સ્ક્રિપ્ટ્સ ચોરીના આઘાત વેઠ્યા, શૂટિંગ પહેલાં જ ફિલ્મો અટકી:'ઉરી' હુમલાએ આદિત્ય ધરની જિંદગી બદલી નાખી, ડિસ્લેક્સિયાને હરાવીને બોલિવૂડનો 'ધુરંધર' બન્યો

Last Updated: March 20, 2026By

ડિસ્લેક્સિયા જેવી ગંભીર બીમારી, ભણતરમાં નબળો અને વારંવાર તૂટતા સપના છતાં આદિત્ય ધરે હાર ન માની. મુંબઈ આવીને તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો. ક્યારેક સ્ક્રિપ્ટ ચોરાઈ ગઈ, તો ક્યારેક ફિલ્મો શૂટિંગના બરાબર પહેલા બંધ થઈ ગઈ. ઘણી વાર લાગ્યું કે, હવે સફર પૂરો થઈ ગયો છે, પરંતુ તેણે દર વખતે પોતાને સંભાળ્યો અને વધુ એક પ્રયાસ કર્યો. તેની મહેનત રંગ લાવી જ્યારે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ રિલીઝ થઈ અને બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે તેને રાતોરાત ઓળખ અપાવી. આ પછી તેણે મોટા પાયે કામ શરૂ કર્યું અને પોતાને એક મજબૂત ફિલ્મમેકર તરીકે સ્થાપિત કર્યા. તાજેતરમાં આવેલી ‘ધુરંધર’એ તેના કરિયરને નવી ઊંચાઈ આપી છે, જેને તેની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આજની સક્સેસ સ્ટોરીમાં ચાલો જાણીએ આદિત્ય ધરના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો… માતાની કળાએ બનાવ્યો સ્ટોરીટેલર આદિત્ય ધરે કહ્યું, મારી માતા દિલ્હી યુનિવર્સિટીના મ્યુઝિક અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન હતાં અને એક ક્લાસિકલ મ્યુઝિશિયન પણ હતાં. અમારા ઘરમાં હંમેશા કળા, સંગીત અને થિયેટરનું વાતાવરણ રહ્યુ. મોટા-મોટા કલાકારો ઘરે આવતા હતા, અમે નાટકો જોવા જતા હતા, અને ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું રોજિંદા જીવનનો એક ભાગ હતો. આ જ વાતાવરણે મને વાર્તાઓને અનુભવતા શીખવ્યું. હું ભલે ભણવામાં નબળો હતો, પણ કળાને સમજવામાં અને તેની સાથે જોડાવામાં હંમેશા આગળ રહ્યો. આ જ કારણ છે કે મને હંમેશા લાગતું રહ્યું કે, મારું સાચું સ્થાન અહીં જ છે. વાર્તા કહેવામાં, પાત્રોને જીવંત કરવામાં અને એક ભાવનાત્મક જોડાણ બનાવવામાં. મુંબઈ આવવાની સફર અને ડિસ્લેક્સિયા સામેની લડાઈ 5 સપ્ટેમ્બર 2006ના રોજ હું મુંબઈ આવ્યો હતો. પાછળ વળીને જોઉં છું તો લાગે છે કે મારું અહીં સુધી પહોંચવું કોઈ ચમત્કારથી ઓછું નથી. હું ગંભીર રીતે ડિસ્લેક્સિક હતો, ભણવામાં ખૂબ જ નબળો. આજે પણ જો મારે કંઈ વાંચવું હોય તો બે-ત્રણ પાના વાંચવામાં આખો દિવસ લાગી જાય છે. (ડિસ્લેક્સિયા એ મગજની એક એવી સ્થિતિ છે, જેમાં બાળકોને અક્ષરો ઓળખવામાં, વાંચવામાં કે લખવામાં મુશ્કેલી પડે છે.) આવા સંજોગોમાં આ ઇન્ડસ્ટ્રીમાં લેખક અને ડિરેક્ટર બનવું લગભગ અશક્ય જેવું હતું. પરંતુ મારામાં વાર્તાઓને સમજવાની અને અનુભવવાની એક અલગ જ ક્ષમતા હતી. મેં હંમેશા પોતાને ખામી નહીં, પરંતુ એક અલગ દૃષ્ટિકોણ તરીકે જોયો. કદાચ આ જ કારણ હતું કે, હું લખવા અને વાર્તા કહેવા તરફ ખેંચાતો ગયો, ભલે પરંપરાગત અભ્યાસમાં હું પાછળ રહી ગયો. ગીતકાર તરીકે શરૂઆત કરી બહુ ઓછા લોકો જાણે છે કે મેં મારા કરિયરની શરૂઆત ગીતો લખવાથી કરી હતી. ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’ માટે મેં ગીત લખ્યું હતું, જે મારા કરિયરની પહેલી મોટી તક હતી. આ ઉપરાંત, મેં ‘બૂંદ’ નામની એક શોર્ટ ફિલ્મ માટે સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ લખ્યા હતા, જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ મારા માટે ખૂબ જ આત્મવિશ્વાસ આપનારો અનુભવ હતો. તે સમયે હું ફક્ત શીખી રહ્યો હતો. ડિરેક્શન, રાઇટિંગ, આસિસ્ટિંગ, બધું જ એકસાથે. મારા માટે દરેક પ્રોજેક્ટ એક શાળા હતો, જ્યાં હું પોતાને વધુ સારો બનાવી રહ્યો હતો. ‘આક્રોશ’થી શરૂઆત અને ઇન્ડસ્ટ્રીની પહેલી મોટી શીખ મારી શરૂઆતની ઓળખ ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘આક્રોશ’થી બની. જ્યાં મેં ડાયલોગ લખ્યા અને સાથે જ ડિરેક્શન અને કાસ્ટિંગમાં પણ મદદ કરી. હું હંમેશા માનતો હતો કે, જો કોઈ પ્રોજેક્ટમાં જોડાઓ તો પૂરી ઇમાનદારી અને મહેનત સાથે જોડાઓ. એ જ દરમિયાન સ્ક્રીનપ્લે રાઇટર રોબિન દાએ મને એક વાત કહી, જે આજે પણ મારી સાથે છે. આ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકોની ‘પીઠ બોલે છે’, અને જો તારી પીઠ બોલે છે તો બસ પોતાને બદલતો નહીં. આ વાત મારા માટે કોઈ મંત્રથી ઓછી નહોતી. મેં તેને હંમેશા મારા કામમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ હતું કે, હું દરેક નાના-મોટા કામને પૂરી જવાબદારી સાથે કરતો ગયો, ભલે તે ડાયલોગ રાઇટિંગ હોય, આસિસ્ટિંગ હોય કે કાસ્ટિંગમાં મદદ કરવાનું હોય. વારંવાર નિષ્ફળતાઓ અને સ્ક્રિપ્ટ ચોરીનું દુઃખ મારા કરિયરમાં ઘણી વાર એવું બન્યું કે, ફિલ્મ બનવાના છેલ્લા સ્ટેજ પર અટકી ગઈ. ઘણી વાર મારી લખેલી સ્ક્રિપ્ટ્સ મારી પાસેથી ચોરી લેવામાં આવી અને તેના પર જ મોટી-મોટી હિટ ફિલ્મો બની ગઈ. આ ખૂબ જ દર્દનાક અનુભવ હતો. તે સમયે લાગતું હતું કે, હવે બધું પૂરું થઈ ગયું છે. પરંતુ દર વખતે કોઈને કોઈએ મને સંભાળ્યો. ક્યારેક પ્રિયદર્શન, ક્યારેક વિશાલ ભારદ્વાજ, જેમણે મને રોકાઈને પ્રયાસ કરતા રહેવાની સલાહ આપી. ફવાદ-કેટરિનાની ફિલ્મ બનતા-બનતા રહી ગઈ 2016માં હું મારી ફિલ્મ ‘રાત બાકી’ બનાવવાનો હતો. આ ફિલ્મમાં ફવાદ ખાન અને કેટરિના કૈફ હતાં. ફિલ્મને ધર્મા પ્રોડક્શન્સ પ્રોડ્યુસ કરી રહ્યું હતું અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ તેને ફાઇનાન્સ કરી રહ્યું હતું. બધું જ સેટ હતું, અમે