Baby Do Die Do Movie Review: Huma Qureshi Shines as Mute Assassin in Stylish Crime Thriller

Last Updated: July 3, 2026By

4 કલાક પેહલાલેખક: આશિષ તિવારી

  • કૉપી લિંક

આજકાલ ક્રાઈમ થ્રિલર ફિલ્મોમાં ગોળીઓ, ગેંગસ્ટર અને બદલાની વાર્તાઓ નવી વાત નથી રહી. આવા સમયે હુમા કુરેશીની ફિલ્મ ‘બેબી ડુ ડાઈ ડુ’ તેના મુખ્ય પાત્રને કારણે અલગ તરી આવે છે. અહીં એક એવી સુપારી કિલર છે, જે બોલી શકતી નથી કે સાંભળી શકતી નથી, પરંતુ દરેક મિશનને ઘોંઘાટ વિના પાર પાડે છે.

ડિરેક્ટર નચિકેત સામંતે આ વાર્તાને માત્ર એક એક્શન ફિલ્મ નથી બનાવી, પરંતુ મુંબઈ શહેરની બદલાતી તસવીર અને તેના અંધારા પાસાને પણ વાર્તાનો ભાગ બનાવ્યો છે. ફિલ્મ દરેક વળાંક પર ચોંકાવતી નથી, પરંતુ તેની સ્ટાઈલ, વાતાવરણ અને દમદાર અભિનયના જોરે અંત સુધી રસપ્રદ બની રહે છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 5 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે તેને 5 માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યું છે.

ફિલ્મમાં હુમા કુરેશી કોન્ટ્રાક્ટ કિલરની ભૂમિકામાં છે.

ફિલ્મમાં હુમા કુરેશી કોન્ટ્રાક્ટ કિલરની ભૂમિકામાં છે.

ફિલ્મની વાર્તા કેવી છે?

વાર્તાની શરૂઆત બે જોડિયા બહેનોથી થાય છે, જેઓ બાળપણમાં એક બંધ પડેલી હોટલમાં પહોંચી જાય છે. ત્યાં તેઓ એક હત્યાની સાક્ષી બને છે. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ થાય છે, જ્યારે બીજીનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.

વર્ષો પછી તે જ છોકરી બેબી કરમરકર (હુમા કુરેશી)ના નામથી મુંબઈની સૌથી ખતરનાક કોન્ટ્રાક્ટ કિલર બની ચૂકી હોય છે. તે મૂક-બધિર છે (બોલી-સાંભળી શકતી નથી), પરંતુ તેના દરેક મિશનને ખૂબ જ ચોકસાઈપૂર્વક પાર પાડે છે. તેની ઓળખ તેની ખાસ છત્રી છે, જે જરૂર પડ્યે જીવલેણ હથિયાર બની જાય છે.

બેબીનું પાલનપોષણ પપ્પા (ચંકી પાંડે) એ કર્યું છે, જે તેને એક પછી એક મિશન સોંપતા રહે છે. પરંતુ દરેક સોપારી પાછળ બેબીની પોતાની એક શોધ પણ છુપાયેલી છે. તે પોતાની જોડિયા બહેનના હત્યારા સુધી પહોંચવા માંગે છે. આ દરમિયાન તેની જિંદગીમાં સિદ્ધુ (રચિત સિંહ)ની એન્ટ્રી થાય છે અને પહેલીવાર તેને આ લોહીયાળ દુનિયામાંથી બહાર નીકળવાની આશા દેખાય છે.

શું બેબી પોતાના ભૂતકાળમાંથી બહાર નીકળી શકશે? શું તેને પોતાની બહેનના હત્યારા સુધી પહોંચવાની તક મળશે? અને શું અપરાધની દુનિયા તેને આટલી સરળતાથી જવા દેશે? આ જ પ્રશ્નોના જવાબ ફિલ્મ ધીમે ધીમે આપે છે.

સ્ટારકાસ્ટની એક્ટિંગ કેવી છે?

આ ફિલ્મની સૌથી મોટી તાકાત હુમા કુરેશી છે. લાંબા સંવાદ બોલ્યા વગર માત્ર આંખો, ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજ દ્વારા તેણે બેબીના દર્દ, ગુસ્સા અને એકલતાને ખૂબ જ અસરકારક રીતે નિભાવ્યા છે. તેનો શાંત ચહેરો અને અચાનક હિંસક બની જવાનો અંદાજ ફિલ્મને અલગ ઓળખ આપે છે.

રચિત સિંહ વાર્તામાં ભાવનાત્મક સંતુલન લાવે છે. તેનું પાત્ર સાદગીથી લખાયેલું છે અને બંને વચ્ચેની કેમેસ્ટ્રી ફિલ્મને રાહત આપે છે.

ચંકી પાંડે અત્યાર સુધીના તેના અલગ પાત્રોમાં જોવા મળે છે. તેનો શાંત પણ રહસ્યમય અંદાજ પ્રભાવિત કરે છે. સિકંદર ખેર ફરી એકવાર ગ્રે શેડવાળા પાત્રમાં જામી ગયો છે અને દર વખતે સ્ક્રીન પર આવતા જ તણાવ વધારી દે છે. સીમા પાહવા પણ તેમના સીમિત સ્ક્રીન ટાઈમમાં પ્રભાવ છોડે છે.

