RCB Crowned IPL 2026 Champions! Kohlis 675 Runs & Bhuvneshwars 28 Wickets
3 દિવસ પેહલા
- કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPLમાં પોતાની કહાની જ બદલી નાખી છે. જે ટીમને ક્યારેક ‘અન્ડરઅચીવર’ કહેવામાં આવતી હતી, તે જ હવે સતત બીજી વખત ચેમ્પિયન બની ગઈ છે. તેણે રવિવારે રમાયેલી ફાઇનલમાં ગુજરાતને 5 વિકેટથી હરાવીને IPL 2026ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
કેપ્ટન રજત પાટીદાર સતત બે IPL ટ્રોફી જીતનાર ત્રીજો કેપ્ટન બની ગયો છે. તેના પહેલા મહેન્દ્ર સિંહ ધોની (2009, 2010) અને રોહિત શર્મા (2019, 2020) આવું કરી શકાય છે.
RCBની સફળતાનું સૌથી મોટું કારણ એ રહ્યું કે ટીમ કોઈ એક ખેલાડી પર નિર્ભર નહોતી. બેટિંગમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને દેવદત્ત પડિક્કલે રન બનાવ્યા. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ અને જોશ હેઝલવુડે જવાબદારી સંભાળી. ટીમના 8 અલગ-અલગ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા.
RCBના ટાઇટલ જીતવાના 5 મોટા ફેક્ટર્સ…
1. ટોપ ઓર્ડરે મળીને દબાણ ઊભું થવા ન દીધું
બેંગલુરુની બેટિંગ આ સીઝનમાં તેની સૌથી મોટી તાકાત રહી. ઓપનર વિરાટ કોહલીએ ફાઇનલમાં અણનમ 75 રનની ઇનિંગ રમીને ટીમને ચેમ્પિયન બનાવી. તેણે 16 મેચમાં 675 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 165.84 નો રહ્યો અને એક સદી સાથે 5 ફિફટી પણ ફટકારી.
કેપ્ટન રજત પાટીદારે પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરી. તેણે 15 મેચમાં 501 રન બનાવ્યા અને તેનો સ્ટ્રાઈક રેટ 192.69નો રહ્યો. જ્યારે દેવદત્ત પડિક્કલે 464 રન બનાવીને ટોપ ઓર્ડરને વધુ મજબૂત કર્યો.
આ ત્રણેય બેટ્સમેનોએ મળીને 1640 રન બનાવ્યા. બીજી તરફ વેંકટેશ અય્યરે 6 ઇનિંગ્સમાં 209 રન બનાવ્યા, જેમાં ફાઇનલમાં રમેલી 16 બોલમાં 32 રનની ઇનિંગ પણ સામેલ છે. આ જ કારણ રહ્યું કે RCBને આખી સીઝનમાં મિડલ ઓર્ડર પર વધુ દબાણ સહન કરવું પડ્યું નહીં. જ્યારે પણ જરૂર પડી ત્યારે ફિનિશર્સે ઝડપથી રન બનાવીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી.
2. ભુવનેશ્વર-હેઝલવુડે સંભાળી બોલિંગ
RCBની બોલિંગ યુનિટ આ સીઝનમાં ખૂબ જ સંતુલિત નજરે પડી. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 16 મેચમાં 28 વિકેટ લઈને ટીમને લીડ કરી. તે ટીમનો સૌથી સફળ બોલર પણ રહ્યો.
રાસિખ સલામે 12 મેચમાં 19 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા. જ્યારે જોશ હેઝલવુડે માત્ર 13 મેચ રમીને 15 વિકેટ લીધી. જેકબ ડફી પણ 6 મેચમાં 9 વિકેટ ઝડપીને પોતાનું યોગદાન આપ્યું.
સ્પિન ડિપાર્ટમેન્ટમાં કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી. તેણે 226 રન બનાવવાની સાથે 14 વિકેટ પણ લીધી. બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શનના કારણે તે ટૂર્નામેન્ટનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સાબિત થયો. જ્યારે ફાસ્ટ બોલરો વિકેટ નહોતા લઈ શકતા, ત્યારે કૃણાલ અને સુયશ શર્મા (9 વિકેટ) જેવા સ્પિનરો વચ્ચેની ઓવરોમાં રન રોકીને મેચનો આખો રુખ બદલી નાખતા હતા. આ જ બેલેન્સ RCBની બોલિંગને બાકીની ટીમોથી અલગ બનાવતું હતું.
3. અલગ-અલગ 8 મેચ વિનર્સ
કોઈપણ ચેમ્પિયન ટીમની ઓળખ તેના મેચ વિનર્સ હોય છે અને RCB પાસે તેની કોઈ કમી નહોતી.
