સ્ટેડિયમના વોશરૂમમાં અશ્લીલ વીડિયો ઉતારી સાઉથ એક્ટ્રેસને બ્લેકમેલ કરાઈ:બેંગલુરુમાં સેલિબ્રિટી વિમેન્સ ક્રિકેટ દરમિયાનની ઘટના; વધારે ન્યૂડ વીડિયો માંગીને ધમકી આપી
બેંગલુરુમાં એક કન્નડ ટીવી એક્ટ્રેસનો અજાણ્યા શખ્સોએ વોશરૂમમાં છૂપી રીતે વીડિયો બનાવી લીધો અને ઓનલાઇન વાઇરલ કરવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત 7 ફેબ્રુઆરીના રોજ કોરમંગલા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સેલિબ્રિટી વિમેન્સ ક્રિકેટ દરમિયાન વોશરૂમમાં એક્ટ્રેસનો ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો હોવા અંગે પોલીસે 13 ફેબ્રુઆરીના રોજ FIR નોંધી તપાસ હાથ ધરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસ એક રિયાલિટી શોની સ્પર્ધક પણ રહી ચૂકી છે. ફરિયાદ મુજબ, તે ત્રણ દિવસ સુધી ચાલેલા સેલિબ્રિટી વિમેન્સ ક્રિકેટમાં સામેલ થઈ હતી. 7 ફેબ્રુઆરીના રોજ ઇવેન્ટના બીજા દિવસે, જ્યારે તે સ્ટેડિયમની અંદર બનેલા મહિલાઓના વોશરૂમમાં ગઈ, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેની જાણકારી વગર તેનો વાંધાજનક વીડિયો રેકોર્ડ કરી લીધો. મિત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો મોકલ્યો FIR અનુસાર, આ કથિત વીડિયો એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની મિત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોકલવામાં આવ્યો છે. આરોપ છે કે, મોકલનારને લાગ્યું કે તે એકાઉન્ટ એક્ટ્રેસનું જ છે. FIRમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘વીડિયોનું કન્ટેન્ટ અશ્લીલ છે. વીડિયો અપલોડ કર્યા પછી અજાણ્યા શખ્સોએ વધુ પ્રાઈવેટ વીડિયો મોકલવા અને વીડિયો કોલ કરવાની ધમકી આપી છે. તેણે પૈસાની માંગણી કરી અને મિત્રને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું છે.’ વીડિયો પબ્લિક કરવાની ધમકી એક્ટ્રેસે દાવો કર્યો છે કે, ‘આરોપીઓએ ધમકી આપી હતી કે, જો પૈસા નહીં આપવામાં આવે, તો વીડિયોને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પબ્લિક કરી દેવામાં આવશે.’ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો પોલીસે જણાવ્યું કે, ‘એક્ટ્રેસની ફરિયાદના આધારે IT એક્ટની સંબંધિત કલમો અને સેક્શન 77 (ઘૂરવું), 351 (ગુનાહિત ધમકી) અને 308 (જબરદસ્તી વસૂલી) હેઠળ 13 ફેબ્રુઆરીના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આરોપીને પકડવા માટે આગળની તપાસ ચાલુ છે. ફરિયાદીએ આ કેસ સંબંધિત ફોટો અને વીડિયો પોલીસને પેન ડ્રાઇવમાં સોંપ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

