FOGA USA National Gujarati Competition Success in Orlando 2026

Last Updated: June 3, 2026By

અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે ગૌરવની ક્ષણ સર્જતા ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA (FOGA USA) દ્વારા ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં 22 થી 25 મે, 2026 દરમિયાન મેમોરિયલ ડે વીકએન્ડ નિમિત્તે બીજું યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2026 યોજાયું હતું. આ દરમિયાન પ

.

માતૃભાષા પ્રત્યે લગાવ વધે તે માટે સ્પર્ધાનું આયોજન કરાયું ગુજરાતી ભાષાના સંવર્ધન, જતન અને ઉજવણીના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ રાષ્ટ્રીય સ્તરની અનોખી પહેલની પ્રેરણા ગુજરાતી મંડળ ઓફ સેન્ટ્રલ ઓહીયો (GMOCO) દ્વારા સફળતાપૂર્વક યોજાતી ગુજરાતી સ્પર્ધા રહી છે. અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા નવી પેઢીના ગુજરાતી બાળકો અને યુવાનોમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના વિકસે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

50થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સ્પર્ધામાં અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી 50થી વધુ બાળકો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધકોએ ગુજરાતી ભાષાના વાંચન, લેખન અને વક્તૃત્વ ક્ષેત્રે પોતાની નોંધપાત્ર પ્રતિભા રજૂ કરી હતી. વિદેશી પરિસ્થિતિમાં માતૃભાષાનું જતન કરવું પડકારજનક બનતું હોય છે ત્યારે અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા બાળકો આત્મવિશ્વાસપૂર્વક ગુજરાતી ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરે તે સમગ્ર ગુજરાતી સમાજ માટે ગૌરવની બાબત છે.

સ્પર્ધા હેઠળ નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ હતી

– નિબંધ લેખન – વક્તૃત્વ સ્પર્ધા – કવિતા પાઠન

જુદા-જુદા વિષયો પસંદ કરાયા સ્પર્ધા માટે પરિવાર, ગુજરાતના મહાનુભાવો, પ્રવાસન, ગુજરાતી ભોજન, સંસ્કૃતિ અને ભારત જેવા વિષયો પસંદ કરાયા હતા. સ્પર્ધકોએ ગુજરાતી ભાષામાં હૃદયસ્પર્શી નિબંધો લખીને પોતાના વિચારો રજૂ કર્યા. આત્મવિશ્વાસ સાથે વક્તૃત્વ આપ્યું તેમજ કવિતા પાઠન દ્વારા ગુજરાતી સાહિત્ય સાથે પોતાનું જોડાણ વધુ મજબૂત બનાવ્યું. તેમની કૃતિઓમાં ભાષાકૌશલ્ય ઉપરાંત ગુજરાતી સંસ્કૃતિ, ઇતિહાસ, મૂલ્યો, પરંપરાઓ, રીત-રિવાજો અને ભોજન પ્રત્યેનો ઊંડો લગાવ પણ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

આ સ્પર્ધાએ ગુજરાતી ભાષાને અમેરિકાના રાષ્ટ્રીય મંચ પર એક અનોખું સ્થાન અપાવ્યું છે. સ્પર્ધકોની સર્જનાત્મકતા અને અભિવ્યક્તિએ એ સાબિત કર્યું કે ગુજરાતી માત્ર એક ભાષા નથી પરંતુ આપણા વારસા, ઓળખ અને સાંસ્કૃતિક અસ્મિતાને જોડતો જીવંત સેતુ છે.

સંયોજક અને સ્પર્ધકોએ આનંદ વ્યક્ત કર્યો સ્પર્ધાના સંયોજક રૂપમ ચોક્સીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં જન્મેલા અને ઉછરેલા બાળકો તથા યુવાનો ગુજરાતી ભાષામાં વાંચી, લખી અને બોલી શકે છે તેમજ પોતાના વિચારો ગુજરાતી ભાષામાં વ્યક્ત કરી શકે છે, તે અત્યંત આનંદ અને ગૌરવની વાત છે.

સ્પર્ધક કહાની પટેલે જણાવ્યું હતું કે, મારું મંદિર, ખાસ કરીને બાળસભા અને મારો પરિવાર મને ગુજરાતી વાંચવા, લખવા અને બોલવા માટે પ્રેરણા આપે છે. ગુજરાતી ભાષા મને મારા એવા દાદા-દાદી સાથે જોડે છે જેમને અંગ્રેજી આવડતી નથી. આ ભાષા મને અમારા ધાર્મિક ગ્રંથો સાથે પણ જોડે છે. મારી માતા હંમેશાં શીખવે છે કે આપણે દુનિયાના કોઈપણ ખૂણે રહીએ, પરંતુ આપણા મૂળ અને સંસ્કૃતિને ક્યારેય ભૂલવી નહીં.

અન્ય સ્પર્ધક કિયાન લાખાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ગુજરાતી સ્પર્ધામાં ભાગ લેવાનો અનુભવ મારા માટે ખૂબ જ ખાસ રહ્યો. મંચ પર ગુજરાતી ભાષામાં બોલવાથી હું મારી ભાષા અને સંસ્કૃતિ સાથે વધુ નજીકથી જોડાઈ શક્યો. ગુજરાતી શીખવા, બોલવા અને ઉજવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરતી આવી પહેલનો ભાગ બનવાનો મને ગર્વ છે.

સ્પર્ધક માનવ રાવે જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની ઉજવણી કરતા આવા કાર્યક્રમનો ભાગ બનવાની તક મળવી મારા માટે આનંદદાયક અનુભવ રહ્યો.

આયોજકોની અપેક્ષા કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળ્યો પ્રથમ વખત યોજાયેલી આ સ્પર્ધામાં જોવા મળેલી અસાધારણ પ્રતિભા અને ભાગ લેનાર યુવાનોનો ઉત્સાહ આયોજકોની અપેક્ષાઓથી પણ વધુ રહ્યો હતો. સ્પર્ધકો દ્વારા પ્રદર્શિત ભાષાકૌશલ્ય, આત્મવિશ્વાસ અને ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ એ દર્શાવે છે કે અમેરિકામાં પણ માતૃભાષાનું ભવિષ્ય ઉજ્જવળ છે.

FOGA USA એ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, શિક્ષકો, નિર્ણાયકો, સ્વયંસેવકો અને સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

FOGA USA એટલે અમેરિકાની અગ્રણી ગુજરાતી સંસ્થા FOGA USA અમેરિકાના ગુજરાતી સમાજમાં ગુજરાતી ભાષા, સંસ્કૃતિ, વારસા અને એકતાના પ્રોત્સાહન માટે કાર્યરત અગ્રણી સંસ્થા છે. વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક પહેલો દ્વારા FOGA USA પેઢીથી પેઢી વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનું તેમજ ગુજરાતની સમૃદ્ધ પરંપરા અને વારસાને ભાવી પેઢીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

Leave A Comment