Cannes 2026: Gujarati Movie ‘Lalo’ to Screen; Red Carpet Rules & India’s History
- Gujarati News
- Entertainment
- Cannes 2026: Gujarati Movie ‘Lalo’ To Screen; Red Carpet Rules & India’s History | Alia Aishwarya Attend
2 કલાક પેહલા
- કૉપી લિંક
દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન (Cannes) 12 થી 23 મે દરમિયાન ફ્રાન્સમાં યોજાઈ રહ્યો છે. દેશ-દુનિયાની ઘણી મોટી હસ્તીઓ કાનના ભવ્ય રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઇલની છાપ છોડવાનો પ્રયત્ન કરશે, જ્યારે અહીં ઘણી ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ રાખવામાં આવશે.
79માં ફેસ્ટિવલની શરૂઆત સાથે જાણો, આ વર્ષે ભારતથી કયા સેલેબ્સ રેડ કાર્પેટ પર પહોંચશે, કઈ ફિલ્મો અહીં બતાવવામાં આવશે, કાનમાં ભારતની શું સિદ્ધિઓ છે અને શું છે કાનનો ભવ્ય ઇતિહાસ-
આ ભારતીય સેલેબ્સ આ વર્ષે કાનમાં સામેલ થવાની શક્યતા
આ વર્ષે ભારતથી આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, મૌની રોય, અદિતિ રાવ હૈદરી અને એહસાસ ચન્ના કાનના રેડ કાર્પેટ પર પહોંચશે. એક્ટ્રેસ તારા સુતારિયા પણ કાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની છે.

કાન 2026માં ભારતનું પ્રાદેશિક (રિજનલ) સિનેમા છવાશે
- ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’
₹100 કરોડથી વધારેની કમાણી કરીને ગુજરાતી સિનેમામાં ઇતિહાસ રચનારી ફિલ્મ ‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગઈ છે. વાસ્તવમાં ‘લાલો’ ફિલ્મનું પ્રીમિયર ‘કાન માર્કેટ સ્ક્રીનિંગ’માં કરવામાં આવશે. જેના માટે ફિલ્મની પ્રોડ્યુસર અને એક્ટ્રેસ માનસી પારેખ, પ્રોડ્યુસર પાર્થિવ ગોહિલ સાથે કાનમાં સામેલ થશે.

‘લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મનું 14 મે 2026ના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલના માર્કેટ પ્રીમિયરમાં સ્ક્રીનિંગ થશે.
માર્કેટ પ્રીમિયર એ સત્તાવાર સ્પર્ધાથી અલગ હોય છે. તેનો મુખ્ય હેતુ વિશ્વભરના ડિસ્ટ્રીબ્યુટર્સ, સેલ્સ એજન્ટ્સ અને ખરીદદારોને ફિલ્મ બતાવવાનો હોય છે, જેથી તેને અલગ અલગ દેશોમાં રિલીઝ કરી શકાય.
- સેક્સ વર્કર પર બનેલી ભારતીય ફિલ્મનું સ્ક્રીનિંગ થશે
કાન 2026માં ‘અમ્મા અરિયન’ (1986)નું સ્ક્રીનિંગ થશે. આ ઉપરાંત ઇન્ડો-અમેરિકન ફિલ્મ ‘બોમ્બે સ્ટોરીઝ’નું સ્ક્રીનિંગ પણ કાનમાં થશે. આ ફિલ્મ મન્ટોની નવલકથા પર આધારિત છે, જે 1930ના દાયકાના બોમ્બેમાં રહેતી સેક્સ વર્કર્સની વાર્તા દર્શાવે છે. ફિલ્મનું ડિરેક્શન રાહત શાહ કાઝમીએ કર્યું છે. આ ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન મૌની રોય હાજર રહેશે.
- પંજાબી સિનેમા: લોકપ્રિય સિંગર અને એક્ટર એમી વિર્કની ફિલ્મ ‘ચારદિકલા’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ માટે એમી વિર્ક અને તેની કો-સ્ટાર રૂપી ગિલ કાનમાં ડેબ્યૂ કરશે.
- મરાઠી સિનેમા: એક્ટર અશોક સરાફ, નિવેદિતા સરાફ, પ્રાજક્તા માળી અને પ્રોડ્યુસર કેદાર જોષી કાનનો હિસ્સો બનશે.
- મલયાલી સિનેમા: ફિલ્મમેકર ચિદમ્બરમની ફિલ્મ ‘બાલન: ધ બોય’નું સ્ક્રીનિંગ પણ થશે.
પાયલ કપાડિયા જ્યુરી બની, આશુતોષ ગોવારિકર ઓફિશિયલ ડેલિગેટ
‘લગાન’ જેવી ફિલ્મ બનાવનાર આશુતોષ ગોવારિકર આ વર્ષે ભારતના ઓફિશિયલ ડેલિગેટ બનીને કાનનો હિસ્સો બનશે. 2021 અને 2024માં કાનમાં ‘ગ્રાન્ડ પ્રિકસ’ અને ‘ગોલ્ડન આઈ’ એવોર્ડ જીતનાર પાયલ કપાડિયા આ વર્ષે ‘ક્રિટિક્સ વીક’ કેટેગરીની જ્યુરી તરીકે સામેલ થશે.
કાનની જ્યુરી બનનારી પ્રથમ ભારતીય એક્ટ્રેસ ઐશ્વર્યા રાય
મૃણાલ સેન પ્રથમ ભારતીય હતાં, જેમને 1982માં જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આ સિવાય જ્યુરી બનનાર પ્રથમ ભારતીય મહિલા ડિરેક્ટર મીરા નાયર (ન્યૂયોર્કના સૌથી યુવા અને પહેલા ભારતીય મૂળના મેયર બનનારા ઝોહરાન મામદાનીના માતા) હતાં. ઐશ્વર્યા રાય પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે, જેને કાનમાં જ્યુરી બનાવવામાં આવી હતી. હવે આ યાદીમાં દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન અને શર્મિલા ટેગોર પણ સામેલ છે.

સેરેમનીના અંતિમ દિવસે મળશે ‘પામ ડિઓર’
‘પામ ડિઓર’ કાનનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ પુરસ્કાર ફેસ્ટિવલની મુખ્ય સ્પર્ધામાં પસંદ કરાયેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મને આપવામાં આવે છે. આ વર્ષે 12-23 મે સુધી ચાલવાના આ ફેસ્ટિવલમાં 23 મેના રોજ પામ ડિઓર એવોર્ડ આપવામાં આવશે.


કાનના ઇતિહાસમાં ભારતની સિદ્ધિઓ-
80 વર્ષ પહેલાં ભારતને મળ્યો પહેલો પામ ડિઓર, આજે પણ રેકોર્ડ કાયમ
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જનારી પ્રથમ ભારતીય ફિલ્મ ‘નીચા નગર’ હતી. ચેતન આનંદના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ક્યારેય ભારતમાં રિલીઝ થઈ ન હતી. અમીર-ગરીબની જિંદગી દર્શાવતી આ ફિલ્મે ‘પામ ડિઓર’ જીત્યો હતો અને આ એવોર્ડ જીતનારી તે ભારતની એકમાત્ર ફિલ્મ છે.
આ સિવાય ‘દો બીઘા જમીન’, ‘બૂટ પોલિશ’, ‘પાથેર પાંચાલી’, ‘સલામ બોમ્બે’ અને ‘લંચ બોક્સ’ જેવી અંદાજે 21 ફિલ્મોને કાનમાં અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. જ્યારે ભારતને અત્યારસુધીમાં કુલ 38 નોમિનેશન મળી ચૂક્યા છે. નોમિનેશન હાંસલ કરનારી ફિલ્મોમાં રાજ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આવારા’ પણ સામેલ છે.

કાનના શાનદાર ઇતિહાસ પર એક નજર-
હિટલરની સરમુખત્યારશાહી સામે શરૂ થયો ‘કાન’
1938માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તે સમયે જર્મનીના સરમુખત્યાર એડૉલ્ફ હિટલર અને ઈટાલીના સરમુખત્યાર મુસોલિની પોતાના પસંદગીના લોકોને એવોર્ડ આપી દેતા હતા. તેમની સરમુખત્યારશાહીથી કંટાળીને કેટલાક જ્યુરી મેમ્બર્સ એ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલને છોડી દીધો અને એક ફ્રી ફેસ્ટવલ શરૂ કરવાનો નિર્ણય કર્યો, જેનું સ્થળ પેરિસના કાનમાં નક્કી થયું.
