Editor's View: રસ્તા, ટ્રાફિક અને ગાયો:'ભારત સુંદર અવ્યવસ્થા', ઇન્દ્રા નૂઇએ દેશના સ્વભાવ અને વર્ક કલ્ચરને ખુલ્લું પાડ્યું, 'ચાલશે'ની માનસિકતાને ઘાતક ગણાવી

Last Updated: July 10, 2026By

જો કાલ સવારે અમેરિકા ભારતને ગ્લોબલ બિઝનેસમાંથી સાઇડલાઇન કરી દે, તો સૌથી મોટો ઝટકો કોને લાગશે? આ તીખો તમતમતો સવાલ એટલા માટે કારણ કે પેપ્સિકોનાં પૂર્વ CEO ઈન્દ્રા નૂઈએ ભારતને એક સુંદર અવ્યવસ્થા કહી દીધું. પણ શું આ માત્ર વિદેશી વખાણ છે કે પછી એક એવી ભયાનક ચેતવણી, જે ભવિષ્યમાં આપણા ખિસ્સા સીધા ખાલી કરી શકે છે? વિગતે વાત કરીએ ઈન્દ્રા નૂયીએ ભારત વિશે આવું કેમ કહ્યું? શું આપણે તેનું ખોટું લગાવવું જોઈએ કે તેનાથી શીખવું જોઈએ? નમસ્કાર… અમેરિકાની ફેમસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના હૂવર ઇન્સ્ટિટ્યુશનમાં એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં પેપ્સિકો કંપનીના ભૂતપૂર્વ ચેરમેન ઈન્દ્રા નૂઈએ અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીઝા રાઇસ સાથે લાંબી અને ઉંડી ચર્ચા કરી. આ કોઈ સામાન્ય ગોસિપ ન હતી. આ ચર્ચા લીડરશીપ, દુનિયાની ગવર્નન્સ સિસ્ટમ અને ભારત-ચીનના ભવિષ્ય પર હતી. આ મંચ પરથી નૂઈએ એક એવો બોમ્બ ફોડ્યો જેણે ભારતભરમાં વિવાદ ઉભો કરી દીધો. તેમણે ચર્ચામાં કહ્યું હતું કે જો તેઓ ભારતમાં જ રહ્યા હોત, તો કદાચ ક્યારેય પેપ્સિકો જેવી જાયન્ટ ગ્લોબલ કંપનીના સીઈઓ ન બની શક્યા હોત. તેમણે ભારતની હાલની સિસ્ટમને બ્યુટીફુલ ઇન ઇટ્સ કેઓસ એટલે કે અવ્યવસ્થામાં સુંદર ગણાવી દીધી. એ વાત પછી કરીશું પણ પહેલા એ જાણી લઈએ કે ઈન્દ્રા નૂઈ કોણ છે અને તે બોલે તો આપણે કેમ તેને ધ્યાનથી સમજવું અને સાંભળવું જોઈએ? તો વાત એમ છે કે ઈન્દ્રા નૂઈ દુનિયાના બિઝનેસ જગતનું એક મોટું અને રિસ્પેક્ટેડ નામ છે. તેઓ વિશ્વની દિગ્ગજ કંપની પેપ્સિકોના પૂર્વ ચેરમેન અને CEO રહી ચૂક્યા છે. સાદી રીતે સમજીએ તો મોટા મેડમ છે. એક ભારતીય-અમેરિકન મહિલા તરીકે તેમણે ગ્લોબલ કોર્પોરેટ વર્લ્ડમાં ટોચનું સ્થાન મેળવીને દુનિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. સતત ઘણા વર્ષો સુધી દુનિયાના ટોપ 10 સૌથી શક્તિશાળી મહિલાઓમાં તેમનું નામ આવતું આવ્યું છે. એટલા માટે જ જ્યારે ઈન્દ્રા નૂઈ બોલે છે, ત્યારે તેમનો અવાજ અત્યંત મહત્વનો બની જાય છે કારણ કે વૈશ્વિક રોકાણકારો, બિઝનેસ લીડર્સ અને આંતરરાષ્ટ્રીય મીડિયા તેમની વાતને ગંભીરતાથી સાંભળે છે. અર્થતંત્ર, કોર્પોરેટ ગવર્નન્સ કે ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ પરના તેમના એનાલિટિકલ સ્ટેટમેન્ટ્સ વૈશ્વિક બજારના સેન્ટિમેન્ટ અને વિદેશી રોકાણોના પ્રવાહને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકામાં જ કેમ સફળ થાય છે ભારતીય મગજ? તેમનું ભારતની સિસ્ટમને બ્યુટીફુલ ઇન ઇટ્સ કેઓસ કહ્યું તે સાંભળવામાં થોડું કડવું લાગી શકે, પણ તે આપણી સિસ્ટમ પર પડેલો એક મોટો સવાલ છે. જરા વિચારો, આપણા અમદાવાદ કે રાજકોટનો કોઈ સામાન્ય યુવાન, ધારો કે રમેશ. રમેશ પાસે જબરદસ્ત ટેકનિકલ નોલેજ અને એક અદભુત સ્ટાર્ટઅપ આઈડિયા છે. પણ ભારતમાં તેને પોતાનો આઈડિયા જમીન પર ઉતારવા માટે કેટલા સરકારી ધક્કા ખાવા પડે છે? સિસ્ટમમાં તેને મદદ કરવાના બદલે તેની ફાઈલો અટવાય છે, તેનું બેકગ્રાઉન્ડ જોવાય છે. જ્યારે અમેરિકાની સિસ્ટમ બિલકુલ અલગ છે. અમેરિકન પ્રણાલી પૂરી રીતે મેરિટોક્રેસી એટલે કે માત્ર ક્વોલિટી કે ગુણવત્તા પર ચાલે છે. ત્યાં તમારું લિંગ, જાતિ, વર્ણ કે બેકગ્રાઉન્ડ નથી જોવાતું. જો તમારામાં ટેલેન્ટ છે, તો અમેરિકન મેન્ટર્સ તમને સીધા ટોચ પર પહોંચાડવા તૈયાર બેઠા છે. ભારતમાં બુદ્ધિની કમી નથી, પણ તે આઇડિયાને બજાર સુધી પહોંચાડતી ઇકોસિસ્ટમ હજુ પણ કાચી છે. જેનું આપણે ખોટું નથી લગાડવાનું પણ સ્વીકારવાનું છે અને સરકારને તેનાથી શીખવાનું છે. આ નિવેદનથી સામાન્ય લોકોને શું? તમને કદાચ એવો વિચાર આવે કે ઈન્દ્રા નૂઈ વિદેશમાં બેસીને ગમે તે બોલે, એમાં મારે શું? મારા ઘરનું કરિયાણું થોડું મોંઘુ થવાનું છે? પણ, આંતરરાષ્ટ્રીય રાજનીતિની સીધી અસર તમારા રસોડા પર પડે છે. જ્યારે વર્લ્ડ સ્ટેજ પર કોઈ મોટી હસ્તી ભારતની સિસ્ટમને અવ્યવસ્થિત કહે, ત્યારે વિદેશી રોકાણકારો એટલે કે FDIના મનમાં મોટો ડર ઉભો થાય છે. જો વિદેશી કંપનીઓ ગુજરાત કે ભારતમાં પોતાની ફેક્ટરીઓ અને ઓફિસો નહીં નાખે, તો આપણા યુવાનોને મળતી નવી નોકરીઓ અટકી જશે. બેરોજગારી વધશે એટલે સામાન્ય માણસના ખિસ્સા પર આર્થિક બોજ વધવાનો જ છે. આ કોઈ દેશની માત્ર ઈમેજનો સવાલ નથી, આ આપણા યુવાનોના આર્થિક ભવિષ્ય અને નોકરીઓની સુરક્ષા સાથે જોડાયેલો સીધો મુદ્દો છે. ડરવાની જરૂર નથી, અહી મોટી તક પણ છે જોકે, આપણે આ સાંભળીને નિરાશ થવાની કે ગુસ્સે થવાની જરૂર નથી. આ જ સમસ્યામાં એક જબરદસ્ત તક પણ ઉભી છે. આજના ભારતમાં સોશિયલ મીડિયા પર ઈન્દ્રા નૂઈના નિવેદનની આકરી ટીકા પણ થઈ છે. લોકોનું કહેવું છે કે આજનું ભારત 1970ના દાયકાનું નથી રહ્યું. આજે નાયકાના ફાલ્ગુની નાયર અને બાયોકોનના કિરણ મઝુમદાર-શૉ જેવી મહિલાઓ ભારતમાં રહીને જ પોતાની ક્વોલિફિકેશનના આધારે દુનિયાભરમાં ડંકો વગાડી રહી છે. જો આપણે આપણી સિસ્ટમમાં રહેલી ખામીઓને થોડી સુધારી લઈએ અને પારદર્શિતા વધારીએ, તો વિદેશી કંપનીઓ ચીન છોડીને સીધી ભારતમાં જ આવવાની છે. બીજું મહત્વનું એ છે કે આપણે તેમના વખાણ નથી કરવા કે તેમની નિંદા નથી કરવી આપણે બસ તે શું કહી રહ્યા છે અને તેના કહેવા પાછળનું કારણ શું છે અને આપણે શું સુધારી શકીએ તેના પર જ ફોકસ કરીશું. આ પણ પસાર થઈ જશેવાળી ઘાતક માનસિકતા પણ આના માટે આપણે એક વસ્તુ બદલવી પડશે. ઈન્દ્રા નૂઈએ આપણી એક કડવી વાસ્તવિકતા છતી કરી છે. રસ્તા પર કારની વચ્ચે ચાલતી ગાયો અને ટ્રાફિક વચ્ચેથી અદભુત રીતે રસ્તો કાઢતા લોકો વિદેશીઓ માટે ભયાનક છે. પણ ભારતીયો માટે તે રોજિંદી આદત બની ગઈ છે. નૂઈએ આ અવ્યવસ્થાને એક ડ્રગ એટલે કે નશા જેવી કહી છે. આપણે બધું જ આ પણ પસાર થઈ જશેના એટિટ્યૂડ સાથે માની લીધું છે. આપણે ગંદકી અને ટ્રાફિક જામને સાંસ્કૃતિક વિશિષ્ટતા માનીને ચલાવી લઈએ છીએ. આ નાગરિક ઉદાસીનતાના ગંભીર પરિણામો આવે છે: ઈન્દ્રા નૂઈએ તો કહી દીધું કે આપણે અવ્યવસ્થિત છીએ. પણ શું આપણે આ ગંદકી, ભ્રષ્ટાચાર અને ટ્રાફિક જામને માત્ર સુંદર કહીને ચલાવી લઈશું? કે પછી સિસ્ટમ પાસે એક પ્રોપર ડિસિપ્લિનરી સિસ્ટમની માંગ કરીશું? આ વિશે જરા વિચારજો. હવે આપણે વાત કરીશું કે લોકશાહી અને સરમુખત્યારશાહીની લડાઈમાં ચીન કઈ રીતે ભારત કરતા અલગ મોડેલ પર રમી રહ્યું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ચીન રાતોરાત વિશાળ બ્રિજ અને નવા હાઈટેક શહેરો કેવી રીતે ઉભા કરી દે છે? જ્યારે આપણે ત્યાં ભારતમાં એક નાનકડો ફ્લાયઓવર કે અંડરપાસ બનતા વર્ષોના વર્ષો નીકળી જાય છે! ઈન્દ્રા નૂઈએ પોતાના સ્ટેનફોર્ડના ભાષણમાં આ જ મુદ્દા પર સૌથી મોટો ધડાકો કર્યો હતો. તો આપણે આ જ મામલે સમજીએ કે લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચેની આ ગ્લોબલ ગેમમાં આપણે ક્યાં ઉભા છીએ અને આપણા ભવિષ્ય પર તેની શું અસર થશે? ચીનનું સુપરફાસ્ટ મોડેલ: વિકાસ કે તાનાશાહી? ચીન આજે દુનિયાની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી બની ગયું છે. પણ કેવી રીતે? ચીનની સિસ્ટમ સ્ટેટ-લેડ કમાન્ડ ઇકોનોમી પર ચાલે છે. સાદી રીતે સમજીએ તો, ઉપરથી બેઇજિંગમાં બેઠેલી સરકાર ઓર્ડર આપે એટલે નીચે કામ પૂરું. ત્યાં કોઈ વિરોધ પક્ષ નથી, મીડિયાની કોઈ દખલગીરી નથી, પર્યાવરણની મંજૂરીઓના લાંબા નાટક નથી કે કોઈ સ્થાનિક NGOના દેખાવો નથી. બુલેટ ટ્રેન અને આપણી વાસ્તવિકતા જરા વિચારો કે ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારે શરૂઆતમાં જમીન સંપાદન માટે કેટલો મોટો વિરોધ થયો હતો? ખેડૂતો પોતાના હક માટે સીધા કોર્ટમાં ગયા હતા. ચીનમાં આવું કશું જ હોતું નથી. જો સરકાર જમીન માંગે એટલે તમારે બેગ પેક કરીને ખાલી જ કરવાની. કોઈ હડતાલ નહીં, કોઈ આંદોલન નહીં. આ જ કારણથી વિદેશી પ્રવાસીઓને ચીન બહુ સાફ, શિસ્તબદ્ધ અને આધુનિક લાગે છે. પણ યાદ રાખજો, આ સુપરફાસ્ટ વિકાસની એક બહુ મોટી કિંમત છે. નાગરિકોની આઝાદીનું ગળું દબાવી દેવું! ભારતની ધીમી લોકશાહી: નબળાઈ કે તાકાત? આપણે ત્યાં એક સામાન્ય રસ્તો બનાવવો હોય તો પણ ગ્રામ પંચાયતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લાંબી લડત લડી શકાય છે. આનાથી દેશનો વિકાસ ધીમો પડે છે, પ્રોજેક્ટ મોડા થાય છે અને ખર્ચો વધે છે. પણ અહીં ધ્યાન આપજો, ઈન્દ્રા નૂઈએ ભારતની આ ધીમી ગતિને ખરાબ નથી કહી. તેમણે ઉલટાનું આ સિસ્ટમના વખાણ કર્યા છે. અસલી તાકાત: ન્યાયાલયનો ડર નૂઈએ બહુ માર્મિક વાત કરી કે ભારતના નાનામાં નાના શહેરમાં કે તાલુકામાં પણ તમને એક કોર્ટહાઉસ જોવા મળશે. ચીનમાં આવા કોર્ટહાઉસ હોતા જ નથી. કેમ? કારણ કે ચીનમાં સરકાર જ કાયદો બનાવે છે અને સરકાર જ ન્યાય આપે છે. ભારતમાં જો કોઈ સામાન્ય માણસ કે ગરીબ ખેડૂત સાથે અન્યાય થાય, તો તે વિશાળ સરકાર સામે પણ છાતી કાઢીને કોર્ટમાં ઊભો રહી શકે છે. આ ન્યાયિક વ્યવસ્થા આપણને સુરક્ષા આપે છે. લોકોના અધિકારો છીનવાતા નથી: પણ આ વાત નગ્ન સત્ય પણ છે અને તમાચો ખાઈને ગાલ લાલ કરવા જેવી પણ છે. ચીનમાં ડિક્ટેટરશીપ કે સામ્યવાદી સરકાર છે તેનો મતલબ એ નથી કે તેને બહાનું બનાવીને આપણે આપણી સમસ્યાઓ પર પડદો ઢાંકી દઈએ. દુનિયામાં અનેક એવા દેશો છે જેમાં ભારતની જેમ લોકશાહી છે છતાં તે ભારતથી અનેક ગણી ગતિએ હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે. અમેરિકાને ભારતની કેમ આટલી ગરજ છે? તમને કદાચ સવાલ થશે કે અમેરિકાને આપણી આ સિસ્ટમમાં કેમ આટલો રસ છે? જવાબ છે: જિયોપોલિટિક્સ એટલે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિ. ચીન અત્યારે આખી દુનિયાનો દાદા બનવા માંગે છે. અમેરિકા હવે એકલું ચીનને રોકી શકે તેમ નથી. નૂઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત અને અમેરિકા નેશરલ પાર્ટનર્સ એટલે કે સ્વાભાવિક ભાગીદારો છે. આપણો પાડોશ અને યુવા શક્તિની કિંમત આપણે એવા જગ્યા અને વિસ્તારમાં રહીએ છીએ જેને ખરાબ પડોશ કહેવાય. આપણી એક બાજુ આતંકવાદ પોષતું પાકિસ્તાન અને બીજી તરફ વિસ્તારવાદી ચીન બેઠું છે. આ બંનેની સામે એશિયામાં લોકશાહીનો ઝંડો ઉંચો રાખવા અમેરિકાને ભારતની સખત જરૂર છે. આપણી વિશાળ યુવા વસ્તી, એન્જિનિયરિંગ ટેલેન્ટ, અંગ્રેજી બોલતો વર્ગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક્સપર્ટ્સ આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ ચલાવી રહ્યા છે. એટલે જો ભારત આર્થિક રીતે મજબૂત થશે, તો જ ચીન કંટ્રોલમાં રહેશે. અમેરિકા બહુ સારી રીતે જાણે છે કે ભારત માત્ર તેમના માટે એક મોટું બજાર નથી, પણ ભવિષ્યની ચીન સામેની સુરક્ષા માટેનો એકમાત્ર મજબૂત વિકલ્પ છે. પણ, અહીં એક બહુ મોટો સવાલ ઉભો થાય છે. જો આપણે દુનિયાના આટલા મોટા લીડર બનવા માંગીએ છીએ, તો આપણા પોતાના ઘરની હાલત કેવી છે? આપણે ગર્વથી કહીએ છીએ કે આપણે વિશ્વગુરુ બનીશું, પણ આપણા શહેરોના રસ્તાઓ પર હજુ પણ મોતનો તાંડવ કેમ જોવા મળે છે? ગુજરાતના રસ્તાઓ પર મોતનો સામાન ઈન્દ્રા નૂઈએ જ્યારે પોતાના ભાષણમાં રસ્તા પર કારની વચ્ચે ચાલતી ગાયો અને ટ્રાફિકની ગંભીર વાત કરી, ત્યારે વિદેશી લોકો જે તેમને સાંભળે છે તેમને કદાચ આ બધું બહુ આશ્ચર્યજનક અને નવું લાગ્યું હશે. પણ આપણા માટે, અને ખાસ કરીને આપણા ગુજરાત અને અમદાવાદમાં રહેતા લોકો માટે, આ કોઈ જ નવી વાત નથી. આપણે આ રોજિંદી હાડમારીને સિસ્ટમનો હિસ્સો માનીને, તેને સુંદર કહીને નજરઅંદાજ કરી રહ્યા છીએ. પણ હકિકત એ છે કે આ અવ્યવસ્થા દરરોજ આપણા જ નિર્દોષ લોકોના અને યુવાનોના જીવ લઈ રહી છે. અમદાવાદઃ હિટ-એન્ડ-રનમાં 49%નો ઉછાળો આપણે સૌ ગુજરાતીઓ ગર્વ લઈએ છીએ કે આપણું અમદાવાદ હવે ધીમે ધીમે એક એડવાન્સ મેગા સિટી બની ગયું છે. પણ જ્યારે આપણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે કે NCRBના આંકડા જોઈએ છીએ, ત્યારે એક અલગ જ અને ડરામણી કહાની સામે આવે છે. વર્ષ 2024 અને 2025ના ઓફિશિયલ આંકડાઓ વચ્ચેની સીધી સરખામણી કરીએ તો ખ્યાલ આવે છે કે, અમદાવાદમાં જીવલેણ હિટ-એન્ડ-રન કેસોમાં અધધ 49 ટકાનો પ્રચંડ ઉછાળો આવ્યો છે. શહેરમાં કુલ અકસ્માતો 1,323થી વધીને સીધા 1,427 થઈ ગયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં પણ 15 ટકાનો સીધો વધારો નોંધાયો છે. જરા શાંતિથી વિચારો, તમે આખો દિવસ ઓફિસમાં સખત મહેનત કરીને સાંજે ખુશી-ખુશી ઘરે પાછા જઈ રહ્યા છો. ઘરે તમારી પત્ની, બાળકો કે વૃદ્ધ માતા ગરમા-ગરમ જમવાનું બનાવીને તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અચાનક પાછળથી કોઈ બેફામ વાહન ચાલક ફૂલ સ્પીડમાં આવે છે અને તમને જોરદાર ટક્કર મારીને ઊભા રહ્યા વગર જ ભાગી જાય છે. આ કોઈ ફિલ્મનો સીન નથી, આ આપણા શહેરની રોજની વાસ્તવિકતા છે. અમદાવાદના દાણીલીમડા, કાગડાપીઠ કે નારોલ જેવા વિસ્તારોમાં આ કેસો હવે મહામારી બની ગયા છે. આટલા બધા અકસ્માતો પાછળના મુખ્ય કારણો શું છે? ગુજરાતમાં દર કલાકે રસ્તા પર 1 મોત તમને જાણીને કદાચ મોટો આઘાત લાગશે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 2021થી 2025ના સમયગાળામાં 38,530 લોકોએ માત્ર રસ્તા પર અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. આ આંકડાનો સીધો અને