Instagram આ પ્રાઈવસી ફિચર કરી રહ્યું છે બંધ, શું યુઝર્સની પ્રાઈવસી મુકાશે જોખમમાં?

Last Updated: March 14, 2026By

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ ફીચર 8 મે 2026 પછી બંધ કરી દેવામાં આવશે. એટલે કે 8 મે પછી ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ (DM)માં આ પ્રાઈવસી સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

કંપનીએ પોતાના સત્તાવાર હેલ્પ પેજ પર આપી જાણકારી

કંપનીએ આ માહિતી પોતાના સત્તાવાર હેલ્પ પેજ પર આપી છે. ત્યાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે 8 મે 2026 પછી ઇન્સ્ટાગ્રામ પર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગને સપોર્ટ આપવામાં આવશે નહીં. કંપનીના જણાવ્યા મુજબ જો કોઈ યુઝરની ચેટ હાલમાં આ ફીચર હેઠળ ચાલી રહી હશે તો તેમને પહેલાથી જ નોટિફિકેશન મોકલવામાં આવશે. સાથે જ યુઝર્સને તેમની ચેટનો ડેટા ડાઉનલોડ કરવાની પણ સુવિધા આપવામાં આવશે, જેથી તેઓ પોતાની મહત્વપૂર્ણ માહિતી સાચવી શકે.

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શું છે અને કેમ મહત્વનું છે?

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક એવી અદ્યતન સુરક્ષા ટેક્નોલોજી છે જેમાં મેસેજ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ ત્રીજો વ્યક્તિ તેને વાંચી શકતો નથી. અહીં સુધી કે પ્લેટફોર્મ ચલાવતી કંપની પણ તે મેસેજને સીધા જોઈ શકતી નથી. આ ટેક્નોલોજીમાં જ્યારે કોઈ યુઝર મેસેજ મોકલે છે ત્યારે તે મેસેજ એક ખાસ કોડમાં બદલાઈ જાય છે. પછી તે કોડ માત્ર મેસેજ મેળવનારના ડિવાઈસ પર જ ડિક્રિપ્ટ થાય છે અને ફરીથી સામાન્ય ટેક્સ્ટ તરીકે દેખાય છે.

સામાન્ય રીતે આ સુવિધા યુઝર્સની પ્રાઈવસી અને ડેટા સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ ફીચર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ છે કે આગળ ચાલીને તેમની પ્રાઈવસી પર તેનો શું પ્રભાવ પડશે.

આ પણ વાંચો : Ladakh Violence: સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી કરી રદ, ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય