હવે દર શનિવારે બેંકો બંધ રહેશે?:5 ડે વર્કિંગ પર નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ, PIBએ તેને ફેક ગણાવ્યો
દેશભરના બેંક કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે પાંચ દિવસીય બેંકિંગ સપ્તાહને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. સપ્ટેમ્બર 2026ના અંતમાં પ્રસ્તાવિત ત્રણ દિવસીય બેંક હડતાળ સ્થગિત થયા બાદ આ મુદ્દે ફરી એકવાર મોટું અપડેટ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હોવાનો દાવો કરતો એક પરિપત્ર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે SBI સહિત તમામ સરકારી બેંકો માટે દર શનિવારે રજા જાહેર કરી દીધી છે. PIBFactCheckએ સોશિયલ મીડિયા પર વાઇરલ આ પરિપત્રને ફેક ગણાવ્યો છે. આ પહેલાં બેંકોમાં 5 દિવસ કામકાજની માગને લઈને ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે. બેંક હડતાળથી શું અસર થઈ હોત, કેમ ટાળવામાં આવી; 6 સવાલ-જવાબથી સમજો… સવાલ: બેંક હડતાળ કેમ થવાની હતી? જવાબ: બેંક યુનિયનો 5-ડે વર્કિંગ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી બેંક ખોલવાની અને શનિવાર-રવિવાર રજાની માંગ કરી રહી હતી. આ સિવાય PLI સ્કીમ અને કેટલાક અન્ય બાકી મુદ્દાઓ પર પણ વિવાદ હતો. સવાલ: બેઠક કોની વચ્ચે થઈ, કોણે હડતાળ ટાળી? જવાબ: ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે બેઠક થઈ. સવાલ: બેઠક કરનારા કોણ હતા, IBA અને UFBU શું છે? જવાબ: IBA બેંકોનું પ્રતિનિધિ સંગઠન છે. આ બેંક વ્યવસ્થાપન તરફથી કર્મચારીઓની યુનિયનો સાથે પગાર, રજા અને સેવા શરતો જેવા મુદ્દાઓ પર વાતચીત કરે છે. UFBU બેંક કર્મચારીઓ અને અધિકારીઓની કેટલીક યુનિયનોનું સંયુક્ત મંચ છે. આ કર્મચારીઓની માંગણીઓને બેંક વ્યવસ્થાપન સામે રાખે છે. સવાલ: શું બેઠકમાં સરકાર પણ સામેલ હતી? જવાબ: UFBU સરક્યુલર મુજબ, સરકાર બેઠકમાં સીધી સામેલ ન હતી. જોકે PLI માં ફેરફાર માટે IBA સરકાર સામે પ્રસ્તાવ મુકશે. સવાલ: હડતાળની બેંક ગ્રાહકો પર શું અસર થઈ હોત? જવાબ: હાલમાં પ્રસ્તાવિત હડતાળ ટળવાથી બેંક શાખાઓના સામાન્ય કામકાજ પર હડતાળના કારણે પડનારી અસર નહીં થાય. 3 દિવસની હડતાળથી બેંક શાખાઓમાં કેશ જમા-ઉપાડ, ચેક સંબંધિત કામ, ડ્રાફ્ટ અને અન્ય બ્રાન્ચ સેવાઓ પ્રભાવિત થઈ શકતી હતી. સવાલ: શું 5-ડે વર્કિંગ લાગુ થઈ ગયું છે? જવાબ: ના. અત્યારે માત્ર આ મુદ્દા પર કમિટી બનાવીને ઉકેલ શોધવા પર સહમતિ બની છે. શનિવારોની રજા લાગુ કરવાનો અંતિમ નિર્ણય હજુ સુધી થયો નથી. હડતાળમાં 90% કર્મચારીઓ જોડાવાના હતા હડતાળમાં દેશની 7 મોટી બેંક યુનિયનો સામેલ થવાની હતી, જેમાં લગભગ 90%થી વધુ બેંક કર્મચારીઓ જોડાયેલા છે. તેમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOCનો સમાવેશ થાય છે. બેંકોમાં 5-ડે વર્કિંગ અંગે સરકારનો ઇનકાર બેંક કર્મચારીઓની હડતાળના ઠીક પહેલાં મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ક્યારેય પણ બેંકો માટે 5-ડે વર્કિંગનું વચન આપ્યું નહોતું અને પગાર સુધારણા અંગેની વાતચીત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા થઈ નહોતી. નાણાં મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે આ માંગ કર્મચારી યુનિયનો તરફથી એકતરફી રીતે ઉઠાવવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે તેના પર કોઈ સહમતી બની નહોતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


