સ્મૃતિ મંધાનાને રમતી જોવા બેંગ્લોર-MPથી ફેન્સનો વડોદરામાં જમાવડો:સ્ટેડિયમ બહાર એન્ટ્રી માટે લાંબી લાઈન, ક્રિકેટરસિકોમાં ટી-શર્ટ લેવા પડાપડી થઈ હતી

Last Updated: January 19, 2026By

આજરોજ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ જોવા માટે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ખાસ કરીને બેંગલુરુથી મોટી સંખ્યામાં આવેલા રસિકો સ્ટાર બેટ્સવુમન સ્મૃતિ મંધાનાને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે વડોદરા પહોંચી ગયા હતા. સ્ટેડિયમની આસપાસ અને માર્કેટમાં સ્મૃતિ મંધાના અને વિરાટ કોહલીના ટી-શર્ટ્સનું ભારે વેચાણ થઈ રહ્યું હતું, આ દૃશ્યોએ ચાહકોના પ્રેમ અને ઉત્સાહને સ્પષ્ટ દર્શાવ્યો હતો. આજની મેચમાં સ્મૃતિની બેટિંગ જોવા માટે ફેન્સમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. WPLની બાકી 11 મેચો માટે વડોદરા યજમાન
વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆત 9 જાન્યુઆરીથી થઈ હતી. શરૂઆતની 11 મેચ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાકીની 11 મેચ હવે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાશે. જેમાં 3 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 5 ફેબ્રુઆરીએ ફાઇનલ મેચ પણ આમાં સામેલ છે. આ તમામ મેચ રમવા માટે ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ, મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સહિતની ટીમો વડોદરામાં આવી હતી. સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વડોદરામાં યોજાનાર WPLની મેચોને લઈને કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો તહેનાત અને ઉચ્ચ અધિકારીઓ પણ ખડેપગે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ વુમન્સ પ્રીમિયર લીગની મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેના સારા આયોજન બાદ આ વર્ષે ફરી વડોદરાને વુમન્સ પ્રીમિયર લીગની મેચોનું આયોજન કરવાની તક મળી છે. આ વર્ષે ફાઇનલ સહિતની 11 મેચ વડોદરામાં યોજાશે.