શૂટિંગ શરૂ કરવાના હતા, પરંતુ ત્યારે જ ઉરી હુમલો થયો. આ પછી રાજકીય માહોલ બદલાઈ ગયો અને પાકિસ્તાની એક્ટર્સને લઈને વિવાદ શરૂ થઈ ગયો. ધર્મા ઓફિસની બહાર વિરોધ થયો અને આખરે ફિલ્મ અટકી ગઈ. આ મારા માટે વધુ એક મોટો આંચકો હતો, કારણ કે ફરી એકવાર મારી ફિલ્મ બનતા-બનતા અટકી ગઈ. પરિવારનો સાથ અને માતાની આસ્થા મારા પરિવારે હંમેશા મારો સાથ આપ્યો, ખાસ કરીને મારા મોટા ભાઈ અને મારી માતાએ. જ્યારે પણ મારી ફિલ્મ અટકી જતી, ત્યારે હું ભાંગી પડતો, પણ મારી માતા હંમેશા કહેતી હતી- ‘ભગવાન તારી કસોટી કરી રહ્યા છે, જ્યારે આપશે ત્યારે એટલું આપશે કે, તું આખી જીંદગી યાદ રાખીશ.’ મારી માતાએ દરેક મંદિરમાં જઈને મારા માટે પ્રાર્થના કરી. ‘ઉરી’ની શરૂઆત: એક વિચારથી જુસ્સા સુધી ‘રાત બાકી’ અટક્યા પછી જ્યારે ઉરી હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈકની ખબર આવી, ત્યારે મારા મનમાં એક નવી વાર્તા જન્મી. મેં વિચાર્યું કે આના પર ફિલ્મ બનવી જોઈએ. મેં જાતે જ રિસર્ચ શરૂ કર્યું. પત્રકારો, આર્મી ઓફિસર્સ અને ડિફેન્સ એક્સપર્ટ્સને મળ્યો. કોઈ પ્રોડ્યુસર નહોતો, હું મારી બચતમાંથી આ બધું કરી રહ્યો હતો. ડર પણ હતો કે જો આ પણ નહીં બને તો શું થશે, પણ પોતાને સાબિત કરવાનો એક જુસ્સો હતો. 12 દિવસની મહેનત અને ફિલ્મને મળી મંજૂરી 6 મહિનાની રિસર્ચ પછી મેં પોતાને રૂમમાં બંધ કરી દીધો અને 12 દિવસમાં આખી સ્ક્રિપ્ટ લખી દીધી. આ એક પાગલપન જેવો જુસ્સો હતો. સ્ક્રિપ્ટ મારા મેનેજર પાસે ગઈ અને પછી રોની સ્ક્રુવાલા સુધી પહોંચી. તેમણે ફ્લાઇટમાં સ્ક્રિપ્ટ વાંચી અને લેન્ડ થતાં જ કહ્યું- ‘We are doing this film no matter what.’ (ભલે ગમે તે થાય, આપણે આ ફિલ્મ કરી રહ્યા છીએ.) વર્ષોની રાહ થોડા કલાકોમાં પૂરી થઈ ગઈ. આ મારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ‘ઉરી’ની સફળતા અને જીવનનો સૌથી મોટો પાઠ જ્યારે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ રિલીઝ થઈ, ત્યારે તેને જબરદસ્ત પ્રેમ મળ્યો. આ ફિલ્મ માત્ર એક હિટ નહોતી, પરંતુ મારા માટે એક ભાવનાત્મક યાત્રાનો અંત અને નવી શરૂઆત હતી. ભારતીય સેનાથી લઈને સામાન્ય જનતા સુધી, બધાએ તેની પ્રશંસા કરી. મને અહેસાસ થયો કે, ટેલેન્ટ જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે મહેનત, પ્રામાણિકતા, ધૈર્ય અને લોકોના આશીર્વાદ. આજે હું સંપૂર્ણપણે માનું છું કે, જે કંઈ પણ થાય છે, આખરે સારા માટે જ થાય છે. બસ તમારે અંત સુધી ટકી રહેવું પડે છે. ‘ઉરી’ પછી બદલાયેલી ઓળખ અને કરિયરનો નવો દોર આદિત્ય ધર માટે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ની સફળતા માત્ર એક હિટ ફિલ્મ નહોતી, પરંતુ તેના કરિયરનો નિર્ણાયક