હવે અમેરિકાથી LPG લઈને કાર્ગો જહાજ મેંગલુરુ પહોંચ્યું:7 દિવસમાં ગેસ લઈને ચાર જહાજ ભારત આવ્યા; કેન્દ્ર બોલ્યું- ફારસની ખાડીમાં તમામ 22 જહાજ સુરક્ષિત

Last Updated: March 22, 2026By

અમેરિકાના ટેક્સાસથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને એક કાર્ગો શિપ મેંગલુરુના ન્યૂ મેંગલોર પોર્ટ પર પહોંચી ગયું છે. છેલ્લા 7 દિવસમાં લગભગ ચાર જહાજ ગેસ-ક્રૂડ ઓઇલ લઈને દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા છે. આ પહેલા 18 માર્ચે ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર, જગ લાડકી ગુજરાતમાં અદાણી પોર્ટ્સ પર આવ્યું હતું. જ્યારે અન્ય બે LPG કેરિયર MT શિવાલિક અને MT નંદા દેવી લગભગ 92,712 મેટ્રિક ટન ગેસ લઈને 16 અને 17 માર્ચે ભારત આવ્યા હતા. જોકે આ ત્રણેય જહાજ હોર્મુઝના માર્ગેથી પસાર થયા હતા. પર્શિયન ગલ્ફમાં હજુ પણ લગભગ 22 ભારતીય જહાજ ફસાયેલા છે. જોકે તે બધા સુરક્ષિત છે. પર્શિયન ગલ્ફમાં આવેલી હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના મહત્વના શિપિંગ રૂટ્સમાં સામેલ છે. અહીંથી દુનિયાભરની લગભગ 20% ઓઇલની સપ્લાય થાય છે. છેલ્લા 3 જહાજ ક્યારે-ક્યારે ભારત પહોંચ્યા… 18 માર્ચ: જગ લાડકી ટેન્કર 81 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને આવ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઇલ ટેન્કર ‘જગ લાડકી’ ગુજરાતના મુંદ્રા પોર્ટ (અદાણી પોર્ટ્સ) પર આવ્યું હતું. આ ટેન્કરમાં આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ હતું. આ તેલ UAE થી આવ્યું હતું, જેને ફુજૈરાહ પોર્ટ પર લોડ કરવામાં આવ્યું હતું. 17 માર્ચ: નંદા દેવી જહાજ 46 હજાર મેટ્રિક ટન LPG લઈને ભારત પહોંચ્યું શિપિંગ મંત્રાલય અનુસાર, નંદા દેવી નામનું જહાજ પણ લગભગ 46 હજાર ટન LPG લઈને ભારત આવ્યું હતું. આ જહાજ ગુજરાતના વડીનાર (જામનગર) બંદરગાહ પર પહોંચ્યું હતું. 16 માર્ચ: શિવાલિક જહાજ 46 હજાર મેટ્રિક ટન LPG લઈને ગુજરાત આવ્યું હતું યુદ્ધની વચ્ચે LPG કેરિયર જહાજ શિવાલિક કતારથી ગેસ લઈને ભારત પહોંચ્યું. આ જહાજ ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું. શિવાલિક જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG લદાયેલું છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવાઈ રહ્યું છે. આ જહાજ 14 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ ભારત પહોંચનારું પહેલું LPG જહાજ હતું. LPG સંકટ- રાજ્યોને 23 માર્ચથી 20% વધુ ગેસ મળશે કેન્દ્રએ દેશમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે રાજ્યોને LPG સપ્લાય વધારવાનો નિર્દેશ આપ્યો છે. 23 માર્ચથી રાજ્યોને હવે પહેલા કરતા 20% વધુ ગેસ આપવામાં આવશે. આ પછી રાજ્યોને મળતી કુલ સપ્લાય સંકટ પહેલાના સ્તર (પ્રી-ક્રાઈસિસ લેવલ)ના 50% સુધી પહોંચી જશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું કે સામુદાયિક રસોડા, રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવે. સાથે જ પ્રવાસી મજૂરોને પ્રાથમિકતાના ધોરણે 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમજ, ગેસની કાળાબજારી કે ખોટા ઉપયોગને રોકવા માટે પગલાં લેવા પણ કહેવામાં આવ્યું છે. જહાજનું ભારત આવવું શા માટે મોટી વાત છે, યુદ્ધથી હોર્મુઝનો રસ્તો બંધ અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઇરાન પર સંયુક્ત હુમલો કર્યો, જેમાં ઘણા સૈન્ય અને પરમાણુ ઠેકાણાં નિશાન બન્યા. આ ઓપરેશનમાં સુપ્રીમ લીડર અલી ખામેની સહિત ઘણા અધિકારીઓ માર્યા ગયા. અમેરિકાએ તેને ઓપરેશન એપિક ફ્યુરી નામ આપ્યું. આ યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અને પુરવઠો ખોરવાયો. અહીંથી ભારતનો 80-85% LPG આયાત થાય છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો LPG આયાતકાર છે અને 60% થી વધુ LPG બહારથી આવે છે. આના કારણે ભારતમાં LPG ની અછત જેવી સ્થિતિ સર્જાઈ પરંતુ ભારત સરકારે લોકોને અફવાઓથી બચવા સતત અપીલ કરી. સરકારે કહ્યું કે દેશમાં LPG અને તેલની કોઈ કમી નથી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લગભગ 167 કિમી લાંબો જળમાર્ગ છે, જે ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. ઈરાન યુદ્ધના કારણે આ રૂટ હવે સુરક્ષિત રહ્યો નથી. ખતરાને જોતા કોઈ પણ તેલ ટેન્કર ત્યાંથી પસાર થઈ રહ્યા નથી. દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% હિસ્સો અહીંથી પસાર થાય છે. સાઉદી અરબ, ઇરાક અને કુવૈત જેવા દેશો પણ તેમના નિકાસ માટે આના પર નિર્ભર છે.