3 વર્ષની લડાઈ, 127 કટ્સ છતાં કેમ બેન થઈ 'સતલજ'?:CBFCથી લઈને OTTમાંથી દૂર કરવા સુધીનો આખો વિવાદ, 5 કારણોથી સમજો ઇનસાઇડ સ્ટોરી

Last Updated: July 9, 2026By

એક્ટર અને સિંગર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચર્ચા અને વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ લાંબી કાનૂની લડાઈ બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ તો થઈ, પરંતુ ગણતરીના કલાકોમાં જ તેને હટાવી દેવામાં આવી છે. બીજી તરફ, પ્રતિબંધ હોવા છતાં આ ફિલ્મ ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર લીક થતાં નવો વિવાદ સર્જાયો છે. શું છે ફિલ્મ ‘સતલજ’ની કહાની અને વિવાદ? ફિલ્મ ‘સતલજ’નું અગાઉનું નામ ‘પંજાબ 95’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત એક બાયોપિક ડ્રામા છે. 80 અને 90ના દાયકામાં પંજાબમાં ઉગ્રવાદના ગાળા દરમિયાન હજારો અજ્ઞાત મૃતદેહોના કથિત ગેરકાનૂની અંતિમ સંસ્કારના મામલાનો જસવંત સિંહે પર્દાફાશ કર્યો હતો. વર્ષ 1995માં તેમનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. આ વિષય રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી સેન્સોર્સ બોર્ડ (CBFC) સાથે મેકર્સની 3 વર્ષ સુધી લડાઈ ચાલી હતી. CBFC દ્વારા ફિલ્મમાં 127 કટ લગાવવા અને જસવંત સિંહ ખાલરાનું નામ બદલવા સુધીની માંગ કરવામાં આવી હતી. OTT પર રિલીઝના 48 કલાકમાં જ કેમ હટાવાઈ? આ ફિલ્મ 3 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ કરવામાં આવી હતી. જોકે, રિલીઝના માત્ર 48 કલાકની અંદર, એટલે કે 5 જુલાઈના રોજ તેને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી. ZEE5 પ્લેટફોર્મે આ અંગે કોઈ ચોક્કસ કાનૂની કારણ આપ્યા વિના માત્ર ‘વર્તમાન પરિસ્થિતિઓ’નો હવાલો આપ્યો છે. કંપનીએ જણાવ્યું કે, “વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને ‘સતલજ’ ફિલ્મ આગામી સૂચના સુધી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં.” જોકે, પ્લેટફોર્મે ઉમેર્યું કે તેઓ ફિલ્મ અને તેના મેકર્સની સાથે છે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા ફિલ્મને ટૂંક સમયમાં પરત લાવવા પ્રયત્નશીલ છે. ફિલ્મ વિવાદિત બનવાના મુખ્ય 5 કારણો: અત્યાર સુધી ફિલ્મની સફરને ચાર મુદ્દામાં જાણો 1. મોટાભાગનું શૂટિંગ પંજાબમાં થયું 2022 માં ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી. ફિલ્મનું શરૂઆતનું નામ ‘ઘલ્લુઘારા’ રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ ‘નરસંહાર’ થાય છે. ફિલ્મનું શૂટિંગ પંજાબના વિવિધ ભાગોમાં, ખાસ કરીને અમૃતસરમાં પૂર્ણ થયું. અભિનેતા દિલજીતે જસવંત સિંહ ખાલડાની ભૂમિકા ભજવવા માટે પોતાના લુક અને શારીરિક બનાવટમાં ફેરફાર કર્યો. 2. મંજૂરી મળતા પહેલાં નામ બદલવાનો સુઝાવ વર્ષ 2023માં ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસે મંજૂરી માટે મોકલવામાં આવી, ત્યારે બોર્ડે ફિલ્મના શીર્ષક પર વાંધો ઉઠાવ્યો અને ઘણા ફેરફારો તથા કટ્સ સૂચવ્યા. ત્યારબાદ ફિલ્મનું નામ બદલીને ‘પંજાબ 95’ રાખવામાં આવ્યું. 3. ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ પ્રશંસા થઈ વર્ષ 2023માં ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું, જ્યાં તેની વાર્તા અને દિલજીત દોસાંઝના અભિનયને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી. 4. 