Local Body Elections 2026 : રાજકોટમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે લોહાણા સમાજ ભાજપ સામે લાલઘૂમ, શનિવારે મહાસંમેલન

Last Updated: April 17, 2026By

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં મોટું પ્રભુત્વ ધરાવતા લોહાણા સમાજમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી ટિકિટ ફાળવણીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોહાણા સમાજની પત્રિકા અને આમંત્રક કાર્ડ વાયરલ થતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.

શું છે નારાજગીનું મુખ્ય કારણ?

વાયરલ થયેલી પત્રિકામાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપે લોહાણા સમાજ સાથે અન્યાય કર્યો છે. આ વખતે ભાજપ દ્વારા લોહાણા સમાજની ત્રણ મહિલાઓને તો ટિકિટ આપવામાં આવી છે, પરંતુ એક પણ પુરૂષ ઉમેદવારને તક આપવામાં આવી નથી. સમાજનું માનવું છે કે અગ્રણી પુરૂષ કાર્યકરોની અવગણના કરીને ભાજપે જ્ઞાતિ સમીકરણોમાં અન્યાય કર્યો છે.

આવતીકાલે શક્તિ પ્રદર્શન

આ નારાજગીને વાચા આપવા માટે આગામી શનિવારે રાત્રે 8:00 કલાકે લોહાણા સમાજનું એક મોટું સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ બેઠકમાં સમાજના અગ્રણીઓ એકઠા થશે અને ભાજપ સામેની રણનીતિ નક્કી કરશે. ચૂંટણીના ટાણે જ સમાજની આ નારાજગી અને વાયરલ પત્રિકાએ ભાજપના હાઈકમાન્ડની ચિંતામાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે લોહાણા સમાજનો આ રોષ વોટિંગ પર અસર પાડશે.

રઘુવંશી સમાજના ઉમેદવારોની બાદબાકી

રઘુવંશી યુવા શક્તી સંઘના પ્રમુખ કે.ડી રઘુવંશીએ વીડિયોમાં જણાવ્યું હતું કે રાજકોટમાં જે ટિકીટ વહેંચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી છે અને ખાસ કરીને વોર્ડ નંબર 1, 2 ,3માં જે રઘુવંશી સમાજનો ગઢ છે ત્યાં ટિકિટ અપાઇ નથી. આવતીકાલે પ્રદેશ કાર્યાલય ખાતે સ્વામિભાન સંમેલનનું આયોજન છે જેમાં મહાસંમેલનની રણનીતિ ઘડવામાં આવશે. રઘુવંશી સમાજે વર્ષોથી ભાજપના નેતાઓને જીતાડેલા છે અને સમાજ ભાજપની મોટી વોટ બેંક છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : : માયાભાઈ આહીરની દીકરી સામે ચૂંટણી લડતા કોંગ્રેસ ઉમેદવારના પોસ્ટર ફાટ્યા, ભાજપ પર ગંભીર આક્ષેપો

Leave A Comment