સાદો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દર કલાકે સરેરાશ બે અકસ્માત થાય છે અને કોઈ એક નિર્દોષ વ્યક્તિનો રસ્તા પર કમકમાટીભર્યો જીવ જાય છે. આટલું ઓછું હોય એમ, CAGના માર્ચ 2024ના રિપોર્ટ મુજબ રાજ્યમાં 5.36 લાખ વાહનો તો રજીસ્ટ્રેશન પૂરા થયા પછી પણ દોડી રહ્યા છે. જ્યારે 1.91 લાખ વાહનો પાસે બરોબર પરમિટ જ નથી. આનો સીધો મતલબ એ છે કે જો તમને કોઈ ટક્કર મારીને ભાગી જાય, તો તેની ઓળખ કરવી પણ પોલીસ માટે અત્યંત મુશ્કેલ બની જાય છે. જ્યારે ટ્રાફિક ડ્રાઇવમાં સરકારી કર્મચારીઓ અને પોલીસ જ દંડ ભરતા પકડાય, ત્યારે સામાન્ય માણસ કોની પાસે કાયદાના પાલનની આશા રાખે? રખડતા ઢોર અને AI ટેકનોલોજીનો નવો પ્રયોગ હવે વાત કરીએ એ સૌથી મોટા અને અઘરા મુદ્દાની જે ઈન્દ્રા નૂઈએ દુનિયા સામે ખાસ ઉઠાવ્યો હતો… રસ્તા પર રખડતી ગાયો અને ઢોર. આ માત્ર ટ્રાફિક ધીમો કરવાની સમસ્યા નથી, આ એક સીધી જીવલેણ ખામી છે. ગુજરાત હાઇકોર્ટે પણ હમણા જ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ટોચના અમલદારોને કોર્ટમાં બોલાવીને ખખડાવીને આકરા આદેશો આપ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ત્યારે માન્યું હતું કે પરિસ્થિતિ ગંભીર છે. થોડો સમય વિરોધ વગેરે ચાલ્યું પણ હવે અમદાવાદના રસ્તાઓ પર પહેલા કરતાં ઓછા પાલતું પશુઓ જોવા મળે છે. પણ આ બધી જ નેગેટિવિટી વચ્ચે આપણા માટે એક સારી તક અને ખૂબ જ પોઝિટિવ સમાચાર પણ છુપાયેલા છે. હવે આપણી ગુજરાત સરકાર આ રખડતા ઢોરની સમસ્યાનો આધુનિક અને કાયમી ઉકેલ લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જબરદસ્ત ઉપયોગ કરવા જઈ રહી છે. તમને જાણીને આનંદ થશે કે અમદાવાદમાં 1 લાખથી વધુ ગાયોને માઇક્રોચિપ્સ અને રેડિયો ફ્રીક્વન્સી એટલે કે RFID ટેગ્સ લગાવવામાં આવ્યા છે. ગાંધીનગરમાં આવેલ AI સેન્ટર ઓફ એક્સેલન્સની સીધી મદદથી શહેરના 130 મોટા જંક્શનો પર એક સાવ નવો પ્રયોગ શરૂ થયો છે. જેમ માણસના ફિંગરપ્રિન્ટ અલગ હોય છે, તેમ દરેક ગાયના નાકની ડિઝાઇન બિલકુલ અલગ હોય છે. હવે હાઇટેક CCTV કેમેરા રસ્તા પરથી પસાર થતી ગાયનું સીધું નાક સ્કેન કરશે અને કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા સેકન્ડોમાં તેના માલિકની ચોક્કસ ઓળખ થઈ જશે, જેનાથી સીધી કાયદેસરની કાર્યવાહી કરી શકાશે. આ સ્માર્ટ ટેકનોલોજી આપણને બતાવે છે કે જો આપણે દૃઢ નિશ્ચય કરીએ, તો આ ગંભીર અવ્યવસ્થાને કાયમ માટે દૂર કરી શકીએ છીએ. તો શું આપણે નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીને સુધરવા માટે ખરેખર તૈયાર છીએ? અને ભવિષ્યમાં ચીન કરતા પણ ચડિયાતું અને સુરક્ષિત મોડેલ ભારતમાં