'હું થોડો નર્વસ છું…':પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ અરિજિત સિંહનો લાઇવ કોન્સર્ટ, સિંગરને સ્ટેજ પર જોઈ ફેન્સ પાગલ થયા

Last Updated: February 9, 2026By

પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાતના થોડા જ દિવસો પછી સિંગર અરિજિત સિંહે રવિવારે કોલકાતામાં લાઇવ પરફોર્મન્સ આપ્યું. તેણે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા લાઇવ કોન્સર્ટમાં સિતારવાદક અનુષ્કા શંકર સાથે પરફોર્મ કર્યું. કોન્સર્ટમાં પર્કશનિસ્ટ બિક્રમ ઘોષ પણ મંચ પર હાજર હતા. આને અરિજિતની પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાત પછી પ્રથમ પબ્લિક પરફોર્મન્સ માનવામાં આવી રહ્યું છે. કોન્સર્ટ દરમિયાન અરિજિતે બંગાળી ક્લાસિક ‘માયા ભોરા રાતી’ ગાયું, જેને મૂળ રૂપે લક્ષ્મી શંકરે અવાજ આપ્યો હતો અને પંડિત રવિ શંકરે કમ્પોઝ કર્યું હતું. અનુષ્કા શંકરે જ્યારે તેમને મંચ પર ઇન્ટ્રોડ્યુસ કર્યા, ત્યારે અરિજિત ભાવુક થઈ ગયા અને કહ્યું કે તે ખૂબ જ નર્વસ છે. સાથે જ તેણે તેને બોલાવવા બદલ આભાર માન્યો.
ત્યારબાદ અરિજિત અને અનુષ્કાએ ‘ટ્રેસિસ ઓફ યુ’નું ડ્યુએટ પરફોર્મ કર્યું. આ ગીત અનુષ્કા શંકર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને મૂળ રૂપે નોરા જોન્સે ગાયું હતું. 27 જાન્યુઆરીના રોજ અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ હવે કોઈ નવો પ્લેબેક સિંગિંગ અસાઇનમેન્ટ નહીં લે. સિંગરે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું હતું, નમસ્તે, આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આટલા વર્ષોથી શ્રોતાઓ તરીકે મને જે આટલો પ્રેમ આપ્યો છે, તે બદલ આપ સૌનો આભાર. મને એ જણાવતા ખુશી થાય છે કે હવેથી હું એક પ્લેબેક સિંગર તરીકે કોઈ નવું કામ નહીં લઉં. હું તેને અહીં જ સમાપ્ત કરી રહ્યો છું. આ એક શાનદાર સફર રહી.
અરિજિત સિંહના કરિયર પર એક નજર 25 એપ્રિલ 1987ના રોજ અરિજિત સિંહનો જન્મ પશ્ચિમ બંગાળના જીયા ગંજમાં થયો હતો. તેની માતા શાસ્ત્રીય ગાયિકા અને માસી તબલા વાદક હતા. બાળપણથી જ તેમને ગાયકીમાં રસ હતો. શાસ્ત્રીય સંગીત શીખ્યા પછી, અરિજિત સિંહે 18 વર્ષની ઉંમરે વર્ષ 2005 માં સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં ભાગ લીધો હતો. તેઓ આ શો જીતી શક્યા ન હતા, જોકે તેમની પરફોર્મન્સથી પ્રભાવિત થઈને સંજય લીલા ભણસાલીએ તેમને ફિલ્મ ‘સાવરિયા’નું ગીત ‘યૂં શબનમી’ ઓફર કર્યું હતું. અરિજીતે આ ગીત ગાયું હતું, જોકે કેટલાક ફેરફારોને કારણે તે ગીતમાંથી ગાયકને બદલી દેવામાં આવ્યો હતો. આગળ તેણે બેકગ્રાઉન્ડ સિંગર તરીકે કામ કર્યું. ‘ગોલમાલ 3’, ‘ક્રૂક’, ‘એક્શન રિપ્લે’ જેવી ફિલ્મોમાં મ્યુઝિક કોલેબોરેશન પછી અરિજીત સિંહે ‘મર્ડર 2’ના ગીત ‘ફિર મોહબ્બત કરને ચલા હૈ’ થી પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કર્યું. આ ગીતની લોકપ્રિયતા પછી તેમને એજન્ટ વિનોદનું ગીત ‘રાબતા’ મળ્યું. આ ગીત પણ હિટ રહ્યું અને અરિજીતે સમય જતાં શ્રેષ્ઠ ગીતો આપીને સ્ટારડમ હાંસલ કર્યું. અરિજિત સિંહે પોતાની મ્યુઝિકલ કારકિર્દીમાં 532 હિન્દી, 144 બંગાળી અને 25 તેલુગુ સહિત અનેક ભાષાઓમાં લગભગ 700થી વધુ ગીતો ગાયા છે. તેઓ 2 નેશનલ એવોર્ડ, 8 ફિલ્મફેર સહિત કુલ 122 એવોર્ડ જીતી ચૂક્યા છે. અરિજિત સિંહને પહેલો નેશનલ એવોર્ડ વર્ષ 2018માં ‘પદ્માવત’ ફિલ્મના ગીત બિનતે દિલ માટે અને બીજો નેશનલ એવોર્ડ 2022માં ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના ગીત ‘કેસરિયા’ માટે મળ્યો છે. વર્ષ 2015માં અરિજિત સિંહને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.