વળાંક સાબિત થઈ. આ ફિલ્મ પછી તે એક ભરોસાપાત્ર ડિરેક્ટર તરીકે સ્થાપિત થયો. ઇન્ડસ્ટ્રીમાં તેની ઓળખ એક એવા ફિલ્મમેકર તરીકે બની, જે કન્ટેન્ટ અને ઇમોશનને મોટા પાયે રજૂ કરી શકે છે. ‘ઉરી’ની સફળતા પછી તેની પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ, પરંતુ તેણે ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો નહીં. તેણે સમય લઈને આગામી દિશા નક્કી કરી, જેથી તેનું કામ માત્ર બોક્સ ઓફિસ સુધી સીમિત ન રહેતા ગુણવત્તા અને પ્રભાવ માટે પણ યાદ રખાય. નિર્માણ ક્ષેત્રે પગલું અને B62 સ્ટુડિયોઝની શરૂઆત ડિરેક્શનમાં સફળતા પછી, આદિત્ય ધરે નિર્માણની (પ્રોડક્શનની) દુનિયામાં પણ પગ મૂક્યો અને B62 સ્ટુડિયોઝની સ્થાપના કરી. આ બેનર દ્વારા તેનો ઉદ્દેશ્ય નવી અને દમદાર વાર્તાઓને મંચ આપવાનો હતો. એક ફિલ્મમેકર તરીકે તેણે સમજ્યું કે, સારી વાર્તાઓને યોગ્ય સપોર્ટ અને પ્લેટફોર્મ મળવું કેટલું જરૂરી છે. B62 સ્ટુડિયોઝના માધ્યમથી તેણે એવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કર્યું, જે કન્ટેન્ટ-ડ્રિવન હોય અને દર્શકો સાથે ઊંડો સંબંધ બનાવી શકે. આ તેના કરિયરનો એક મહત્વપૂર્ણ વિસ્તાર હતો, જ્યાં તે માત્ર વાર્તા કહેવા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વાર્તાઓને આકાર આપવા અને તેને દર્શકો સુધી પહોંચાડવાની સંપૂર્ણ પ્રક્રિયાનો ભાગ બન્યો. પ્રોડ્યુસર તરીકે: નવી ફિલ્મો અને વિષયો પર ધ્યાન પ્રોડ્યુસર તરીકે આદિત્ય ધરે અલગ-અલગ વિષયો પર કામ કરવાનો પ્રયાસ કર્યો. તેના નામ સાથે ‘આર્ટિકલ 370’ અને ‘બારામુલા’ જેવા પ્રોજેક્ટ્સ જોડાયેલા રહ્યા, જે સામાજિક અને સંવેદનશીલ મુદ્દાઓને સામે લાવવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મો દ્વારા તેણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે, તે માત્ર દેશભક્તિ કે એક્શન જોનર પૂરતો સીમિત નથી, પરંતુ વિવિધ વિષયો પર પણ તેની પકડ છે. એક પ્રોડ્યુસર તરીકે તેની વિચારસરણી સ્પષ્ટ રહી, એવી વાર્તાઓ બનાવવી, જે દર્શકોને વિચારવા મજબૂર કરે અને સાથે મનોરંજન પણ કરે. મોટા પ્રોજેક્ટ્સની યોજના અને ‘ધ ઇમોર્ટલ અશ્વત્થામા’ ‘ઉરી’ પછી આદિત્ય ધરે મોટા પાયાના પ્રોજેક્ટ્સ પર પણ કામ શરૂ કર્યું, જેમાં ‘ધ ઇમોર્ટલ અશ્વત્થામા’ મુખ્ય હતો. આ ફિલ્મમાં વિકી કૌશલને કાસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને એક મોટા વિઝ્યુઅલ સ્પેક્ટેકલ તરીકે પ્લાન કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રોજેક્ટ ઘણા કારણોસર આગળ-પાછળ થતો રહ્યો, પરંતુ તેણે એ ચોક્કસ બતાવ્યું કે આદિત્ય ધર મોટા અને આંતરરાષ્ટ્રીય સ્તરના સિનેમા તરફ આગળ વધવા માંગે છે. આ તેના વિઝનનું વિસ્તરણ હતું, જ્યાં