Shree Charani No. 1 T20 Bowler; World Cup 2026 Top Wicket Taker
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
21 વર્ષીય ભારતીય સ્પિનર શ્રી ચરણી વુમન્સ ટી-20 ઇન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. તેણે ઇંગ્લેન્ડની સ્પિનર લિન્સી સ્મિથને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
શ્રી ચરણીને વુમન્સ T-20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શનનો ફાયદો મળ્યો છે. તે હાલમાં ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. તેણે 3 મેચમાં 10 વિકેટ લીધી છે. જ્યારે, 6 વિકેટ લેનારી દીપ્તિ શર્મા બોલિંગ રેન્કિંગમાં 8મા સ્થાને છે.
બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાના ટોપ-5માં યથાવત છે. તેણે આ વર્લ્ડકપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત શેફાલી વર્મા 6ઠ્ઠા અને કેપ્ટન હરમનપ્રીત કૌર 10મા સ્થાને છે.
એક વર્ષ પહેલા ડેબ્યૂ કર્યું હતું
ડાબા હાથની સ્પિનર ચરણીએ ગયા વર્ષે 28 જૂને ઇંગ્લેન્ડ સામે પ્રથમ T-20 મેચ રમી હતી. તેણે અત્યાર સુધી 23 મેચમાં 38 વિકેટ લીધી છે. શ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ છે.
આ વર્લ્ડ કપમાં ચરણીનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. તેણે અત્યાર સુધી 3 મેચમાં 10 વિકેટ લીધી છે. લીડ્સમાં નેધરલેન્ડ્સ સામે 4 વિકેટ લીધા બાદ તેણે માન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે પણ 3 વિકેટ ઝડપી હતી.
પૂર્વ નંબર-1 બોલર લિન્સી સ્મિથ ત્રીજા સ્થાને પહોંચી
ઇંગ્લેન્ડની ઓફ સ્પિનર ચાર્લી ડીન 3 મેચમાં 5 વિકેટ લઈને બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પૂર્વ નંબર-1 બોલર લિન્સી સ્મિથ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ઇંગ્લેન્ડની જ સ્ટાર સ્પિનર સોફી એક્લેસ્ટન ચાર સ્થાનની છલાંગ લગાવીને ચોથા નંબર પર પહોંચી ગઈ છે.
વેસ્ટ ઇન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ 9 સ્થાન ઉપર ચઢીને 11મા, ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર કિમ ગાર્થ 25 સ્થાનની છલાંગ લગાવીને 20મા અને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના 10 સ્થાન ઉપર ચઢીને 25મા નંબર પર પહોંચી ગઈ છે.

બેટર્સ રેન્કિંગમાં 3 ભારતીય
ભારતની ત્રણ બેટર ટોપ-10માં સામેલ છે. ઉપકેપ્ટન સ્મૃતિ મંધાના 749 રેટિંગ સાથે પાંચમા સ્થાને યથાવત છે. ઓપનર શેફાલી વર્મા એક સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા અને કેપ્ટન હરમનપ્રીત કૌર એક સ્થાનના ફાયદા સાથે 10મા નંબર પર પહોંચી ગઈ છે.

સ્મૃતિ મંધાના પાકિસ્તાન સામે શોટ રમતી વખતે.
ઓસ્ટ્રેલિયન ઓપનર જ્યોર્જિયા વોલ નંબર-1 બેટર
ઓસ્ટ્રેલિયાની ઓપનર જ્યોર્જિયા વોલ 829 રેટિંગ સાથે નંબર-1 બેટર બની રહી છે. તેણે વર્તમાન વર્લ્ડ કપની 3 મેચમાં 62 રન બનાવ્યા છે. તેની સાથી ખેલાડી બેથ મૂની એક સ્થાનના ફાયદા સાથે બીજા નંબર પર પહોંચી ગઈ છે, જ્યારે સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ ત્રીજા સ્થાને છે.

ઓલરાઉન્ડરમાં દીપ્તિ ચોથા નંબર પર યથાવત્
ભારતની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા 364 રેટિંગ અંકો સાથે ચોથા સ્થાને યથાવત છે. તે ઓલરાઉન્ડર રેન્કિંગના ટોપ-10માં સામેલ એકમાત્ર ભારતીય ખેલાડી છે. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝ ટોચ પર યથાવત છે. ન્યુઝીલેન્ડની અમિલિયા કર બીજા નંબર પર છે.
શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ ત્રીજા, આયર્લેન્ડની ઓર્લા પ્રેન્ડરગાસ્ટ પાંચમા અને પાકિસ્તાનની ફાતિમા સના છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકાની ઓલરાઉન્ડર મારીજાન કેપ ભારત સામે પ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન બાદ પાંચ સ્થાનની છલાંગ લગાવીને નવમા નંબર પર પહોંચી ગઈ છે. તેમણે 81 રન બનાવવાની સાથે 2 વિકેટ લીધી હતી.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


