ભારતીય મહિલા ટીમે 1-4થી T-20 સિરીઝ ગુમાવી:સાઉથ આફ્રિકાએ છેલ્લી મેચ 23 રનથી જીતી; કેપ્ટન વોલ્વાર્ટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Last Updated: April 29, 2026By

ભારતીય મહિલા ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ હાર સાથે સમાપ્ત થયો છે. બેનોનીમાં સિરીઝની પાંચમી અને છેલ્લી T20માં સાઉથ આફ્રિકાએ ભારતને 23 રનથી હરાવ્યું. આ જીત સાથે યજમાન ટીમે સિરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી. ‘ફ્રીડમ ડે’ પર સાઉથ આફ્રિકાની જીતની સ્ટાર કેપ્ટન લૌરા વોલ્વાર્ટ રહી, જેણે અણનમ 92 રન બનાવ્યા. ભારતને 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં 132 રન જ બનાવી શકી. લૌરા વોલ્વાર્ટે એક સિરીઝમાં સૌથી વધુ 330 રન બનાવ્યા સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ માટે આ સિરીઝ ઐતિહાસિક રહી. તેણે 5 મેચમાં 330 રન બનાવ્યા, જે કોઈપણ દ્વિપક્ષીય T20 સિરીઝમાં સૌથી વધુ છે. તેણે ન્યૂઝીલેન્ડની અમેલિયા કેર (276 રન)નો રેકોર્ડ તોડ્યો. વોલ્વાર્ટે ચાર વખત 50+ સ્કોર બનાવ્યા. છેલ્લી મેચમાં તેણે 30 બોલમાં ફિફ્ટી અને 56 બોલમાં 92* રન બનાવીને ટીમને 155 સુધી પહોંચાડી. વોલ્વાર્ટ સિવાય કોઈ ચાલ્યું નહીં એક સમયે સાઉથ આફ્રિકાનો સ્કોર 14 ઓવરમાં 97/3 હતો અને ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી. પરંતુ ભારતીય બોલરોએ છેલ્લી ઓવરોમાં કસીને બોલિંગ કરી. દીપ્તિ શર્મા અને રેણુકા સિંહે 2-2 વિકેટ લઈને મિડલ ઓર્ડરને હચમચાવી દીધો. યજમાન ટીમે 49 રનમાં 6 વિકેટ ગુમાવી. દીપ્તિએ એનેરી ડર્કસન અને એનેકે બોશને આઉટ કર્યા, જ્યારે રેણુકાએ ક્લો ટ્રાયોન અને નાદિન ડી ક્લાર્કની વિકેટ લીધી. ફ્લોપ રહી ભારતીય બેટિંગ: ભારતી ફુલમાલીનો પ્રયાસ નિરર્થક 156 રનના ટાર્ગેટને ચેઝ કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી. સ્મૃતિ મંધાનાને આરામ આપ્યા બાદ શેફાલી વર્મા સાથે અનુષ્કા શર્મા ઓપનિંગ કરવા ઉતરી, પરંતુ ટીમે 38 રનમાં 3 વિકેટ ગુમાવી. શેફાલી (10), જેમિમાહ (7) અને અનુષ્કા (15) જલ્દી આઉટ થઈ ગઈ. ભારતી ફુલમાળીએ 40 રન બનાવીને આશા જગાવી, પરંતુ સાથ ન મળ્યો. રિચા ઘોષ 25 રન બનાવીને અણનમ રહી, પણ ટીમ ટાર્ગેટથી દૂર રહી. વર્લ્ડ કપ પહેલાં ભારતની ચિંતાઓ: પાવરપ્લેમાં વિકેટ ન મળવી મોટી સમસ્યા T20 વર્લ્ડ કપ પહેલાં આ સિરીઝ ભારત માટે ‘વેક-અપ કોલ’ રહી. આખી સિરીઝમાં ભારતીય બોલરો પાવરપ્લેમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ફિલ્ડિંગ પણ ચિંતાનો વિષય રહી, જ્યાં ભારતે 12 કેચ છોડ્યા. જોકે, દીપ્તિ શર્માનું ફોર્મમાં પાછા ફરવું અને અનુષ્કા શર્માનો આત્મવિશ્વાસ સકારાત્મક પાસાં છે. હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની સિરીઝ રમશે, જે વર્લ્ડ કપની તૈયારીનો છેલ્લો પડાવ હશે.

Leave A Comment