Local Body Elections 2026: 'લોકશાહી બચાવો'ના નારા સાથે થરાદ કોંગ્રેસના ધરણાં, ભાજપ પર સરકારી મશીનરીના દુરૂપયોગનો આક્ષેપ

Last Updated: April 17, 2026By

બનાસકાંઠા જિલ્લાના મહત્વના મથક એવા થરાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે થરાદ ખાતે ‘લોકશાહી બચાવો’ કાર્યક્રમ હેઠળ વિશાળ ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં યુવાનો અને મહિલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાનો ગંભીર આક્ષેપ

કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપીને અથવા લાલચ આપીને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયિક તપાસની માગ ઉઠાવી છે.

ભાજપ હારના ડરથી દબાણ કરે છે : કોંગ્રેસ પ્રમુખ

ધરણાં દરમિયાન કોંગ્રેસ પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપને હવે પોતાની હાર સ્પષ્ટ દેખાઈ રહી છે. હારના ડરથી ભાજપ સરકારી મશીનરી અને પોલીસનો દુરૂપયોગ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ ગમે તેટલા પ્રયાસો કરી લે, પરંતુ આ વખતે જનતા જાગૃત છે અને ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરી નાખશે.

ચૂંટણી પહેલા જંગ તેજ બન્યો

થરાદમાં યોજાયેલા આ ધરણાં પ્રદર્શને રાજકીય વાતાવરણને ઉત્તેજિત કરી દીધું છે. કોંગ્રેસના આ આક્રમક તેવરને જોતા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક અને સંઘર્ષમય બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા આ આક્ષેપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ પણ વાંચો – Tharad News: ડોડગામમાં કાળજું ધ્રુજાવી દેતી ઘટના, તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ ભાઈ-બહેનોના કરુણ મોત

Leave A Comment