iPhone 20 Pro: Apple’s Buttonless, Full-Screen Masterpiece Revealed | Gujarat News

Last Updated: May 7, 2026By

સ્માર્ટફોનની દુનિયામાં એપલ હંમેશા નવા પ્રયોગો માટે જાણીતું છે. આગામી વર્ષ 2027 એ આઇફોન માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ વર્ષે આઇફોન લોન્ચ થયાને ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે એપલના નવા સીઈઓ જોન ટર્નરના નેતૃત્વમાં કંપની ‘આઇફોન 20 સીરીઝ’ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ શ્રેણીમાં પણ ખાસ કરીને ‘આઇફોન 20 પ્રો’ મોડેલ અત્યાર સુધીનો સૌથી અનોખો અને એડવાન્સ ફોન સાબિત થઈ શકે છે.

બટન અને કટઆઉટ વગરનો ફુલ-ડિસ્પ્લે અનુભવ

આઇફોન 20 પ્રોની સૌથી મોટી વિશેષતા તેનો ‘એજ-ટુ-એજ’ ડિસ્પ્લે હશે. અહેવાલો મુજબ, આ ફોનમાં કોઈ પણ પ્રકારનો કટઆઉટ, નોચ કે ડાયનેમિક આઇલેન્ડ નહીં હોય. એપલ તેને સંપૂર્ણપણે ફ્રી-ડિસ્પ્લે આઇફોન તરીકે રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આટલું જ નહીં, આ ફોનમાંથી ફિઝિકલ બટનો (વોલ્યુમ અને પાવર બટન) અને સ્પીકર ગ્રિલ પણ હટાવી લેવામાં આવે તેવી શક્યતા છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો સ્માર્ટફોન ડિઝાઇનમાં આ એક નવા યુગની શરૂઆત હશે.

સેમસંગ દ્વારા વિકસિત અત્યાધુનિક ડિસ્પ્લે

એપલ આ સીરીઝમાં એક નવા પ્રકારના ડિસ્પ્લેનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે, જેને સેમસંગ વિકસાવી રહ્યું છે. આ પેનલ વર્તમાન ડિસ્પ્લે કરતા પાતળી અને વધુ તેજસ્વી હશે. તેની કર્વ્ડ એજ એટલે કે વક્ર ધારને કારણે ફોન પકડવામાં ખૂબ જ સરળ રહેશે અને તેનો દેખાવ એકદમ કુદરતી લાગશે. એપલના આ પગલા બાદ સેમસંગ સહિતની અન્ય કંપનીઓ પણ આ પ્રકારની ટેકનોલોજી અપનાવી શકે છે તેવી અટકળો તેજ બની છે.

પાવરફુલ પ્રોસેસર અને AI ક્રાંતિ

માત્ર લુક્સ જ નહીં, પ્રદર્શનની દ્રષ્ટિએ પણ આઇફોન ૨૦ પ્રો અત્યંત શક્તિશાળી હશે. તેમાં એપલની નવી પેઢીના અદ્યતન ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે, જે બેટરી લાઇફ અને સ્પીડમાં મોટો સુધારો લાવશે. સૌથી મોટો ફેરફાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં જોવા મળશે. એપલે AI ફીચર્સ માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. એપલના વોઈસ આસિસ્ટન્ટ ‘સિરી’ (Siri) ને વધુ સ્માર્ટ બનાવવા માટે ગૂગલના શક્તિશાળી AI મોડેલ ‘જેમિની’નો ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Alert! તમારી પાવર બેંક બની શકે છે ટાઈમ બોમ્બ, ફાટતા પહેલા આપે છે આ 4 સંકેત