ફ્રેન્ચ સરકારે તેના દસ્તાવેજો પર સહી કરીને તેને સત્તાવાર કાન ફિલ્મ ફેસ્ટિવલ જાહેર કરી દીધું. પહેલો ફિલ્મ ફેસ્ટિવલ 1-20 સપ્ટેમ્બર 1939એ આયોજિત થવાનો હતો. એક દિવસ પહેલા ગાલા નાઇટ રાખવામાં આવી, પરંતુ 1 સપ્ટેમ્બરે ફેસ્ટિવલ શરૂ થયો, તો હિટલર દ્વારા પોલેન્ડ પર હુમલો કરવાથી સેરેમનીમાં અફરાતફરી મચી ગઈ અને સેરેમની 10 દિવસ સુધી ટાળવી પડી.

પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલ, જે સપ્ટેમ્બર 1939માં શરૂ થયો હતો, તે બીજા જ દિવસે રોકી દેવો પડ્યો હતો
તેવામાં ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે યુદ્ધનું એલાન થતાં સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી ગઈ. બીજા વિશ્વયુદ્ધથી કાન ફિલ્મ ફેસ્ટિવલ 6 વર્ષો સુધી ટળી ગયો.
બીજા વિશ્વયુદ્ધ પછી 6 વર્ષના લાંબા ઇંતજાર બાદ, પ્રથમ સમારોહ 20 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 1946 દરમિયાન યોજાયો હતો, જેમાં 20 દેશોએ ભાગ લીધો હતો. 1947માં નબળા મેનેજમેન્ટના કારણે માત્ર 16 દેશોએ જ ભાગ લીધો હતો. તે પછીના વર્ષે એટલે કે 1948માં બજેટના અભાવે આ સમારોહ યોજાયો જ નહીં. 1949માં ફરી એકવાર લોકો ઇવેન્ટ મેનેજમેન્ટથી નિરાશ થયા. 1950માં ખર્ચ ન ઉઠાવી શકવાને કારણે ફરીથી ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો ન હતો. 1951થી અત્યાર સુધીમાં માત્ર કોરોના મહામારીને કારણે 2020માં આ સમારોહ રદ કરવામાં આવ્યો હતો.
18 કેરેટ ગોલ્ડથી બનેલો એવોર્ડ, કિંમત અંદાજે 18 લાખ રૂપિયા
1955માં ફેસ્ટિવલ કમિટીએ પામ ડી’ઓર (Palme d’Or) એવોર્ડ લોન્ચ કર્યો હતો, જે આ સમારોહનો સર્વોચ્ચ પુરસ્કાર છે. 1964માં પામ ડી’ઓરને ‘ગ્રાન્ડ પ્રિક્સ’ દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યો હતો, જોકે 1975થી ફરી પામ ડી’ઓર એવોર્ડ આપવાનું શરૂ કરાયું. આ એવોર્ડ સ્વિસ જ્વેલરી ફર્મ ચોપાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને 18 કેરેટ યલો ગોલ્ડ અને એમરાલ્ડ કટ ડાયમંડથી બનાવવામાં આવ્યો છે. આ એક એવોર્ડની કિંમત 27 હજાર ડોલર એટલે કે અંદાજે 18 લાખ રૂપિયા છે.
ડિનરમાં ખર્ચવામાં આવે છે 2.8 કરોડ રૂપિયા
કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન, કાન શહેરની હોટલ બેરિયર લે મેજેસ્ટિક (Hotel Barrière Le Majestic) મહેમાનો માટે ઓપનિંગ અને ક્લોઝિંગ ઇવેન્ટના ભોજનની જવાબદારી સંભાળે છે. માત્ર મહેમાનોના ડિનર માટે જ 3 લાખ 47 હજાર ડોલર એટલે કે અંદાજે 2.8 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
2000 કિલો કરચલા (લોબસ્ટર) માંથી બને છે સ્પેશિયલ ડિનર
વેબસાઇટ બિઝનેસ ઇનસાઇડરના એક રિપોર્ટ અનુસાર, હોટલ ડિનર માટે 770 પાઉન્ડ એટલે કે 340 કિલોગ્રામ ‘ફોએ ગ્રાસ’ (Foie Gras) નામની ડિશ તૈયાર કરે છે, જે બતકના લિવરમાંથી બનતી એક સ્પેશિયલ ફ્રેન્ચ વાનગી છે. આ સિવાય અહીં 110 પાઉન્ડ એટલે કે 49 કિલો ‘કેવિઅર’ બનાવવામાં આવે છે, જે વિશ્વની સૌથી મોંઘી વાનગીઓમાંની એક છે. આ ડિશ પાછળ અંદાજે 1,32,000 ડોલર એટલે કે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ડિનર માટે દર વર્ષે 2000 કિલો કરચલા (લોબસ્ટર) વપરાય છે, જેની કિંમત અંદાજે 39 લાખ રૂપિયા થાય છે.
