ચહેરાની નિમણૂકને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો સામસામે આવી ગયા. અહીં માનનીય સાંસદોએ એવું બધું જ કર્યું, જેની તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી નથી. સોશિયલ મીડિયા પર અત્યારે તેજીથી વાઇરલ થઈ રહેલા વીડિયોમાં બંને પક્ષના સાંસદો એકબીજાને મુક્કા અને લાત મારતા જોવા મળી રહ્યા છે. અહીં નોંધવા જેવી વાત એ હતી કે હિંસા પર માત્ર થોડા સાંસદો જ ઊતર્યા નહોતા, પરંતુ સાંસદોનું ટોળું એમાં સામેલ હતું. સાંસદોને નાનીમોટી ઈજાઓ પહોંચી
આ મારામારી દરમિયાન વિપક્ષી પાર્ટી (CHP)ના એક સાંસદના નાકમાં ઈજા થવાને કારણે લોહી પણ નીકળ્યું હતું. કેટલાકને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી, જોકે બાદમાં ભારે વિરોધ વચ્ચે પણ અકિન ગુરલેકે શપથ લીધા હતા. સંસદમાં કેમ થયો હોબાળો?
ખરેખર વિપક્ષી સાંસદોએ ઇસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર અકિન ગુરલેકને સંસદમાં નવા ન્યાયમંત્રી તરીકે શપથ લેતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. અકિન ગુરલેકની નિમણૂક તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા નવા ન્યાયમંત્રી તરીકે કરવામાં આવી છે. આ જ વાત પર ગુસ્સો વધતો ગયો અને મામલો હિંસા સુધી પહોંચી ગયો. સાંસદો એકબીજાને ધક્કા અને લાત-ઘૂંસા મારતા જોવા મળ્યા હતા. વિપક્ષ લાલચોળ થયો
ઇસ્તંબુલના ચીફ પ્રોસિક્યુટર તરીકે ગુરલેકે મુખ્ય વિરોધપક્ષ, રિપબ્લિકન પીપલ્સ પાર્ટી (CHP)ના અનેક સભ્યો વિરુદ્ધ હાઇ પ્રોફાઈલ ટ્રાયલની અધ્યક્ષતા કરી હતી. તુર્કીના વિપક્ષ દ્વારા લાંબા સમયથી આ ટ્રાયલ્સને રાજકીય રીતે પ્રેરિત ગણાવવામાં આવી છે. હવે તે જ અકિન ગુરલેક ન્યાયમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા, જેના કારણે વિપક્ષ લાલચોળ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એર્દોગને પૂર્વી પ્રાંત એર્ઝુરમના ગવર્નર મુસ્તફા સિફ્ટસીને દેશના નવા ગૃહમંત્રી તરીકે પણ નામાંકિત કર્યા છે. ભ્રષ્ટાચારની તપાસમાં ધરપકડ
જણાવી દઈએ કે વિપક્ષી દળ, રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના નિયંત્રણ હેઠળની નગરપાલિકાઓના સેંકડો અધિકારીઓની ભ્રષ્ટાચારની તપાસમાં ધરપકડ કરવામાં આવી છે. એમાં ઇસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુ પણ સામેલ હતા, જેમને વ્યાપકપણે એર્દોગનના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવે છે, જેમની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. મંત્રાલયમાં હવે ફેરફાર શા માટે?
મંત્રાલયમાં હવે ફેરફાર શા માટે કરવામાં આવી રહ્યો છે, એના માટે કોઈ સત્તાવાર કારણ જણાવવામાં આવ્યું નથી, જોકે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર રાજપત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન મંત્રીઓએ પોતાની ફરજોમાંથી મુક્ત થવા માટે વિનંતી કરાઈ હતી. તુર્કીમાં આ નવી અને વિવાદાસ્પદ નિમણૂકો એવા સમયે થઈ છે, જ્યારે તુર્કી સંભવિત બંધારણીય સુધારાઓ પર ચર્ચા કરી રહ્યું છે અને દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના ઉદ્દેશ સાથે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી અથવા PKK સાથે શાંતિ પહેલ કરી રહ્યું છે.