VIDEO: કરોડોની બ્લેક ફરારી લઈને નીકળ્યો 'ધુરંધર':'ડોન 3'ના વિવાદ વચ્ચે નવી લક્ઝરી સ્પોર્ટ્સ કાર ખરીદી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

Last Updated: June 17, 2026By

બોલિવૂડના પાવરહાઉસ અને ‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહ પોતાની બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તેની ચર્ચાનું કારણ કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેના ગેરેજમાં સામેલ થયેલી એક નવી આલીશાન બ્લેક કલરની લક્ઝરી સ્પોર્ટ્સ કાર છે. હાલમાં જ રણવીર મુંબઈના રસ્તાઓ પર પોતાની કરોડોની નવી કાર દોડાવતો કેમેરામાં કેદ થયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. હવામાં વાતો કરતી ‘ફરારી 296 GTB’ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર સિંહ બ્લેક રંગની શાનદાર સ્પોર્ટ્સ કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. મુંબઈના ટ્રાફિક વચ્ચે જ્યારે આ કારની સ્પીડ થોડી ધીમી પડી, ત્યારે આસપાસના વાહનોમાં બેઠેલા લોકોએ પોતાના ફોનથી રણવીરને કેપ્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, થોડી જ ક્ષણોમાં ફરારીએ સ્પીડ પકડી અને હવામાં વાતો કરતી ઝડપથી આગળ નીકળી ગઈ હતી. ઘર કરતાં પણ મોંઘી કાર અહેવાલો અનુસાર, રણવીર સિંહે ખરીદેલી આ બ્લેક ‘ફરારી 296 GTBની કિંમત આશરે ₹6.36 કરોડ છે. આ કિંમતમાં મેટ્રો સિટીમાં એક આલીશાન ફલેટ આવી શકે છે. રણવીર સિંહનું 15 કરોડનું શાનદાર કાર કલેક્શન આ નવી ગાડી સાથે રણવીરના કાર કલેક્શનમાં વધુ એક મોંઘી સુપરકારનો ઉમેરો થયો છે. તેમની પાસે હાલમાં સુપરકાર્સ અને દમદાર SUVs નું આલીશાન કલેક્શન છે, જેની અંદાજિત કિંમત ₹15 કરોડ જેટલી થાય છે. તેના ગેરેજમાં હવે ‘ફરારી 296 GTB’ અને GMC Hummer EV 3X જેવી એક્સક્લુઝિવ અને રેર ગાડીઓ હાજર છે. ‘ડૉન 3’ વિવાદ અને કરોડોનું નુકસાન રણવીર સિંહ તાજેતરમાં જ જાણીતી એક્શન-થ્રિલર ફ્રેન્ચાઈઝી ‘ડૉન 3’ ને લઈને પણ વિવાદોમાં રહ્યો હતો. વર્ષ 2023માં રણવીરને આ ફ્રેન્ચાઈઝીના નવા ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેનાથી ફરહાન અખ્તર ડાયરેક્શનમાં કમબેક કરી રહ્યો હતો અને કિયારા અડવાણી ફીમેલ લીડ તરીકે પસંદ થઈ હતી. જોકે, રણવીર સિંહે સ્ક્રિપ્ટમાં ક્રિએટિવ ડિફરન્સ અને શૂટિંગમાં થઈ રહેલા વિલંબને કારણે અચાનક આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. જેના લીધે મેકર્સને અંદાજે ₹40થી 45 કરોડનું મોટું નુકસાન થયું હોવાનો દાવો કરાયો હતો. રણવીરના અચાનક બહાર નીકળવાના કારણે ફેડરેશન (FWICE) એ મેકર્સનું સમર્થન કરીને એક્ટર વિરુદ્ધ ‘નૉન કો-ઓપરેટિવ ઓર્ડર’ જાહેર કર્યો હતો. જોકે, બાદમાં કેટલાક ફિલ્મ સંગઠનોની અપીલ અને રણવીર સિંહની કાનૂની નોટિસ બાદ આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ તાજેતરમાં જ ‘ધુરંધર: ધ રિવિંજ’માં જોવા મળ્યા હતા, બોક્સ ઓફિસ પર તેણે અઢળક કમાણી કરી છે. આ ફિલ્મનો પહેલો ભાગ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયો હતો. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર ઉપરાંત સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારો હતા. આ ફિલ્મે રણવીરને તેના કરિયરનો સૌથી યાદગાર રોલ આપ્યો છે. હાલમાં ‘ધુરંધર: ધ રિવિંજ’ થિયેટર્સ બાદ હવે OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી રહી છે.