મહેમાનો પી જાય છે 18,500 બોટલ વાઈન-શેમ્પેઈન
સેલેબ્સ માટે રાખવામાં આવેલા ડિનરમાં વાઈન અને શેમ્પેઈન પણ સર્વ કરવામાં આવે છે. સમગ્ર કાન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે 18,500 બોટલ વાઈન અને શેમ્પેઈન પીરસવામાં આવે છે. વેબસાઈટ ‘ધ હોલીવુડ રિપોર્ટર’ અનુસાર, આ સમારોહમાં મોટાભાગે 1990 શેટો પેટ્રસ (1990 Chateau Petrus) વાઈન પીરસવામાં આવે છે. જેની એક બોટલની કિંમત 9,390 ડોલર છે અને તે વિશ્વની છઠ્ઠી સૌથી મોંઘી વાઈન છે.
હોલીવુડ રિપોર્ટરના જણાવ્યા અનુસાર, ડિનર સિવાય અન્ય પ્રસંગોએ પીણાં (ડ્રિંક્સ), ખાણી-પીણી, લેઝર લાઈટ, ફોટોગ્રાફ્સ અને મ્યુઝિક પાછળ પણ 1,50,000 ડોલર એટલે કે 1 કરોડ 23 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે.
કાન શહેર માત્ર યાટ ભાડે આપીને કમાય છે 3 હજાર કરોડ રૂપિયા
કાન શહેર યાટ પાર્ટીઓ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. ફેસ્ટિવલમાં આવતા વિશ્વભરના અનેક સેલેબ્સ આ દરમિયાન યોજાતી યાટ પાર્ટીઓનો ભાગ બને છે. ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, યાટ પાર્ટીઓ દ્વારા કાન્સ શહેરની વાર્ષિક 3 હજાર કરોડ રૂપિયાની કમાણી થાય છે, જે સેલેબ્સ પોતે ખર્ચ કરે છે.
2 કિલોમીટર લાંબી રેડ કાર્પેટને દિવસમાં 3 વાર બદલવામાં આવે છે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી વધુ ચર્ચા રેડ કાર્પેટ પર આવતા સેલેબ્સની થતી હોય છે. 1989માં પહેલીવાર રેડ કાર્પેટ રાખવામાં આવી હતી, જેના પર ચાલીને અનેક હસ્તીઓ આ ફેસ્ટિવલનો ભાગ બની હતી. મોંઘા ડ્રેસ અને જ્વેલરી પહેરીને સેલેબ્સ આખો દિવસ આ રેડ કાર્પેટ પર વૉક કરે છે, જેની ત્રણેય બાજુ પાપારાઝી (ફોટોગ્રાફર્સ) અને મીડિયાની ભીડ હોય છે. આ રેડ કાર્પેટ 2 કિલોમીટર લાંબી હોય છે અને તેને એકદમ સાફ તથા ચમકતી રાખવા માટે દિવસમાં 3 વાર બદલવામાં આવે છે.
હીલ્સના બદલે ફ્લેટ ચપ્પલ પહેર્યા તો રેડ કાર્પેટ પર એન્ટ્રી બેન
રેડ કાર્પેટના નિયમો અનુસાર, આ સમારોહમાં આવતી મહિલા સેલિબ્રિટીઓ માટે હીલ્સ પહેરવી ફરજિયાત છે. આ નિયમ 2015માં બનાવવામાં આવ્યો હતો. જો કોઈ સેલેબ હીલ્સ વગર ત્યાં પહોંચે, તો તેમને સમારોહમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. 2015માં આવો જ એક કિસ્સો વિવાદોમાં રહ્યો હતો, જ્યારે હીલ્સ ન પહેરવા બદલ કેટલીક મહિલા સેલેબ્સને અંદર જતા અટકાવવામાં આવી હતી. એક્ટ્રેસ ક્રિસ્ટન સ્ટુઅર્ટ અને જુલિયા રોબર્ટ્સે પણ આ નિયમનો વિરોધ કરવા માટે રેડ કાર્પેટ પર પોતાની હીલ્સ ઉતારી દીધી હતી.