127 કટ લગાવવાનું કહેવામાં આવ્યું મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBFC એ ફિલ્મમાં 127 કટ્સ અને ઘણા ફેરફારો સૂચવ્યા. આમાં કેટલાક ઐતિહાસિક સંદર્ભો, સ્થળો અને પાત્રોના નામોમાં ફેરફારની માંગ પણ સામેલ હતી. જોકે, CBFC એ જાહેરમાં આ તમામ પ્રસ્તાવિત ફેરફારોનું વિગતવાર સત્તાવાર વિવરણ જાહેર કર્યું નથી. ભારતમાં સેન્સરની મંજૂરી ન મળવાને કારણે ફિલ્મ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નહીં. ત્યારબાદ 7 ફેબ્રુઆરી 2025 ના રોજ તેને પસંદગીના દેશોમાં રિલીઝ કરવામાં આવી. ‘સતલજ’ની કન્ટેન્ટની ચકાસણી દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલજ’ની કન્ટેન્ટની તપાસ કરવા માટે એક આંતર-વિભાગીય સમિતિ (IDC)ની રચના કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ સોમવારે આ સમિતિની રચના કરી. ‘સતલજ’ની વાર્તા પંજાબના માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરા ગુમ થવા પર આધારિત છે. આ બાબતથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે IT એક્ટની કલમ 69A અને IT નિયમો, 2021 ના ​​ભાગ-3 હેઠળ આ આદેશ જારી કર્યો છે. IT કાયદાની કલમ 69A શું છે? IT કાયદાની કલમ 69A કેન્દ્ર સરકારને જાહેર વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા જેવા આધારો પર ઓનલાઈન સામગ્રીને બ્લોક કરવા અથવા દૂર કરવા માટે નિર્દેશો જારી કરવાની સત્તા આપે છે. IT નિયમો, 2021 નો ભાગ-3, OTT પ્લેટફોર્મ અને ડિજિટલ સમાચાર પ્રકાશકોને આ દાયરામાં લાવે છે. આ નિયમો હેઠળ, MIB આવા પ્લેટફોર્મને જરૂરી નિર્દેશો જારી કરી શકે છે. MIBના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે IDC હવે આ બાબતની તપાસ કરશે. IT નિયમોના નિયમ 14 હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. તે કન્ટેન્ટ સંબંધિત ફરિયાદો અંગે કેન્દ્ર સરકારને ભલામણો આપવા માટે અધિકૃત છે. ભારત વિરોધી તાકાતો દ્વારા દુરુપયોગ થવાની આશંકા કેન્દ્ર સરકાર સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, ફિલ્મના કેટલાક ભાગોનો ભારત વિરોધી તાકાતો દ્વારા દુરુપયોગ થવાની આશંકા છે. સૂત્રો અનુસાર, ચિંતા છે કે ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સામગ્રીનો ઉપયોગ ખાલિસ્તાન સમર્થક આંદોલનની તરફેણમાં વાતાવરણ બનાવવા માટે થઈ શકે છે, ખાસ કરીને પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા આવું થઈ શકે છે. સરકારનું માનવું છે કે “આવા કિસ્સાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સર્વોપરી હોય છે. આ રાજકારણનો વિષય નથી.” સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે ફિલ્મ ફિલ્મ OTT પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યા બાદ દિલજીત દોસાંઝે કહ્યું, ‘મને કોઈ ચિંતા નથી. મને લાગતું હતું કે ફિલ્મ પહેલાથી જ હટાવી દેવામાં આવશે. ઘણા લોકોએ આ ફિલ્મને પહેલાથી જ ડાઉનલોડ કરી લીધી છે. શક્ય હોય તેટલું, ફિલ્મને શેર કરો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડો.’ દિલજીતનું આ નિવેદન સામે આવ્યા બાદ ઘણા ચાહકો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ફિલ્મ અપલોડ કરી રહ્યા છે. ઝી 5 એ પાઇરેસી રોકવા અપીલ કરી દિલજીતનું નિવેદન સામે આવ્યા બાદ ઝી 5 એ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘અમને આશા છે અને અમે તેના માટે બધું જ કરી રહ્યા છીએ. કૃપા કરીને પાઇરેસીને સપોર્ટ ન કરો. અમે સતલજ ફિલ્મને પાછી લાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યા છીએ.’ પ્રતિબંધ છતાં ટેલિગ્રામ પર લીક એક તરફ ભારતમાં ફિલ્મ સત્તાવાર રીતે જોવા પર રોક લગાવી દેવાઈ છે, ત્યારે બીજી તરફ કૉપિરાઇટ કાયદાના લીરેલીરા ઉડાડીને આ આખી ફિલ્મ ટેલિગ્રામ પર લીક થઈ ગઈ છે. ટેલિગ્રામ પર અલગ-અલગ બોટ્સ અને ચેનલો દ્વારા 480p, 720p અને 1080p જેવી હાઈ-ક્વોલિટીમાં ફિલ્મ ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવી રહી છે. પાયરેસી કરનારાઓ જૂની ચેનલ બંધ થાય તો તરત જ નવી બેકઅપ ચેનલ બનાવીને આ આખું નેટવર્ક ચલાવી રહ્યા છે અને તેમાંથી જાહેરાતો દ્વારા મોટી કમાણી પણ કરી રહ્યા છે. ટેલિગ્રામ પર વધી રહેલી પાયરેસીને કારણે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને નોટિસ પાઠવી છે અને આવા ગ્રુપો તેમજ બોટ્સ સામે કડક પગલાં લેવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

Leave A Comment