ઊભું કરવા આપણે સિસ્ટમ પાસે કયા કડક પગલાં લેવાની માંગ કરવી પડશે? શું આપણે ખરેખર માત્ર વાતો કરીને જ ચીનને હરાવી દઈશું? કે પછી આપણા રસ્તા અને બેઝિક સિસ્ટમ સુધારવા માટે કોઈ જાદુઈ છડીની જરૂર છે? ઈન્દ્રા નૂઈએ જે કડવી વાસ્તવિકતા બતાવી છે, તેમાંથી બહાર આવવાનો એક પાક્કો અને વૈજ્ઞાનિક રસ્તો છે. જો આપણે આ અમલમાં નહીં મૂકીએ તો આપણી આર્થિક બરબાદી નિશ્ચિત છે. અસલી બ્યૂટિફૂલ થવા સુધારાનો માસ્ટર પ્લાન આપણને એક બહુ ખરાબ આદત પડી ગઈ છે કે કોઈ સમસ્યા આવે એટલે આપણે સીધા જ સરકાર કે કોર્પોરેશનને દોષ આપી દઈએ છીએ. અથવા ભારતની વાત આવી જાય ત્યારે ખોટું લગાવીને એલ-ફેલ કોમેન્ટ કરવા લાગીએ છીએ. પણ શું ખરેખર ઉકેલ માત્ર સરકારની જ ઓફિસોમાં છુપાયેલો છે? બિલકુલ નહીં. ઈન્દ્રા નૂઈનું નિવેદન ભારત માટે માત્ર કોઈ સામાન્ય ટીકા નથી, પણ તે આપણા માટે એક આખો માસ્ટર પ્લાન છે. જો આપણે ભવિષ્યમાં ઈન્દ્રા નૂઈ જેવા ગ્લોબલ બિઝનેસ લીડર્સ પાસે દુનિયા સમક્ષ એવું કહેવડાવવું હોય કે “ચીન કે અમેરિકા નહીં, પણ ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેસ્ટ છે”, તો આપણે આ પણ પસાર થઈ જશેવાળી આપણી માનસિકતાને કાયમ માટે કચરાપેટીમાં નાખવી પડશે. આના માટે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત એવા 4E ફ્રેમવર્કને જમીન પર કડકપણાંથી લાગુ કરવી પડશે. રોડ સેફ્ટી અને સિસ્ટમ માટે 4E મોડેલ આ 4E મોડેલ શું છે અને તે સામાન્ય માણસનું જીવન કેવી રીતે બચાવી શકે છે તે સરળતાથી સમજો: સામાન્ય નાગરિકને આનાથી શું ફાયદો થશે? તમને કદાચ અત્યારે એવો વિચાર આવતો હશે કે આ બધી મોટી મોટી જિયોપોલિટિક્સની વાતોમાં મારું શું? આનાથી મને શું ફાયદો? તો વાત એમ છે કે ધારો કે તમારો યુવાન દીકરો રોહન સવારે કોલેજ જવા નીકળે છે. જો આપણા શહેરના રસ્તા શિસ્તબદ્ધ હશે, ટ્રાફિક વ્યવસ્થિત હશે તો તે સમયસર અને સુરક્ષિત રીતે ઘરે પાછો આવશે. ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે વાહનમાં જે મોટો મેન્ટેનન્સનો ખર્ચ આવે છે, તે સીધો તમારા ખિસ્સામાંથી બચશે. જીવનું જોખમ છે તે તો અલગ જ. સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે, જો અમદાવાદ, સુરત કે ગાંધીનગરની સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સ્તરની બનશે, તો દુનિયાભરની મોટી કંપનીઓ સીધી અહીં જ રોકાણ કરશે અને તમારા બાળકોને ઉંચા પગારવાળી શાનદાર નોકરીઓ પોતાના હોમટાઉનમાં જ મળશે. સરકારી અધિકારીઓનો પણ વારો કાઢો આપણી સરકારી સિસ્ટમની સૌથી મોટી બીમારી એ છે કે અહીં કોઈ પણ વ્યક્તિની જવાબદારી ફિક્સ નથી. કરોડો રૂપિયાનો રસ્તો તૂટે કે અકસ્માત થાય, કોઈ મોટો સાહેબ સસ્પેન્ડ નથી થતો. ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં એક સ્વતંત્ર ગ્રીવન્સ રિડ્રેસલ સેલ બનાવવો જ જોઈએ. જો કોઈ પણ સામાન્ય નાગરિકની ફરિયાદ પર ચોક્કસ સમયમર્યાદામાં એક્શન ન લેવાય, તો સીધા મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ અધિક્ષક એટલે કે SP કક્ષાના અધિકારીઓને જ જવાબદાર ઠેરવવા જોઈએ. જ્યાં સુધી ખુરશી પર બેઠેલા મોટા સાહેબોને પોતાની નોકરી જવાનો ડર નહીં લાગે, ત્યાં સુધી રસ્તા પર પડેલા ખાડાઓ ક્યારેય પુરાવાના નથી. ટેકનોલોજી ભ્રષ્ટાચારને મૂળમાંથી ખતમ કરી શકે છે. આપણને આજે માત્ર એક મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ છે, જે વર્ષો જૂની પોલિસી પેરાલિસિસને તોડી શકે. ભારત દેશના વિકાસ માટે આપણે આપણી કિંમતી લોકશાહી કે આઝાદીને ક્યાંય દાવ પર લગાવવાની બિલકુલ જરૂર નથી. આપણે માત્ર આપણી સરકારી પ્રક્રિયાઓને સુપરફાસ્ટ કરવાની જરૂર છે. આપણે બદલાવું છે કે પછી ભોગવવું છે? અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી તેનો નિચોડ એ કે ઈન્દ્રા નૂઈએ આપણને બ્યુટીફુલ કેઓસ કહીને એક પારદર્શક અરીસો બતાવ્યો છે. આપણે વિકાસ માટે ચીનની સરમુખત્યારશાહીની નકલ બિલકુલ નથી કરવી. આપણે આપણી લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીને જાળવી રાખીને પણ એક શિસ્તબદ્ધ મહાસત્તા બની શકીએ છીએ. રસ્તા પર રખડતા ઢોર અને રોજિંદા હિટ-એન્ડ-રનના કેસો કોઈ સાંસ્કૃતિક સુંદરતા નથી, તે આપણી એક ભયાનક વહીવટી નિષ્ફળતા છે. જેને સ્વીકારીને સુધારવી જ પડશે. માત્ર સરકાર જ નહીં, આપણે પણ નાગરિક તરીકે નિયમો પાળવાની આદત પાડવી પડશે. એક નાગરિક તરીકે જો આપણે પોતે જ ટ્રાફિક સિગ્નલ તોડવાનું બંધ નહીં કરીએ, રોંગ સાઈડમાં વાહન ચલાવીશું, તો પછી આપણે કયા મોઢે સરકારને ગાળો આપી શકીએ? પરિવર્તન હંમેશા પોતાનાથી શરૂ થાય છે. તમારો અવાજ અને તમારો મત જ અસલી પરિવર્તન લાવશે. અને છેલ્લે… મહિલાની વાત આવી છે તો વધુ એકની વાત પણ કરવી બને જેનો એક નિર્ણય દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો. 35 વર્ષના જાપાની મેયર શોકો કવાટાએ પુરુષોથી ભરેલા જાપાનના રાજકારણમાં ચાર મહિના મેટરનિટી લીવની જાહેરાત કરી. જાપાની કલ્ચરમાં લોકો ઓવરટાઈમ કામ કરતા કરતા મરી જાય છે જેના માટે એક શબ્દ છે કારોશી. આવી વિચારધારાવાળા સમાજમાં ચાર મહિનાની રજાથી લોકોને તકલીફ થાય અને વિવાદ વધે એ સ્વાભાવિક છે. પણ દુનિયાએ જાપાની મેયરના નિર્ણયનું સ્વાગત કર્યું અને તે પહેલા મેટરનિટી લીવ લેવાવાળા જાપાની મેયર બની ગયા. આ છે મહિલા શક્તિ. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)