Local Body Elections 2026 : પહેલા રસ્તો બનાવો પછી વોટ માંગો, લીમખેડાના નવાવડીયામાં ભાજપના ઉમેદવારને ગ્રામજનોએ ઘેર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં નીકળેલા નેતાઓને હવે જનતાના આકરા સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાની દુધીયા જિલ્લા પંચાયત બેઠક પર ચૂંટણી પ્રચાર કરી રહેલા ભાજપના ઉમેદવાર અને નેતાઓને આજે ગ્રામજનોના ઉગ્ર આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. નવાવડીયા ગામે જ્યારે પ્રચાર ટુકડી પહોંચી ત્યારે સ્થાનિકોએ તેમને અટકાવીને વિકાસના કામો મુદ્દે ઉધડો લીધો હતો.
વર્ષો જૂની રસ્તાની સમસ્યા બની મુદ્દો
દુધીયા બેઠકના ભાજપના ઉમેદવાર કેસમબેન ડામોર અને તેમની સાથે આવેલા અન્ય નેતાઓ જ્યારે નવાવડીયા ગામે મત માંગવા પહોંચ્યા, ત્યારે ગ્રામજનોએ તેમને ઘેરી લીધા હતા. ગ્રામજનોનો મુખ્ય રોષ રસ્તાની વર્ષો જૂની સમસ્યાને લઈને હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષોથી રજૂઆતો કરવા છતાં ગામનો રસ્તો બનાવવામાં આવ્યો નથી. કાચા અને બિસ્માર રસ્તાઓને કારણે ચોમાસામાં અને ઇમરજન્સી સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે.
સવાલોના ઝાપટા અને હોબાળો
મત માંગવા આવેલા નેતાઓ સામે ગ્રામજનોએ સવાલોના ઝાપટા વરસાવતા પૂછ્યું હતું કે, “જ્યારે કામ કરવાનું હોય ત્યારે નેતાઓ દેખાતા નથી અને હવે ચૂંટણી આવી ત્યારે રસ્તાની યાદ કેમ આવી?” આ દરમિયાન નેતાઓ અને ગ્રામજનો વચ્ચે ભારે બોલાચાલી થતા પ્રચાર કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી નેતાઓનો વિરોધ ચાલુ રહેશે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

