'સોનાક્ષીની ટ્રોલિંગ પાછળ BJP IT સેલ':શત્રુઘ્ન સિંહાનો ગંભીર આરોપ, એક્ટ્રેસના રાજકારણમાં પ્રવેશ અંગે પણ ખુલાસો કર્યો
પીઢ એક્ટર અને રાજનેતા શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં કહ્યું છે કે, તેમની દીકરી સોનાક્ષી સિંહાની ઓનલાઈન ટ્રોલિંગ પાછળ ભાજપનો IT સેલ છે. ‘સોનાક્ષી ખૂબ સમજદાર છોકરી છે’ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને સોનાક્ષીના સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટવક્તા રહેવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આના પર સિંહાએ કહ્યું કે, ‘સોનાક્ષી એક સમજદાર છોકરી છે અને તેમને ખબર છે કે ક્યારે અને કયા મુદ્દા પર પોતાની વાત રજૂ કરવી.’ ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિંહાને પૂછવામાં આવ્યું કે, સોનાક્ષી પર આરોપ લાગ્યા કે તેમણે CJPના જંતર-મંતરના પ્રદર્શન પર ખુલ્લેઆમ અભિપ્રાય આપ્યો હતો, પરંતુ ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા તાજેતરના મામલામાં તે ચૂપ જોવા મળ્યા? આના પર શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા સોનાક્ષી તરફથી ઝારખંડના બાળકોના સમર્થનમાં ખૂબ જ જબરદસ્ત, ખૂબ જ સ્પષ્ટ અને ખૂબ જ મજબૂત સમર્થન આવ્યું હતું.’ સોનાક્ષીના રાજકારણમાં આવવા પર પણ પ્રતિક્રિયા આપી સોનાક્ષીના ભવિષ્યમાં રાજકારણમાં આવવાના પ્રશ્ન પર શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, ‘હું કહી શકતો નથી, પરંતુ સોનાક્ષી વર્થી ફાધર (કાબિલ પિતા)ની મોસ્ટ વર્થી ડોટર (સૌથી કાબિલ દીકરી) છે.’ સોનાક્ષીની સોશિયલ મીડિયા ટ્રોલિંગ પર પણ શત્રુઘ્ન સિંહાએ દાવો કર્યો કે, તેમની દીકરી વિરુદ્ધ થતી ટ્રોલિંગ પેઇડ ટ્રોલ્સ દ્વારા થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે, ‘ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેટલાક લોકો અને IT સેલ આવા ટ્રોલ્સ દ્વારા વિરોધ કરનારાઓને નિશાન બનાવે છે.’ તેમણે કહ્યું કે, ‘ઘણીવાર આવા ટ્રોલ્સને પોતે જ ખબર નથી હોતી કે તેમને શું લખવું છે. તેમને તૈયાર કન્ટેન્ટ કે ડ્રાફ્ટ આપવામાં આવે છે અને તેઓ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે.’ ‘સોનાક્ષી ટ્રોલ્સને ગંભીરતાથી લેતી નથી’ શત્રુઘ્ન સિંહાએ જૂના સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનું ઉદાહરણ આપતા દાવો કર્યો કે પહેલા પણ ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોના ટ્વીટ એકસરખા જોવા મળતા હતા. તેમણે કહ્યું કે, ‘ઘણીવાર તેમના શબ્દો, વિરામચિહ્નો અને અહીં સુધી કે ડોટ-કોમા (પૂર્ણવિરામ-અલ્પવિરામ) પણ એકસરખા હોય છે.’ તેમણે કહ્યું કે, ‘સોનાક્ષી આ ટ્રોલ્સને વધારે ગંભીરતાથી લેતી નથી. સોનાક્ષીએ પણ કહ્યું છે કે, તે ટ્રોલિંગને જોતી જ નથી.’ CJP પ્રોટેસ્ટના સમર્થનમાં ઘણી પોસ્ટ કરી હતી નોંધનીય છે કે, સોનાક્ષીએ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં ઘણી પોસ્ટ કરી હતી. એક્ટ્રેસે ઝારખંડના વિદ્યાર્થી પ્રદર્શનને લઈને પણ સમર્થન વ્યક્ત કર્યું હતું. રાંચીમાં વિદ્યાર્થીઓ JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની સ્વતંત્ર તપાસ અને ભરતી પ્રક્રિયામાં સુધારાની માંગ કરી રહ્યા હતા. ત્યારે સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘આપણા દેશના વિદ્યાર્થીઓને આ રીતે પરેશાન થતા જોઈને દુઃખ થાય છે. આ ક્યારે અટકશે?’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

