હાર્દિકના કમબેક પર ગુજરાતે ચોખ્ખી ના પાડી!:શુભમન હા પાડી ચૂક્યો હતો પણ પંડ્યાએ કેપ્ટનશીપ માંગતા ફ્રેન્ચાઇઝીએ દરવાજા બંધ કર્યા; એક શરતે ટ્રાન્સફરની રમત બગાડી

Last Updated: August 12, 2026By

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના IPLના ભવિષ્યને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિકે ગુજરાત ટાઇટન્સમાં કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત ફ્રેન્ચાઇઝી પણ તેને ફરીથી ટીમમાં સામેલ કરવા તૈયાર હતી, પરંતુ હાર્દિકની કેપ્ટનશીપની શરત પર વાત અટકી ગઈ. કેપ્ટનશીપની ઇચ્છા થતાં જ GTએ સ્પષ્ટ ના પાડી GTનો પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા જ ઇચ્છતો હતો કે જો તે ગુજરાત ટાઇટન્સમાં પરત ફરે તો તેને ટીમની કેપ્ટનશીપ ફરીથી સોંપવામાં આવે. ફ્રેન્ચાઇઝીએ આ શરત માનવાનો ઇનકાર કરી દીધો. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, ગુજરાત હાર્દિકના કમબેક માટે તૈયાર હતું અને આ અંગે હાલના કેપ્ટન શુભમન ગિલ સાથે પણ વાત કરવામાં આવી હતી. ગિલે પણ હાર્દિકના ટીમમાં પરત ફરવા પર સંમતિ દર્શાવી હતી, પરંતુ કેપ્ટનશીપનો મુદ્દો સામે આવતા જ ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ગુજરાત ટાઇટન્સના એક પ્રતિનિધિએ આ મામલે કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, હાર્દિકના પ્રવક્તાએ જણાવ્યું કે તેમણે ટ્રાન્સફર કે ટ્રેડને લઈને કોઈ ફ્રેન્ચાઇઝી સાથે સીધી વાતચીત કરી નથી. તેમના જણાવ્યા મુજબ, જો હાર્દિકને લઈને કોઈ સંપર્ક કર્યો હોય તો તે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી મારફતે થયો છે. MIમાં પ્રદર્શનને લઈને સતત સવાલો ઉઠ્યા હાર્દિકના ગુજરાત પરત ફરવાની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સમાં તેની સ્થિતિ પર પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા છે. 2026ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે 14માંથી 10 મેચ ગુમાવી અને ટીમ નવમા સ્થાને રહી. આ સાથે જ મુંબઈની IPL ટ્રોફીની રાહ 6 વર્ષ સુધી પહોંચી ગઈ. ખરાબ પ્રદર્શન બાદ મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટમાં હાર્દિકની કેપ્ટનશીપને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ટીમમાં તેની ભૂમિકા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી સીઝન ખરાબ રહી સીઝનની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ મુંબઈના કોચિંગ સ્ટાફે સિનિયર ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોચિંગ સ્ટાફે ખેલાડીઓને કહ્યું હતું કે તેમણે કોચના સૂચનો મુજબ કામ કરવા અને ડેટાના આધારે આપવામાં આવેલા નિર્દેશો માનવા માટે તૈયાર રહેવું પડશે. ઘણી વાર કોચિંગ સ્ટાફની સલાહ હોવા છતાં ખેલાડીઓએ તેનો અમલ કર્યો ન હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝનમાં બીજી એક ચિંતાની વાત એ રહી કે તેનો કોઈ પણ ખેલાડી ઓરેન્જ કેપ કે પર્પલ કેપની રેસમાં નહોતો. ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટર રિયાન રિકલ્ટન રન બનાવનારાઓની યાદીમાં 17મા સ્થાને રહ્યો, જ્યારે લેગ સ્પિનર અલ્લાહ ગઝનફર સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં 14મા નંબરે રહ્યો. આ વર્ષે હાર્દિકનું IPL પરફોર્મન્સ ગ્રાફિકમાં જુઓ… કેવો રહ્યો છે હાર્દિક અને મુંબઈનો સંબંધ? હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સના સંબંધો પહેલા પણ ઘણા ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. 2022માં મુંબઈમાંથી રિલીઝ થયા બાદ હાર્દિક ગુજરાત ટાઇટન્સમાં ગયો હતો. તેણે પોતાની પહેલી જ સીઝનમાં કેપ્ટન તરીકે ગુજરાતને IPL ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી 2024માં હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો અને તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. હાર્દિકની કેપ્ટનશીપમાં મુંબઈ માટે 2024ની સીઝન ખરાબ રહી અને ટીમ છેલ્લા સ્થાને રહી. તે દરમિયાન હાર્દિકને મુંબઈના ફેન્સના હૂટિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. 2025માં ટીમ આપેલા પ્રદર્શનમાં સુધારો થયો તો લાગ્યું કે હાર્દિક અને ફેન્સ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે, પરંતુ 2026ની ખરાબ સીઝને એક વાર ફરી તેની કેપ્ટનશીપ પર સવાલો ઊભા કરી દીધા. હવે ગુજરાત ટાઇટન્સમાં કમબેકનો પ્રયાસ અને કેપ્ટનશીપની શરત સામે આવ્યા બાદ હાર્દિકના IPL ભવિષ્યને લઈને ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. હાલમાં તો ગુજરાતે તેને કેપ્ટનશીપ આપવાનો ઇનકાર કરી દીધો છે.