'હસે ત્યારે લાવણ્ય, ન હસે ત્યારે જ્વાળા':પ્રિયંકા ચોપરાનો 'વારાણસી'નો ફર્સ્ટ લુક રિવીલ; 'દેશી ગર્લ'ના 44માં જન્મદિવસે મેકર્સની ચાહકોને ભેટ

Last Updated: July 18, 2026By

બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા આજે તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. ત્યારે ‘વારાણસી’ના મેકર્સે એક્ટ્રેસના ચાહકોને સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે. ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ ફિલ્મમાંથી પ્રિયંકાનો ફર્સ્ટ લુક રિવીલ કર્યો છે. જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ વખાણી રહ્યા છે. પ્રિયંકા ચોપરા ‘બાહુબલી’ ફેમ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’થી મોટા પડદે કમબેક કરી રહી છે. ‘વારાણસી’ના મેકર્સે રિવીર કરેલા 2 ફોટોમાં પ્રિયંકાના બે જૂદા જૂદા અવતારો જોવા મળી રહ્યા છે. જ્વાળા જેવો ખતરનાક, નીડર અને સાહસિક અવતાર પ્રિયંકા ચોપરાના એક લુકમાં તેની આંખોમાં અનોખો પાવર અને આક્રોશ દેખાઈ રહ્યા છે. તેના ચહેરા પર આત્મવિશ્વાસ, પડકાર અને વિજયી ભાવ જોવા મળે છે. તેણે ડાર્ક બ્રાઉન રંગનો ગોથિક અને મોર્ડન વોરિયર સ્ટાઇલનો વોરિયર આઉટફિટ પહેર્યો છે, જેમાં એક કોર્સેટ ડિઝાઈન અને ટ્રાન્સપરન્ટ સ્લીવ્ઝ છે. આ સાથે જ તેણે કાનમાં એમેરલ્ડ (લીલા) કલરની ઇયરિંગ્સ પહેરેલી છે. તેણે મેસી બન હેરસ્ટાઇલ કરેલી છે. તેની કેટલીક લટો તેના ચહેરા પર એ રીતે લપેટાઈ રહી છે, જાણે આગમાંથી જ્વાળાઓ નીકળી રહી હોય. લુકને વધુ ઇન્ટેન્સ બનાવવા આંખોમાં ડાર્ક આંજણ અને સ્મોકી આઈશેડોનો ઉપયોગ કરાયો છે. જે તેના એક્સપ્રેશનમાં વધુ ડ્રામા ક્રિએટ કરે છે. સાથે જ બેકગ્રાઉન્ડમાં વારાણસીના ઘાટ જેવું વાતાવરણ, ગોલ્ડન અને ઓરેન્જ લાઇટ્સ દેખાઈ રહી છે. આ વોર્મ લાઇટ્સ તેના ચહેરા પર પડતા ડ્રામેટિક શેડોઝને વધુ રહસ્યમય અને ભવ્ય બનાવી રહ્યા છે. પ્રકૃતિના ખોળે ઉન્મુક્ત આનંદ માણતી યુવતી પ્રિયંકાના ફિયર્સી લુક બાદ તેનો એક બીજો ફોટો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેનો તદ્દન અલગ અંદાજ દેખાઈ રહ્યો છે. ફોટોમાં પ્રિયંકા હૃદયથી સ્મિત કરતી અને હવામાં કૂદકો મારીને પોતાની ખુશી અને આઝાદી વ્યક્ત કરી રહી છે. તે બંને હાથ ફેલાવીને હવામાં ઉછળતી જોવા મળી રહી છે. આ ફોટોમાં તેણે ઓલિવ ગ્રીન રંગનું સાઇડ પોકેટ્સવાળું કાર્ગો પેન્ટ, વ્હાઇટ ટેન્ક ટોપ અને બેજ રંગનો શર્ટ કે જેકેટ રહેર્યા છે. સાથે જ તેણે હાઇકિંગ શૂઝ પહેરેલા છે. તેણે વાળમાં અંબોડો વાળેલો છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં ધુમ્મસથી ઘેરાયેલા સુંદર પર્વતોની હારમાળા અને જીરાફ તથા ઝિબ્રા દેખાઈ રહ્યા છે. ‘દરેક ક્ષિતિજને આંબતી સફર તરફ’ ફોટોને શેર કરતા એસએસ રાજામૌલીએ લખ્યું, ‘જ્યારે તે સ્મિત કરે છે, ત્યારે લાવણ્ય, જ્યારે તે નથી કરતી ત્યારે આગ. મંદાકિની’ જ્યારે ‘વારાણસી’ ફિલ્મના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘નવા સાહસો તરફ… નવી શોધો તરફ… અને દરેક ક્ષિતિજને આંબતી સફર તરફ!’ 7 વર્ષ બાદ મોટા પડદે વાપસી નોંધનીય છે કે, પ્રિયંકા છેલ્લે 2019માં આવેલી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’માં મોટા પડદા પર જોવા મળી હતી. તેની છેલ્લી ભારતીય ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ 2021માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ભારતીય દર્શકો પ્રિયંકાને મોટા પડદા પર જોવા માટે 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. હવે ‘વારાણસી’ સાથે પ્રિયંકા ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. કોઇમોઇ (એન્ટરટેઇનમેન્ટ) વેબસાઇટના એક રિપોર્ટ મુજબ, પ્રિયંકાએ આ ફિલ્મ માટે ₹30 કરોડની ફી માંગી છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે સાઉથ સ્ટાર મહેશબાબુ અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આવતા વર્ષે એટલે કે 7 એપ્રિલ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. ‘બેક ટુ ધ ફ્યુચર જેવી નથી’ પ્રિયંકા ચોપરાએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ હોલીવુડની ‘બેક ટુ ધ ફ્યુચર’ જેવી નથી. ફિલ્મની વાર્તા પ્રાચીન ઇતિહાસથી લઈને ભવિષ્ય સુધી ફેલાયેલી છે. અમે 7200 ઈસા પૂર્વથી લઈને વર્ષ 2027 સુધીના સમયમાં ટ્રાવેલ કરી રહ્યા છીએ. દર્શકો તે અલગ-અલગ દુનિયાઓ અને સમયગાળાને જોશે જેમાં પાત્રો રહે છે.’

Leave A Comment