તે ભારતીય વાર્તાઓને વૈશ્વિક સ્તરે લઈ જવાનું વિચારે છે. સાચી સ્ક્રિપ્ટની રાહ અને ક્રિએટિવ સંતુલન ‘ઉરી’ જેવી મોટી સફળતા પછી ઘણીવાર ફિલ્મમેકર્સ ઝડપથી ફિલ્મો બનાવવા લાગે છે, પરંતુ આદિત્ય ધરે આ રસ્તો પસંદ ન કર્યો. તેણે સમય લઈને સ્ક્રિપ્ટ્સ પર કામ કર્યું અને ફક્ત તે જ પ્રોજેક્ટ્સને આગળ વધાર્યા, જેના પર તેને પૂરો ભરોસો હતો. તેના માટે એ જરૂરી હતું કે, આગામી ફિલ્મ પણ એટલી જ પ્રામાણિક અને પ્રભાવશાળી હોય. આ સમયગાળા દરમિયાન, તેણે ઘણા વિચારો પર કામ કર્યું, સંશોધન કર્યું અને તેની વાર્તા કહેવાની શૈલીને વધુ મજબૂત બનાવી. આ તબક્કો તેના માટે સર્જનાત્મક વિકાસનો સમય હતો, જ્યાં તેણે પોતાને વધુ સારા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ટીમ અને કાસ્ટિંગ પ્રત્યે સ્પષ્ટ વિચાર આદિત્ય ધરની ફિલ્મમેકિંગનો એક મહત્વનો ભાગ તેનો કાસ્ટિંગ અભિગમ છે. ‘ઉરી’ દરમિયાન જ તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે સ્ટારડમ કરતાં પરફોર્મન્સને વધુ મહત્વ આપે છે. આગળ પણ તેણે આ જ વિચાર જાળવી રાખ્યો. તેનો પ્રયાસ રહે છે કે, દરેક એક્ટર પોતાના પાત્ર સાથે ન્યાય કરે અને પૂરી પ્રામાણિકતાથી કામ કરે. એક ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે તે ટીમવર્કમાં વિશ્વાસ રાખે છે અને પોતાની સાથે એવા લોકોને જોડે છે, જે વાર્તા પ્રત્યે એટલા જ સમર્પિત હોય જેટલો તે પોતે છે. ઇન્ડસ્ટ્રીમાં મજબૂત પકડ અને કન્ટેન્ટ-ડ્રિવન સિનેમા ‘ઉરી’ પછી આદિત્ય ધરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી. એક એવા ફિલ્મમેકર તરીકે, જે કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે. તેણે એ સાબિત કર્યું કે, જો વાર્તા મજબૂત હોય, તો તે મોટા સ્તરે પણ કામ કરી શકે છે. તેના કામથી એ પણ જોવા મળ્યું કે, દેશભક્તિ અને રિયલ-લાઇફથી પ્રેરિત વાર્તાઓ દર્શકોને ઊંડાણપૂર્વક પ્રભાવિત કરે છે. આ જ કારણસર તેની ફિલ્મો અને પ્રોજેક્ટ્સને લઈને દર્શકોમાં એક અલગ ઉત્સુકતા જળવાઈ રહે છે. આવનારા પ્રોજેક્ટ્સ અને ભવિષ્યની દિશા આદિત્ય ધરનું ધ્યાન ભવિષ્યમાં પણ મોટા અને અર્થપૂર્ણ સિનેમા પર છે. તે એવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માંગે છે, જે માત્ર મનોરંજન જ ન આપે, પરંતુ દર્શકો પર કાયમી અસર છોડે. ભલે તે મોટા બજેટની ફિલ્મો હોય કે કન્ટેન્ટ-ડ્રિવન પ્રોજેક્ટ્સ, તેનો લક્ષ્ય હંમેશા એ જ રહે છે કે, દરેક વાર્તામાં એક સત્ય અને ઊંડાણ હોય. આ રીતે, ‘ઉરી’ પછી આદિત્ય ધરની સફર માત્ર એક સફળ ડિરેક્ટર સુધી સીમિત રહી નથી, પરંતુ તે એક એવા ફિલ્મમેકર તરીકે ઉભરી આવ્યો છે, જે સતત પોતાને નવા અને વધુ સારા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ‘ધુરંધર’: કારકિર્દીની સૌથી મોટી ફિલ્મની શરૂઆત આદિત્ય ધરના કરિયરમાં ‘ધુરંધર’ એક ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક બનીને સામે આવી. ‘ઉરી’ની સફળતા પછી તેની સાથે જે પ્રકારની અપેક્ષાઓ જોડાઈ હતી, ‘ધુરંધર’ તે જ સ્તરથી આગળ વધવાનો પ્રયાસ હતો. આ ફિલ્મને તેણે માત્ર એક પ્રોજેક્ટ તરીકે નહીં, પરંતુ એક મોટા વિઝન તરીકે તૈયાર કરી. વાર્તાના સ્તરે આ ફિલ્મ સ્કેલ, ઇમોશન અને ડ્રામા, ત્રણેયનું મિશ્રણ હતી. આદિત્યએ આ પ્રોજેક્ટ પર ઘણો સમય લગાવ્યો, જેથી તે માત્ર એક કમર્શિયલ ફિલ્મ ન રહી જાય, પરંતુ દર્શકોના દિલમાં પણ પોતાની જગ્યા બનાવી શકે. ‘ધુરંધર’નું મેકિંગ: સ્કેલ, રિસર્ચ અને ડિટેલિંગ ‘ધુરંધર’ની ખાસ વાત તેની મેકિંગ અપ્રોચ રહી. આદિત્ય ધરે ‘ઉરી’ની જેમ જ આ ફિલ્મમાં પણ રિસર્ચ અને ડિટેલિંગ પર ખાસ ધ્યાન આપ્યું, પરંતુ આ વખતે સ્કેલ પણ મોટો હતો. ફિલ્મના દરેક પાસાને, ભલે તે લોકેશન હોય, એક્શન હોય કે ઇમોશનલ સિક્વન્સ, બધાને મોટા સ્તરે ડિઝાઇન કરવામાં આવ્યા. તેનું માનવું રહ્યું છે કે, દર્શકો હવે માત્ર વાર્તા નહીં, પરંતુ એક સંપૂર્ણ અનુભવ જોવા આવે છે. આ જ કારણ હતું કે ‘ધુરંધર’ને ટેકનિકલ અને વિઝ્યુઅલ બંને સ્તરે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાસ્ટિંગ અને પર્ફોર્મન્સ: એ જ જૂનો ભરોસો ‘ધુરંધર’માં પણ આદિત્ય ધરે પોતાની એ જ કાસ્ટિંગ ફિલોસોફી અપનાવી, સ્ટારડમ કરતાં પર્ફોર્મન્સ પર વધુ ભરોસો રાખ્યો. તેનો પ્રયાસ રહ્યો કે, દરેક એક્ટર પોતાના પાત્રને સંપૂર્ણપણે જીવે. ‘ઉરી’ની જેમ અહીં પણ તેણે એવા કલાકારોને પસંદ કર્યા, જેઓ વાર્તા સાથે ન્યાય કરી શકે અને પોતાની પૂરી મહેનત લગાવી દે. આ અભિગમનો ફાયદો એ થયો કે ફિલ્મના પાત્રો વધુ વાસ્તવિક અને કનેક્ટિંગ લાગ્યા. આદિત્યનું માનવું છે કે, જો કાસ્ટિંગ યોગ્ય હોય, તો અડધી ફિલ્મ ત્યાં જ બની જાય છે. ‘ધુરંધર 2’ની રિલીઝ અને ધમાકેદાર શરૂઆત 19 માર્ચે ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને પહેલા જ દિવસે ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એડવાન્સ બુકિંગથી બનેલી હાઈપ હવે ઓપનિંગ ડે પર સ્પષ્ટ દેખાઈ રહી છે. મોટા પાયા, દમદાર એક્શન અને મજબૂત વાર્તા સાથે આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ દેખાઈ રહી છે. ફ્રેન્ચાઇઝીનું વિસ્તરણ અને આગળનો માર્ગ પહેલા ભાગની સફળતા પછી ‘ધુરંધર 2’ એ આ સિરીઝને વધુ મજબૂત કરી છે. આ હવે માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ એક મોટી ફ્રેન્ચાઇઝી બનતી દેખાઈ રહી છે. પ્રારંભિક પ્રતિક્રિયાઓને જોતા કહી શકાય કે, ફિલ્મે અપેક્ષાઓ પર ખરી ઉતરવાની મજબૂત શરૂઆત કરી દીધી છે, અને આગળ ‘ધુરંધર 3’ ની સંભાવના પણ વધી ગઈ છે.