આ સીઝનમાં ટીમના 8 અલગ-અલગ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ મેચ બન્યા. વિરાટ કોહલીએ સૌથી વધુ 3 વખત આ એવોર્ડ જીત્યો. જોશ હેઝલવુડ 2 વખત અને ટિમ ડેવિડ, જેકબ ડફી, વેંકટેશ અય્યર, ભુવનેશ્વર કુમા, રજત પાટીદાર તેમજ ફિલ સોલ્ટ પણ એક-એક વાર પ્લેયર ઓફ ધ મેચ બન્યા.
એટલે કે ટીમની જીત માત્ર કોહલી કે પાટીદાર પર નિર્ભર નહોતી. અલગ-અલગ મેચોમાં અલગ-અલગ ખેલાડીઓએ જવાબદારી સંભાળી અને ટીમને જીત અપાવી. આ જ કારણ રહ્યું કે જ્યારે કોઈ એક ખેલાડીનો દિવસ ખરાબ રહ્યો, ત્યારે બીજા ખેલાડીએ ટીમને જીતની મંઝિલ સુધી પહોંચાડી દીધી.
4. હોમગ્રાઉન્ડ પર 86% મેચ જીત્યા
RCBએ આ સીઝનમાં પોતાના ઘરેલુ મેદાનને એક કિલ્લો બનાવી દીધો. ટીમે હોમ ગ્રાઉન્ડ પર રમેલી 7 મેચમાંથી 6 મેચ જીતી અને જીતની ટકાવારી 86% રહી. જ્યારે ગત સીઝનમાં ટીમને ઘરઆંગણે રમાયેલી 6 મેચમાંથી 3માં હાર મળી હતી, 2માં જીત મળી હતી અને એક મેચ પરિણામ વિનાની રહી હતી.
બેંગલુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઉપરાંત રાયપુરને પણ પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગમાં લીધું અને બંને જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ વાત એ રહી કે ટીમ આખી સીઝનમાં ક્યારેય સતત બેથી વધુ મેચ હારી નથી.
બેંગલુરુએ પોતાના ઘરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ જેવી મજબૂત ટીમોને હરાવી. હોમ ગ્રાઉન્ડ પર તેને માત્ર દિલ્હી કેપિટલ્સ સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવાની સાથે-સાથે રજત પાટીદારની કેપ્ટનશીપ પણ શાનદાર રહી. તેણે પરિસ્થિતિ અને બેટ્સમેનોની નબળાઈઓ મુજબ બોલરોનો યોગ્ય ઉપયોગ કર્યો. આ જ કારણ રહ્યું કે ટીમ લીગ સ્ટેજમાં સતત જીત નોંધાવતી રહી અને પ્લેઑફમાં મજબૂત સ્થિતિ સાથે પહોંચી.
5. કોહલીએ સતત ચોથી સીઝનમાં 600+ રન બનાવ્યા
વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ RCBની સફળતાના સૌથી મોટા કારણોમાંનું એક રહ્યું. તેણે સતત ચોથી સીઝનમાં 600 થી વધુ રન બનાવ્યા. તેનાથી પણ ખાસ વાત એ રહી કે આખી સીઝન દરમિયાન ટીમનું ઓપનિંગ કોમ્બિનેશન બદલાતું રહ્યું, પરંતુ કોહલીના પ્રદર્શનમાં કોઈ ઘટાડો આવ્યો નહીં.
RCBનો ઓપનર ફિલ સોલ્ટ ઈજાના કારણે માત્ર 6 મેચ જ રમી શક્યો હતો. ત્યારબાદ ટીમે જેકબ બેથેલને તક આપી, પરંતુ તે 7 મેચમાં માત્ર 96 રન જ બનાવી શક્યો. લીગ સ્ટેજના છેલ્લા મુકાબલાઓ અને પ્લેઑફમાં વેંકટેશ અય્યરે કોહલી સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.
સતત બદલાતા ઓપનિંગ પાર્ટનર્સ હોવા છતાં કોહલીએ પોતાની લય જાળવી રાખી. તેણે સીઝનમાં ટીમ માટે સૌથી વધુ 675 રન બનાવ્યા. મોટી મેચોમાં તેણે એક છેડો સંભાળીને ઇનિંગને આગળ વધારી, જ્યારે બીજા બેટ્સમેનો આક્રમક બેટિંગ કરતા રહ્યા.
RCBની આ ખિતાબી જીતે સાબિત કરી દીધું કે IPL માત્ર સ્ટાર ખેલાડીઓના જોરે નથી જીતાતી. મજબૂત ટીમ કોમ્બિનેશન, ઘણા બધા મેચ વિનર્સ, સંતુલિત બોલિંગ અને શ્રેષ્ઠ કેપ્ટનશીપ જ કોઈ ટીમને ચેમ્પિયન બનાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