હેન્ડબેગ અને સેલ્ફી પર પ્રતિબંધ
રેડ કાર્પેટ માટે કોઈ ચોક્કસ ડ્રેસ કોડ નિર્ધારિત નથી, જોકે અહીં આવતા દરેક સેલેબ માટે ગ્લેમરસ દેખાવું અનિવાર્ય છે. નવાઈની વાત એ છે કે, રેડ કાર્પેટ પર હેન્ડબેગ લઈ જવાની સખત મનાઈ છે. અહીં આવતા સેલેબ્સ ક્લચ કે હાથમાં બીજું કોઈપણ બેગ પકડી શકતા નથી. રેડ કાર્પેટની ‘રૂલ બુક’ માં લખેલું છે કે, ‘કૃપા કરીને તમારી હેન્ડબેગ તમારી હોટલમાં જ મૂકીને આવો.’
રેડ કાર્પેટ પર ફોટો કે સેલ્ફી લેવાની પણ સખત મનાઈ છે. કોઈપણ સેલેબ રેડ કાર્પેટ પર માત્ર અને માત્ર પાપારાઝી (ફોટોગ્રાફર્સ) પાસે જ તસવીરો ક્લિક કરાવી શકે છે.
પાપારાઝી માટે 5-પીસ સૂટ વગર એન્ટ્રી બેન
રેડ કાર્પેટ પર આવતા સેલેબ્સના ફોટો લેવા પહોંચતા પાપારાઝી માટે પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડ્રેસ કોડ છે. પાપારાઝી માત્ર બ્લેક ટક્સીડો સૂટ, ટાઈ/બો અને ફોર્મલ શૂઝ પહેરીને જ આવી શકે છે. જો ડ્રેસ કોડમાં બેદરકારી દાખવવામાં આવે, તો તેમને ત્યાં ફોટો લેતા રોકી દેવામાં આવે છે. જોકે, મહિલા પેપરાઝીને આ ડ્રેસ કોડમાં છૂટછાટ આપવામાં આવી છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો…
- જ્યુરી સભ્યોને ફિલ્મ પસંદગીમાં મુશ્કેલીઓ પડી રહી હતી અને ઓરિજિનલ ફિલ્મો તથા નવા ફિલ્મમેકર્સને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યુ હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને, 1954માં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ કેટેગરીની શરૂઆત કરવામાં આવી હતી.
- 1955માં પામ ડી-ઓર એવોર્ડ (વિજેતાઓને આપવામાં આવતો પુરસ્કાર) રજૂ કરવામાં આવ્યો હતો. આ પહેલા વિજેતાઓને ‘ગ્રાન્ડ પ્રિકસ’થી સન્માનિત કરવામાં આવતા હતા.
- ડોલોરેસ ડી રિયો 1957માં આ સમારોહના જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ મહિલા હતાં.
- 1989માં પહેલીવાર રેડ કાર્પેટ રાખવામાં આવી હતી, જેના પર ચાલીને અનેક હસ્તીઓ આ ફેસ્ટિવલનો ભાગ બની હતી.
- 1951થી અત્યાર સુધીમાં માત્ર 2020માં કોરોના મહામારીના કારણે જ કાન ફિલ્મ ફેસ્ટિવલ રદ કરવામાં આવ્યો હતો.
- 2015માં ફ્લેટ તળિયાવાળા ચપ્પલ પહેરનારા સેલેબ્સ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેની સામે અનેક જાણીતી હસ્તીઓએ અવાજ ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- વિશ્વભરમાં વધતા ‘મીટૂ’ (#MeToo) કેસોને જોતા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલે 2018માં ફેસ્ટિવલ દરમિયાન એક ટેલિફોન હોટલાઇન શરૂ કરી. મીટૂ સંબંધિત કોઈ ફરિયાદ હોય, તો સેલેબ્સ તરત જ આ હોટલાઇનની મદદ લઈ શકે છે.
- જનરલ ડેલિગેટ થિએરી ફ્રેમોક્સે વર્ષ 2015માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
- 1950માં ચેતન આનંદ ઇન્ટરનેશનલ જ્યુરીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય સભ્ય બન્યા હતા.
- 2003માં ઐશ્વર્યા રાય જ્યુરીમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં હતાં.
- 2022માં પહેલીવાર ભારતને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ તરફથી ‘કન્ટ્રી ઓફ ઓનર’નું આમંત્રણ મળ્યું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


