હરમનપ્રીત 200 T-20 રમનાર પ્રથમ ક્રિકેટર:શ્રી ચરણીએ ડબલ વિકેટ મેડન ઓવર ફેંકી; સાઉથ આફ્રિકાનો વર્લ્ડકપમાં હાઈએસ્ટ રનચેઝ

Last Updated: June 23, 2026By

સાઉથ આફ્રિકાએ વિમેન્સ T-20 વર્લ્ડ કપમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. સાઉથ આફ્રિકાએ 159 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. આ T-20 વર્લ્ડ કપનો ત્રીજો અને સાઉથ આફ્રિકાનો સૌથી મોટો રનચેઝ રહ્યો. રવિવારે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર 200 T-20 રમનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની. કેપ્ટન તરીકે આ તેમની 200મી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી. વાંચો INDW vs SAW મેચના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. હરમન 200 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હરમનપ્રીતે 200મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તે મેન્સ અને વિમેન્સમાં આવું કરનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ 184 મેચો સાથે બીજા નંબર પર છે. મેન્સમાં આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (163 મેચ) પ્રથમ અને રોહિત શર્મા (159 મેચ) બીજા સ્થાને છે. 2. હરમનના કેપ્ટન તરીકે 200 મેચ પૂરા હરમન કેપ્ટન તરીકે 200મી આંતરરાષ્ટ્રીય મેચ પણ રમ્યા. તેઓ આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતની પ્રથમ અને વિશ્વની બીજી ખેલાડી બની ગયા. ઇંગ્લેન્ડના ચાર્લોટ એડવર્ડ્સ 220 મેચ સાથે પ્રથમ સ્થાને છે. 3. વિમેન્સ ટી-20 વર્લ્ડ કપનો ત્રીજો સૌથી મોટો ટોટલ ચેઝ સાઉથ આફ્રિકાએ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપનો ત્રીજો સૌથી મોટો રનચેઝ કર્યો છે. આ તેનો ટુર્નામેન્ટમાં સૌથી મોટો રનચેઝ પણ છે. પ્રથમ સ્થાને ઇંગ્લેન્ડ છે. ટીમે 2009માં ઓસ્ટ્રેલિયા સામે 163 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. 4. શ્રી ચરણીએ પૂનમ યાદવના રેકોર્ડની બરાબરી કરી શ્રી ચરણીએ ભારત માટે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાના પૂનમ યાદવના રેકોર્ડની બરાબરી કરી. ચરણીએ આફ્રિકા સામે 3 વિકેટ ઝડપી. તે આ ટુર્નામેન્ટમાં 10 વિકેટ મેળવી ચૂકી છે. પૂનમે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2020માં આટલી જ વિકેટ ઝડપી હતી. 5. ભારતે પાવરપ્લેમાં 59 રન બનાવ્યા ભારતે આ મેચમાં પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 59 રન બનાવ્યા. આ વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. આ જ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે ભારતે વિકેટ ગુમાવ્યા વિના 59 રન બનાવ્યા હતા. 6. શેફાલી વર્માએ મેચમાં ઓપનિંગ બેટિંગ-બોલિંગ કરી શેફાલી વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની એક જ મેચમાં ભારત માટે ઓપનિંગ બેટિંગ અને બોલિંગ કરનારી ચોથી ખેલાડી બની ગઈ. આ મામલે ભારતની અમિતા શર્મા પહેલા સ્થાને છે. તેણે 8 વાર આવું કર્યું છે. અહીંથી ટોપ-3 મોમેન્ટ્સ… 1. શબનીમ ઇસ્માઇલના હાથમાં ઈજા થઈ ભારતીય ઇનિંગ્સની 15મી ઓવરમાં આફ્રિકી પેસર શબનીમ ઇસ્માઇલ ઇજાગ્રસ્ત થઈ ગઈ. ઓવરના છેલ્લા બોલ પર રિચા ઘોષે સીધો શોટ માર્યો. ઇસ્માઇલે ફોલોથ્રુમાં બોલ રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ. બોલ વાગતા જ તેમની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. તેને મેદાનની બહાર લઈ જવામાં આવી. 2. શ્રી ચરણીએ ડબલ વિકેટ મેડન ઓવર ફેંકી ચરણીએ છઠ્ઠા ઓવરમાં રન આપ્યા વિના 2 વિકેટ લીધી. તેણે ઓવરની બીજી બોલ પર સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ (20)નો કેચ પકડ્યો. પછી ચોથી બોલ પર અનેરી ડર્કસેન (0)ને બોલ્ડ કરી દીધી. 3. કેપનો 9 રન પર કેચ છૂટ્યો આફ્રિકી ઇનિંગ્સની 10મી ઓવરમાં મેરિઝાન કેપ આઉટ થતા માંડ માંડ બચી. પ્રેમા રાવતે ઓવરનો બીજો બોલ ફુલ ડિલિવરી નાખ્યો. કેપે સ્વીપ શોટ રમ્યો. બોલ, બેટની ટોપ-એજ લઈને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ હવામાં ગયો. ત્યાં બાઉન્ડ્રી પર ઉભેલી નંદનીએ પોતાની જમણી બાજુ દોડતા એક હાથે કેચ પકડવાનો પ્રયાસ કર્યો. બોલ તેના હાથને અડીને બાઉન્ડ્રી બહાર પડી ગયો. કેપને 6 રન મળ્યા.