ફિલ્મનું ડિરેક્શન અને ટેકનિકલ પાસું કેવું છે?

ડિરેક્ટર નચિકેત સામંતે આ ફિલ્મને પરંપરાગત ક્રાઈમ થ્રિલર બનવાથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે શૈલી અને વાર્તા વચ્ચે સારું સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો છે. મુંબઈ અહીં માત્ર લોકેશન નથી, પરંતુ વાર્તાનું એક મહત્વપૂર્ણ પાત્ર બનીને સામે આવે છે. વરસાદમાં ભીંજાયેલા રસ્તાઓ, જૂની ચાલીઓ, અધૂરી ઇમારતો અને શહેરનો અંધકારમય ચહેરો ફિલ્મના વાતાવરણને મજબૂત બનાવે છે.

સિનેમેટોગ્રાફી ફિલ્મની સૌથી મોટી વિશેષતાઓમાંની એક છે. ઘણા ફ્રેમ્સ આંતરરાષ્ટ્રીય નિયો નોઇર ફિલ્મોની યાદ અપાવે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફ્લેશબેક, ઓછી રોશનીવાળા દ્રશ્યો અને રંગોનો ઉપયોગ વાર્તાને અલગ ઓળખ આપે છે.

જોકે, ફિલ્મ સંપૂર્ણપણે પોતાની પકડ જાળવી શકતી નથી. પહેલા ભાગમાં ગતિ થોડી ધીમી લાગે છે. બીજા ભાગમાં વાર્તા ઝડપી બને છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પાત્રો અને ઘણા સમાંતર ટ્રેક ફિલ્મને થોડી ગૂંચવી દે છે. કેટલાક ટ્વિસ્ટનો અંદાજ પહેલેથી જ આવી જાય છે અને કેટલીક ઘટનાઓ જરૂરિયાત કરતાં વધુ અનુકૂળ લાગે છે. આમ છતાં, ડિરેક્ટર ફિલ્મનું વાતાવરણ અને સસ્પેન્સ જાળવી રાખવામાં મોટાભાગે સફળ રહે છે.

ફિલ્મનું સંગીત કેવું છે?

ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર વાર્તા સાથે સારી રીતે ચાલે છે. ઘણી જગ્યાએ મૌન પણ વાર્તાનો ભાગ બની જાય છે અને તણાવ વધારે છે. ગીતો ઓછા છે અને વાર્તામાં અવરોધ બનતા નથી. જોકે, એવું કોઈ ગીત નથી, જે ફિલ્મ પૂરી થયા પછી લાંબા સમય સુધી યાદ રહી જાય.

આ ફિલ્મમાં હુમા કુરેશીની એક્શન કરવાની રીત ખૂબ જ અનોખી છે, જેમાં તે છત્રીનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

આ ફિલ્મમાં હુમા કુરેશીની એક્શન કરવાની રીત ખૂબ જ અનોખી છે, જેમાં તે છત્રીનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

ફાઇનલ વર્ડિક્ટ: જોવી કે નહીં?

‘બેબી ડુ ડાઈ ડુ’ એવી ફિલ્મોમાંથી એક છે, જે તેની વાર્તા કરતાં વધુ તેના ટ્રીટમેન્ટ અને માહોલ માટે યાદ રાખવામાં આવશે. હુમા કુરેશીનો દમદાર અભિનય, સ્ટાઇલિશ પ્રસ્તુતિ અને મુંબઈને વાર્તાનું મુખ્ય પાત્ર બનાવવાની રીત ફિલ્મને અલગ બનાવે છે. જોકે ધીમો પહેલો ભાગ, કેટલાક અનુમાનિત વળાંકો અને જરૂરિયાત કરતાં વધુ પાત્રો તેની ગતિને થોડી નબળી પાડે છે. જો તમને અલગ અંદાજની ક્રાઈમ થ્રિલર, મજબૂત મહિલા પ્રધાન પાત્રો અને સ્ટાઇલિશ ફિલ્મો પસંદ હોય, તો ‘બેબી ડુ ડાઈ ડુ’ એકવાર જરૂર જોઈ શકાય છે.

,

‘બેબી ડુ ડાઈ ડુ’ સંબંધિત આ સમાચાર પણ વાંચો…

‘એંગ્રી યંગ વુમન બનવાનું સપનું છે’:હુમાએ ખોલ્યા છત્રીમાં બંદૂક રાખતી મૂક-બધિર ‘બેબી’ના રાઝ, સાકિબે બહેન પાસેથી કામ કઢાવવાની ટ્રિકનો ખુલાસો કર્યો

‘સલીમ સિબલિંગ’ એટલે કે હુમા કુરેશી અને તેના ભાઈ સાકિબ સલીમ ભારતની પહેલી ‘હિટ વુમન’ એટલે કે બેબીની વાર્તા લઈને સિનેમાઘરોમાં આવી રહ્યા છે. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મના પ્રમોશન માટે હુમા અને સાકિબ અમદાવાદ પહોંચ્યા હતા. હુમા અને સાકિબે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ફિલ્મની વાર્તા, ભાઈ-બહેનના બોન્ડ અને એંગ્રી યંગ વુમનના ટેગ વિશે ખૂલીને વાત કરી. સંપૂર્ણ સમાચાર વાંચો…