'હમ સાથ-સાથ હૈં' ફિલ્મ જેવો છે ખાન પરિવાર':સોહેલની પૂર્વ પત્ની સીમા સજદેહે કહ્યું- મુશ્કેલ સમયમાં સલમાને મને સાથ આપ્યો
ફેશન ડિઝાઇનર, સ્ટાઈલિસ્ટ સીમા સજદેહ અને સોહેલ ખાનના ભલે થોડા વર્ષો પહેલા છૂટાછેડા થઈ ગયા હોય, પરંતુ આજે પણ સીમા ખાન પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. લગભગ બે દાયકા સુધી લગ્નજીવનમાં રહ્યા પછી, પરસ્પર મતભેદોને કારણે બંને અલગ થયા, પરંતુ આ સમગ્ર સમયગાળા દરમિયાન ખાન પરિવારે સીમાને સંપૂર્ણ ટેકો આપ્યો. તાજેતરમાં, સીમા સજદેહ ઉષા કાકડે પ્રોડક્શન્સના પોડકાસ્ટનો ભાગ બની હતી. અહીં તેણે પોતાના મુશ્કેલ સમયને યાદ કર્યો. સાથે જ તેણે જણાવ્યું કે માત્ર સલમાન ખાન જ નહીં, પરંતુ આખો ખાન પરિવાર તેની સાથે મજબૂતીથી ઊભો રહ્યો. જ્યારે પોડકાસ્ટની હોસ્ટે સીમાને પૂછ્યું કે- શું છૂટાછેડા દરમિયાન સલમાને તેને સપોર્ટ કર્યો હતો? તેના જવાબમાં સીમાએ કહ્યું- “સલમાને મને કહ્યું હતું કે, તમે લોકો સાથે રહો કે અલગ થઈ જાઓ, પરંતુ તમે હંમેશા આ બાળકોની માતા રહેશો. આ વાત મારા દિલમાં વસી ગઈ.” સીમા આગળ જણાવે છે કે- પરિવારનો સપોર્ટ માત્ર શબ્દો પૂરતો સીમિત નહોતો. તેમણે કહ્યું- “જ્યારે સોહેલ અને મારી વચ્ચે ઝઘડા થતા હતા, ત્યારે પણ ઘણીવાર પરિવાર મારા પક્ષમાં ઊભો રહેતો હતો. આજે પણ તેઓ બાળકોની જવાબદારીમાં મને મદદ કરે છે. યોહાન હવે ટીનેજર છે અને જો ક્યારેય મને તેને લઈને મદદ જોઈતી હોય, તો હું ખચકાટ વિના સોહેલની બહેન કે ભાઈ પાસે જઈ શકું છું.” છૂટાછેડા પછી સોહેલ સાથેના પોતાના સંબંધો પર વાત કરતા સીમાએ સ્વીકાર્યું કે શરૂઆતનો સમય ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ હતો. સીમા કહે છે- “એક સમય એવો હતો જ્યારે અમે બંને એકબીજાથી નારાજ હતા. પરંતુ મેં મારા જીવનના 25 વર્ષ તેની સાથે વિતાવ્યા છે. અમારા બાળકો છે. તે હંમેશા પિતા રહેશે અને હું માતા. આ જ સંબંધ અમને આખી જીંદગી જોડે છે.” ખાન પરિવારમાં પોતાની જગ્યાને લઈને સીમાએ ખૂબ જ ભાવુક અંદાજમાં કહ્યું- “જ્યારે મેં આ પરિવારમાં લગ્ન કર્યા હતા, ત્યારે ખરેખર લાગ્યું હતું કે હું હમ સાથ-સાથ હૈંના સેટ પર આવી ગઈ છું. આ લોકો હંમેશા સાથે રહે છે. મને ક્યારેય બહારની વ્યક્તિ જેવું અનુભવાયું નથી. તાજેતરમાં મારી મુલાકાત સોહેલની માતા સાથે થઈ, જેમને હું આજે પણ સાસુ જ કહું છું. તેણે મને કહ્યું કે ઘરે આવતી રહેજે, તારી રાહ જોવાય છે.” સીમાએ છૂટાછેડા પછી સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને પબ્લિક જજમેન્ટ પર પણ ખુલીને વાત કરી. તેમણે કહ્યું- “બોલિવૂડમાં ટકી રહેવા માટે ખૂબ જ નિર્લજ્જ અને જાડી ચામડીવાળા હોવું જોઈએ. મને સૌથી વધુ તકલીફ ત્યારે થઈ જ્યારે લોકોએ મને ગોલ્ડ ડિગર કહી. કહેવામાં આવ્યું કે હું પૈસા લઈને ચાલી ગઈ. આ ખૂબ જ પીડાદાયક હતું.” સીમા સજદેહે વર્ષ 1998માં માત્ર 22 વર્ષની ઉંમરે સોહેલ ખાન સાથે લગ્ન કર્યા હતા. પહેલા બંનેના આર્ય સમાજ રીતિથી લગ્ન થયા, પછી નિકાહ થયા. લગભગ 25 વર્ષના લગ્નજીવન પછી બંને 2022માં અલગ થઈ ગયા. વર્ષ 2024માં ‘ફેબ્યુલસ લાઈવ્સ વર્સિસ બોલિવૂડ વાઈવ્સ’માં સીમાએ જણાવ્યું હતું કે છૂટાછેડા પછી તે આગળ વધી ચૂકી છે અને બિઝનેસમેન વિક્રમ આહુજાને ડેટ કરી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

